________________
૧૦૩ ॥ જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને (બોધરૂપ) દર્શન
બુદ્ધિને જડ માનવામાં આવે તો બુદ્ધિથી પદાર્થનો નિશ્ચય (અધ્યવસાય) થઈ શકે નહીં. બુદ્ધિ અચેતન હોવા છતાં ચેતનાશક્તિના સાન્નિધ્યને કારણે ચેતન જેવી લાગે છે એમ કહેવું બરાબર નથી. જેમ ચેતન પુરુષનું અર્ચેતન દર્પણમાં પ્રતિબિંબ પડવાથી દર્પણ ચેતન બની જતું નથી તેમ અચેતન બુદ્ધિમાં ચેતન પુરુષનું પ્રતિબિંબ પડવાથી બુદ્ધિમાં ચેતનતા આવી શકતી નથી. ચેતન અને અચેતનનો સ્વભાવ અવિનાશી છે, એમાં પરિવર્તન થઈ શકતું નથી; ઉપરાંત ‘અચેતન બુદ્ધિ ચેતનના જેવી ભાસે છે' એમ સાંખ્યો કહે છે; અહીં ‘જેવી’' શબ્દથી અચેતન બુદ્ધિમાં ચેતનતાનો આરોપ કરવામાં આવે છે પરંતુ આરોપથી અર્થક્રિયા સિદ્ધ થતી નથી. કોઈ બાળકના અત્યંત ક્રોધી સ્વભાવને જોઈ એનું નામ અગ્નિ રાખવામાં આવે પરંતુ તે બાળક અગ્નિની બાળવાની,. પકવવાની વગેરે ક્રિયાઓ કરી શકતો નથી, તેવી જ રીતે અચેતન બુદ્ધિમાં ચેતનાનો આરોપ કરવા છતાં બુદ્ધિ પદાર્થોનું જ્ઞાન કરે એ સંભવિત નથી; વિષયોનું જ્ઞાન ચેતનાશક્તિ જ કરી શકે છે.201
આ સમગ્ર ખંડન દ્વારા જૈનચિંતક કહેવા માગે છે કે જ્ઞાન અને દર્શન બન્ને એક ચેતનતત્ત્વને જ હોઈ શકે. સર્વજ્ઞત્ય-સર્વદર્શિત્વ
બધી વસ્તુઓને તેમની બધી જ અવસ્થાઓ સાથે યુગપદ્ જાણનારું જ્ઞાન સર્વજ્ઞત્વ છે. નિરતિશય (અનંત) જ્ઞાન સર્વજ્ઞત્વનું કારણ છે.202 આ દર્શાવે છે કે અનંતજ્ઞાન અને સર્વજ્ઞત્વ બે એક નથી પણ ભિન્ન છે. તે બન્નેનો સ્પષ્ટ ભેદ પતંજલિનાં કેટલાંક સૂત્રોમાંથી સ્પષ્ટ થાય છે. પતંજલિ સ્પષ્ટપણે જણાવે છે કે ક્લેશ અને કર્મોનો નાશ થતાં જ બધાં આવરણો અને મળો દૂર થવાને પરિણામે જ્ઞાન પોતાનું આનન્ય પ્રાપ્ત કરે છે.203 આમ અનન્તજ્ઞાન (નિરતિશયજ્ઞાન) એ નિરાવરણ જ્ઞાન સિવાય બીજું કંઈ જ નથી. જે જ્ઞાન બધાં જ આવરણો અને મળોથી મુક્ત છે તે અનન્તજ્ઞાન છે. અનન્તજ્ઞાન એ સર્વજ્ઞત્વ નથી. તે કહે છે કે બધા જ જ્ઞેયોને એકસાથે ભેગા કરો તોય જ્ઞાનના આનન્યની સરખામણીમાં તે અલ્પ છે.204 પતંજલિનો કહેવાનો આશય એ લાગે છે કે સઘળા જ્ઞેયોને ભેગા કરો તો તે બધા જ્ઞેયોનું જે આનન્ય થાય તે ગમે તેટલું હોય પરંતુ તેમનું તે આનન્ય જ્ઞાનના આનન્ય આગળ કંઈ વિસાતમાં નથી.
ઉપર જે કહ્યું તેમાંથી સ્વાભાવિકપણે એ ફલિત થાય છે કે, જ્ઞાન અનન્ત છે કારણ કે બધા પદાર્થોને જાણે છે એમ જેઓ કહે છે તેઓ મોટી ભૂલ કરે છે. વળી, પતંજલિ સર્વજ્ઞત્વને બહુ મહત્ત્વ આપવા માંગતા નથી. તે તેને એક પ્રકારની સિદ્ધિરૂપ જ માને છે, જે સિદ્ધિ અનંતજ્ઞાન પ્રાપ્ત કરનાર વ્યક્તિને