________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા
શબ્દપ્રમાણ ઃ ઈશ્વરકૃષ્ણે આપેલ શબ્દપ્રમાણનું લક્ષણ છે ‘આપ્તશ્રુતિ: આપ્તવ་નમ્''153 અર્થાત્ આપ્તશ્રુતિ શબ્દપ્રમાણ છે. આપ્તતાનો અર્થ છે ભ્રમ, પ્રમાદ, સંશય, પ્રતારણબુદ્ધિ વગેરેથી રહિત, જે શ્રુતિ આવી હોય તે શબ્દપ્રમાણ. અપૌરુષેય વેદરૂપ શ્રુતિ આવી છે. એટલે તે શબ્દપ્રમાણ છે. વેદમૂલક સ્મૃતિ, ઇતિહાસ, પુરાણ વગેરે પણ શબ્દપ્રમાણ છે. આદિવિદ્વાન કપિલની બાબતમાં કલ્પની શરૂઆતમાં પહેલાંના કલ્પોમાં ભણેલી શ્રુતિનું સ્મરણ સંભવે છે. તેથી કપિલનાં વાક્યો પણ શબ્દપ્રમાણ છે. આ છે વાચસ્પતિનો મત.154
૯૨
વાચસ્પતિ આપ્તત' વચનમાં માનતા લાગે છે, પુરુષમાં નહીં. યોગભાષ્યને મતે આપ્તતા વાક્યમાં નથી પરંતુ પુરુષમાં છે. ભ્રમ, પ્રમાદ, ઈન્દ્રિયની અશક્તિ, પરપ્રતારણેચ્છા વગેરે દોષરહિત પુરુષ આપ્ત કહેવાય છે. એવો પુરુષ જે બોલે કે ઉપદેશ દે તે શબ્દપ્રમાણ છે. બીજી રીતે કહીએ તો વાક્યગત આપ્તતા પુરુષગત આપ્તતામૂલક છે.15 યુક્તિદીપિકાકાર ‘આપ્તશ્રુતિ”ને એકદેશ સમાસ તરીકે ગણે છે અને એ રીતે ઉપરના બંનેય મતોને સ્વીકારે છે.156
માઠરાચાર્ય જણાવે છે કે જે ક્ષીણદોષ પુરુષ હોય તે ખોટું બોલે જ નહીં.157 આનો અર્થ એ કે રાગ વગેરે દોષથી રહિત પુરુષ વસ્તુને યથાર્થ જાણે છે અને તે રાગ વગેરે દોષોથી રહિત હોવાથી તેનામાં બીજાને છેતરવાની વૃત્તિ હોતી નથી, એટલે તેનાં વચનો વસ્તુનું યથાર્થ પ્રતિપાદન કરે છે. આમ તેનાં વચનો શબ્દપ્રમાણ છે. અહીં વચનોને શબ્દપ્રમાણ કહ્યાં છે પરંતુ ખરેખર તો એ વચનો દ્વારા શ્રોતાના ચિત્તમાં જે યથાર્થ વૃત્તિ જન્મે છે તે જ શબ્દપ્રમાણ છે. યોગભાષ્યકાર જણાવે છે કે પોતે પ્રત્યક્ષ યા અનુમાનથી જાણેલા અર્થના જ્ઞાનને શ્રોતામાં સંક્રાન્ત કરવા આપ્ત પુરુષ શબ્દોપદેશ કરે છે, આ શબ્દો સાંભળી શ્રોતાના ચિત્તમાં શબ્દપ્રતિપાદિત અર્થની જે યથાર્થ વૃત્તિ ઉદ્ભવે છે તે આગમપ્રમાણ યા શબ્દપ્રમાણ છે.158 વાચસ્પતિ વગેરે ય વાક્યજનિત, વાક્યપ્રતિપાદિત અર્થને અનુરૂપ શ્રોતૃગત ચિત્તવૃત્તિને જ શબ્દપ્રમાણ ગણે છે.
(૨) વિપર્યય : વિપર્યય મિથ્યાજ્ઞાન છે, તે વસ્તુના યથાર્થ રૂપને નહીં પરંતુ તેનાથી ઊલટા રૂપને દર્શાવે છે.159 તે મિથ્યાજ્ઞાન હોઈ પ્રમાણજ્ઞાનથી તેનો અને તેને આધારે ચાલતા વ્યવહારનો બાધ થાય છે.160 વિપર્યયમાં ભ્રાન્તિ અને સંશય બન્નેનો સમાવેશ થાય છે.161 છીપ વિશે “આ ચાંદી છે” એવું જ્ઞાન ભ્રાન્તિ છે, અને “આ છીપ હશે કે ચાંદી હશે” એવું જ્ઞાન સંશય છે. આ બન્નેય જ્ઞાનો વસ્તુના યથાર્થ આકારવાળા નથી. આ બન્નેય જ્ઞાનોની બાબતમાં બાહ્ય વિષયના આકાર અને ચિત્તમાં ઊઠેલા આકાર વચ્ચે સારૂપ્ય નથી હોતું.