________________
૧૩૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ -
- 12
હવે આવો મુદ્દા ઉપર :
જ્યાં સંઘત્વ હોય, એ શ્રીસંઘ તો ત્રિકાળ પૂજ્ય છે. ધર્મી આત્મા માટે શ્રીસંઘ નગર સમાન છે. એ નગરમાં ઉત્તરગુણરૂપ ભવ્ય મકાનો છે, શ્રુતજ્ઞાનરૂપ લક્ષ્મી છે, સમ્યગ્દર્શનરૂપી શેરીઓ છે અને અખંડ ચારિત્રરૂપ કિલ્લો છે. ધર્મી છે કે, જેને સંસાર છેદવાની ભાવના હોય. ધર્માત્માને શ્રીસંઘરૂપ નગર આશ્રય આપે, સંસાર છેદવામાં શ્રીસંઘ ચક્રરૂપ બની સહાય કરે : શ્રીસંઘરૂપ ચક્રને સત્તર પ્રકારના સંયમ રૂપ તુંબ હોય, બાર પ્રકારના તપ રૂ૫ આરા હોય અને સમ્યગ્દર્શનરૂપ બાહ્ય પૃષ્ઠની ભૂમિ હોય. ભવારણ્યમાં ભટકતા મોક્ષાર્થી આત્માઓને મુક્તિમાં લઈ જવા શ્રીસંઘ, એ રથરૂપ બને. શ્રીસંઘરૂપી રથને શીલરૂપ ધજા હોય, તપ અને નિયમ રૂપ ઘોડા હોય અને એમાં પાંચ પ્રકારના સ્વાધ્યાયરૂપ મંગલ ઘોષ નિરંતર ચાલુ હોય. '
હવે શ્રીસંઘને ચોથી ઉપમા કમળની છે. કમળ ઊપજે કાદવમાં, વધે. પાણીમાં, પણ રહે બેયથી અલગ ! કમળ માથે મૂકવા લાયક, સુંઘી સૂંઘીને સુગંધ લેવા લાયક છે. જેને રસ પર અનેક ભમરાઓ જીવે છે, એ કમળ ખુશબોથી ભરેલું હોય. એને કર્ણિકા-કેસરા બધું જ હોય. શ્રીસંઘરૂપ કમળમાં આ બધા સ્થાને કોણ કોણ છે, એ પણ આપણે જોઈ ગયા.
કમળ પાણીની ઉપર ક્યારે આવે ? નાળ આખું હોય તો જ ને ? નાળ મૂળથી સડેલું હોય અને વચ્ચેથી ભાંગેલું હોય તો કમળ ઉપર ન જ આવે. કમળને મધ્યમાં કર્ણિકા હોય, એની મધ્યમાં કેસરા હોય અને ભમરા તેઓની આસપાસ હોય જ. સૂર્યનાં કિરણોથી કમળ ખીલે. કમળને ફરતાં પત્રો હોય.
સંઘરૂપ કમળમાં આચાર્ય એ કમળકોટિમાં છે. એ કમળ, કર્મરૂપી કાદવમાં ઉત્પન્ન થવા છતાં, ભોગરૂપી પાણીમાં વધવા છતાં, કર્મ કાદવને છોડીને અને ભોગજલને તજીને ઉપર આવીને રહે છે. કમળને જો કમળરૂપે રહેવું હોય તો તેનાથી કાદવ કે પાણીમાં ન પડાય; કમળ તો નિરંતર ઉપર જ રહે. તે જ રીતે શ્રીસંઘરૂપ કમળ પણ કર્મરૂપ કાદવ અને ભોગરૂપ જળથી અલિપ્ત રહે, ત્યાં સુધી જ તેની શોભા. સંઘરૂપ કમળ, પોતાના સહવાસીને ભોગજળથી ન સીંચે અને કર્મરૂપ કાદવમાં ન ઝૂંપવી દે. સંઘરૂપ કમળ, ભમરાને પોતાની ખુશબો આપે, પણ પાણીની તથા કાદવની અંદર ડુબાવી દઈ, તેના જીવનનો સર્વસ્વનો નાશ ન કરે. કમળમાં સુગંધી જ એવી હોય કે ભમરાને ત્યાંથી ખસવાનું મન જ ન થાય. કમળ ઉપર પાણીનું બિંદુ ન ટકે, એને પાણીનો લેપ પણ ન લાગે, એ ભીનું પણ ન થાય, કોરું જ રહે એ કમળ.