________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં શાનદર્શનવિચારણા. ૯૮ “મારું ચિત્ત ભયમુક્ત છે,” “મારું ચિત્ત અમુક વિષયમાં આસક્ત છે” એમ પોતાના ચિત્તની અવસ્થા ઓછેવત્તે અંશે જાણીને જ આપણે પ્રવૃત્તિ કરીએ - છીએ.183 આમ, ચિત્ત સ્વપ્રકાશ કે સર્વથા અગ્રાહ્ય ન હોવાથી તે પુરુષગ્રાહ્ય છે એમ માનવું જ રહ્યું. ચિત્તને ક્ષણિક માનનારા અહીં એમ કહે છે કે પ્રથમ ક્ષણના ચિત્તને તેની પછી તરત જ ઉત્પન્ન થતું બીજી ક્ષણનું ચિત્ત ગ્રહણ કરે છે, એટલે ચિત્તને પુરુષ ગ્રહણ કરે છે એવું માનવાની જરૂર નથી. આની સામે યોગદર્શન જણાવે છે કે આ રીતે ચિત્તને ચિત્તાન્તરગ્રાહ્ય માનવામાં તો અનવસ્થાદોષ અને સ્મૃતિસંકરદોષ આવે.184 ઘટ વગેરેને જાણનારું ચિત્ત તેની પછી તરત બીજી ક્ષણે ઉત્પન્ન થનાર ચિત્ત વડે ગૃહીત થાય છે એમ માનવામાં આવે તો તે બીજું ચિત્ત કોનાથી ગૃહીત થશે ? તેને સ્વગ્રાહ્ય તો માની શકાય નહીં. એટલે તેને ત્રીજી ક્ષણના ચિત્તથી ગ્રાહ્ય માનીએ તો ત્રીજી ક્ષણના ચિત્તને ચોથી ક્ષણના ચિત્તથી, ચોથી ક્ષણના ચિત્તને પાંચમી ક્ષણના ચિત્તથી ગ્રાહ્ય માનવું પડે અને આવી ગ્રાહ્ય ગ્રાહક ચિત્તની અનંત ધારા ચાલ્યા જ કરે. આ થયો અનવસ્થાદોષ. વળી, પૂર્વ પૂર્વ ક્ષણના ચિત્તને ઉત્તર ઉત્તર ક્ષણનું ચિત્ત ગ્રહણ કરે છે એમ માનવાથી વિષયના અનુભવકાળે વિષયનું જ્ઞાન, વિષયના જ્ઞાનનું જ્ઞાન, વિષયના જ્ઞાનના જ્ઞાનનું જ્ઞાન વગેરે અનંત જ્ઞાન માનવાં પડે. પરિણામે મૃતિકાળે તે અનંત જ્ઞાનોની એકસાથે સ્મૃતિ થવી જોઈએ. તેથી “મેં ઘડાને જાણ્યો હતો” એવી રીતની માત્ર એક આકારવાળી સ્મૃતિ થાય છે તેને બદલે
મેં ઘડાને જાણ્યો હતો” “ઘડાના જ્ઞાનને મેં જાણ્યું હતું” “ઘડાના જ્ઞાનના જ્ઞાનને મેં જાણ્યું હતું” વગેરે અનંત આકારવાળી સ્મૃતિઓ એકસાથે જાગે. પરંતુ આ વસ્તુ અનુભવથી વિરુદ્ધ છે. સ્મૃતિકાળે માત્ર અર્થની જ સ્મૃતિ થાય છે, પણ તેની સાથે અસંખ્ય જ્ઞાનોની સ્મૃતિ થતી નથી. આ થઈ સ્મૃતિસંકર દોષની વાત. એટલે, ચિત્તને ચિત્તાન્તરગ્રાહ્ય પણ માની ન શકાય. તેને પુરુષગ્રાહ્ય જ માનવું પડે. પુરુષ બુદ્ધિવૃત્તિને સાક્ષાત્ જાણે છે અને બાહ્ય અર્થને બુદ્ધિવૃત્તિ દ્વારા જાણે છે. પુરુષને થતું બાહ્યઅર્થનું આ જ્ઞાન બોધ કહેવાય છે. - અસંગ, અપરિણામી અને નિર્વિકાર પુરુષ ચિત્તનો જ્ઞાતા કેવી રીતે બની શકે ? આની સાંખ્યયોગસંમત પ્રક્રિયા નીચે મુજબ છે : વાચસ્પતિને મતે ચિત્તમાં પડેલ પુરુષનું પ્રતિબિંબ જ ચિત્તવૃત્તિને ધારણ કરે છે. ચિત્ત વિષયાકારે પરિણમતાં પેલું પુરુષપ્રતિબિંબ તેને ધારણ કરી લે છે. આ રીતે પુરુષપ્રતિબિંબનું ચિત્તવૃત્તિને ઝીલવું એ જ પુરુષને થતું ચિત્તવૃત્તિનું જ્ઞાન છે. આ રીતે પુરુષને ચિત્તવૃત્તિનું જ્ઞાન થતાં પુરુષને અર્થબોધ થાય છે, કારણ કે ચિત્તવૃત્તિમાં અર્થાકાર છે જ.185