________________
પ્રકરણ બીજું જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને દર્શનના ધારકનું સ્વરૂપ
૧. જૈન મતે જ્ઞાન અને દર્શનના ધારકનું સ્વરૂપ પ્રાસ્તાવિક - જૈનોને મતે જ્ઞાન અને દર્શન બન્નેનો ધારક આત્મા છે. તેથી આ દર્શનસંમત આત્માનું સ્વરૂપ કેવું છે તેનો વિચાર કરવો જોઈએ. આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધમાં ચિત્ત, જીવ અને આત્મા પર્યાય શબ્દો છે. અર્થાત્ એક જ ચેતન પદાર્થને માટે તે પ્રયોજાયેલા છે. ઉપરાંત, આગમોમાં આત્માને માટે પ્રાણ, ભૂત અને સત્ત્વ એ શબ્દોનો પ્રયોગ પણ થયેલો છે. પ્રાણ તો જીવને હોય છે, જીવ પોતે પ્રાણ નથી. એટલે જીવને માટે વપરાતો પ્રાણ શબ્દ પાછળથી છોડી દેવામાં આવ્યો હોય એમ જણાય છે. ભૂત શબ્દથી લોકો જડ પદાર્થ સમજતા હોઈ તે શબ્દનો પ્રયોગ પણ જીવને માટે છોડી દેવાયો અને સત્ત્વનો સાંખ્ય દર્શનમાં વિશેષ અર્થ થતો હોવાને કારણે જીવ માટે જૈનોએ વાપરવો છોડી દીધો હોય એમ લાગે છે અને ‘‘ચિત્ત” શબ્દ પણ બૌદ્ધ અને સાંખ્યમાં વિશિષ્ટ અર્થમાં વપરાવા લાગ્યો હોવાથી જૈનોએ તેનો ઉપયોગ કરવાનું પણ છોડી દીધું હોય એમ લાગે છે. પરિણામે જૈનોએ ચેતન તત્ત્વ માટે મહદ્ અંશે “જીવ” અને “આત્મા” શબ્દોનો પ્રયોગ ચાલુ રાખ્યો છે. આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ
ભારતીય દર્શનોમાં ચાર્વાક સિવાય બધાં જ દર્શનો સ્વતંત્ર આત્મતત્વનો સ્વીકાર કરે છે. જૈન પરંપરામાં આત્મા એક સ્વતંત્ર દ્રવ્ય છે એ પુરવાર કરવાનો પ્રયત્ન આચારાંગના અત્યંત પ્રાચીન પ્રથમ શ્રુતસ્કંધથી શરૂ થયો છે. પ્રથમ શ્રુતસ્કંધના પ્રથમ ઉદેશકના પ્રથમ પદનું નામ “મો સ્થિત્તપર્વ” છે. તેમાં આત્માના પુનર્જન્મનું જ્ઞાન જાતિસ્મરણથી થાય છે, એમ કહેવામાં આવ્યું છે. પરિણામે જાતિસ્મરણથી પુનર્ભવની સિદ્ધિ અને પુનર્ભવથી આત્માની સિદ્ધિ કહેવાઈ છે. વળી, આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધના પાંચમા ઉદેશકમાં, વનસ્પતિમાં પણ મનુષ્યની જેમ જીવ છે એ જણાવતાં જે લિંગો આપ્યાં છે તે લિંગો પણ જીવતત્ત્વની સિદ્ધિ કરે છે. આમ અહીં આચારાંગના આ ઉદ્દેશક અનુસાર શરીરમાં શરીરથી જુદા જીવની સિદ્ધિ કરતાં લિંગો નીચે પ્રમાણે સૂચિત થાય છે. મનુષ્ય શરીર કે વનસ્પતિશરીરની વૃદ્ધિ થાય છે, ચયાપચય થાય છે, આહાર કરે છે, છેદવામાં