________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા
૯૬
તત્તા એ પૂર્વજ્ઞાનસ્વરૂપ છે. તેથી સ્મૃતિમાં ગ્રાહ્ય વિશેષ્યનું, જ્ઞાન વિશેષણ છે.172 યોગભાષ્યકાર સ્મૃતિ બે પ્રકારની ગણાવે છે - ભાવિતસ્મર્તવ્યા અને અભાવિતસ્મર્તવ્યા. ભાવિતસ્મર્તવ્યા સ્મૃતિ સ્વપ્નાવસ્થામાં હોય છે અને અભાવિતસ્મર્તવ્યા સ્મૃતિ જાગ્રતાવસ્થામાં હોય છે. આનો અર્થ એ કે સ્વપ્ન પોતે એક જાતની સ્મૃતિ છે અને તેનો વિષય કલ્પિત, પ્રાતિભાસિક યા મનોમયી રચનારૂપ છે. આથી ઊલ્ટું જાગ્રતાવસ્થામાં થતી સ્મૃતિનો વિષય સત્ય પદાર્થ છે. સ્વપ્નમાં કલ્પિત વિષયની સ્મૃતિ હોય છે અને જાગ્રાતાવસ્થામાં અકલ્પિત વિષયની સ્મૃતિ હોય છે. સ્વપ્નરૂપ સ્મૃતિમાં “આ હાથી અહીં અત્યારે ઊભો છે'' એવા આકારનું જ્ઞાન હોય છે જ્યારે જાગ્રત અવસ્થામાં થતી સ્મૃતિમાં ‘“તે હાથી’’ એવા આકારનું જ્ઞાન થાય છે. વળી, સ્વપ્નમાંથી જાગેલાને મેં અમુક પદાર્થ જોયો હતો” એવું જ્ઞાન થાય છે અને નહિ કે “મેં અમુક પદાર્થનું સ્મરણ કર્યું હતું.” આ દર્શાવે છે કે સ્વપ્નની સમાનતા વિપર્યયરૂપ પ્રત્યક્ષ જ્ઞાન સાથે પણ છે. એટલે કેટલાક તેને સ્મૃતિરૂપ ગણવાને બદલે એક પ્રકારના વિપર્યયરૂપ ગણે છે. પરંતુ સ્વપ્નને એક પ્રકારની સ્મૃતિ ગણનારાઓ સ્વપ્ન અને સ્મૃતિ વચ્ચેની સમાનતા લક્ષમાં લે છે. તે સમાનતાઓ છે - બન્નેયનો વિષય અસન્નિહિત છે, બન્નેય પ્રમાંણરૂપ નથી અને બન્નેય માત્ર સંસ્કારજન્ય છે.173 જ્ઞાનસંબંધી સિદ્ધિઓ (વિભૂતિઓ)
યોગભાષ્યમાં સંયમજન્ય સિદ્ધિઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમાંથી કેટલીક સિદ્ધિઓ જ્ઞાનસંબંધી છે. તે જ્ઞાનસંબંધી સિદ્ધિઓ આ છે - અતીતઅનાગતજ્ઞાન, સર્વભૂતતજ્ઞાન, પૂર્વજન્મજ્ઞાન, પરચિત્તજ્ઞાન, મરણકાળજ્ઞાન, સૂક્ષ્મ-વ્યવહિત-વિપ્રકૃષ્ટજ્ઞાન, ભુવનજ્ઞાન,તારાવ્યૂહજ્ઞાન, તારાગતિજ્ઞાન, સિદ્ધદર્શન, ચિત્તજ્ઞાન, પુરુષસાક્ષાત્કારજ્ઞાન, પ્રાતિભ-શ્રાવણ વગેરે, દિવ્યશ્રોત્ર, સર્વજ્ઞાતૃત્વ, અત્યંત સમાન વસ્તુઓનું ભેદજ્ઞાન.174 આમાંની ચાર સિદ્ધિઓનું નિરૂપણ અહીં પ્રસ્તુત છે - અતીત-અનાગતજ્ઞાન, પરચિત્તજ્ઞાન, સૂક્ષ્મ-વ્યવહિત-વિપ્રકૃષ્ટજ્ઞાન અને સર્વજ્ઞાતૃત્વ.
અતીત-અનાગતજ્ઞાન
ધર્મપરિણામ, લક્ષણપરિણામ અને અવસ્થાપરિણામ આ ત્રણેયમાં સંયમ (ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણેય) કરવાથી અતીત અને અનાગતનું જ્ઞાન થાય છે.175
સૂક્ષ્મ-વ્યવહિત-વિપ્રકૃષ્ટજ્ઞાન
જ્યોતિષ્મતી પ્રવૃત્તિના અભ્યાસના પરિપાકથી યોગીને મનના સાત્ત્વિક પ્રકાશનો અનુભવ થાય છે. આ પ્રકાશને પરમાણુ જેવા સૂક્ષ્મ, હીરા જેવા પૃથ્વીના