________________
ભાવરૂપ અજ્ઞાનનું સાધક ત્રીજા પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ જ્ઞાનવિરોધિત્વરૂપે તેમ જ સવિષયકત્વરૂપે ભાસે જ છે. જેમ જ્ઞાન સવિકલ્પકપ્રતીતિમાત્રવેદ્ય છે તેમ અજ્ઞાન પણ સવિકલ્પકપ્રતીતિમાત્રવેદ્ય છે. અજ્ઞાન નિર્વિકલ્પપ્રતીતિવેદ્ય નથી. તેથી સુષુપ્તિમાં પણ અજ્ઞાન જ્ઞાનવિરોધિત્વરૂપે તેમ જ સવિષયસ્વરૂપે સાણિભાસ્ય છે. સુષુપ્તિમાં અન્તઃકરણાધ્યાસ ન હોવાથી સવિકલ્પક જ્ઞાન શક્ય નથી એમ કહેવું યોગ્ય નથી. ‘સુષુપ્તિમાં અજ્ઞાન સવિકલ્પકપ્રતીતિવેદ્ય હોતું નથી એમ કહેવાનો અર્થ તો એટલો જ છે કે સુષુપ્તિમાં અજ્ઞાનમાં અનાદિત્વ, ભાવત્વ, વગેરે ધર્મો હોવા છતાં સુષુપ્તિમાં અન્તઃકરણાધ્યાસ ન હોવાથી તે બધા ધર્મોથી વિશિષ્ટરૂપે અજ્ઞાનની સવિકલ્પક પ્રતીતિ થતી નથી, પરંતુ તે બધા ધર્મોથી જુદા એવા જ્ઞાનવિરોધિત્વ અને સવિયત્વ પણ સુષુપ્તિમાં અજ્ઞાનમાં ભાસતા નથી એમ કહી શકાય નહિ. જ્ઞાનવિરોધિત્વ અને સવિષયકત્વથી જુદા એવા બીજા જે ધર્મો અજ્ઞાનમાં છે તે ધર્મપ્રકારક અજ્ઞાનનું પ્રત્યક્ષ સુષુપ્તિમાં હોતું નથી એટલો જ અર્થ ‘સુષુપ્તિમાં અજ્ઞાન સવિકલ્પપ્રત્યયવેધ હોતું નથી’ એ વાક્યનો સમજવાનો છે. અન્તઃકરણાધ્યાસતો જ્ઞાનવિરોધિત્વ અને સવિષયકત્વ ધર્મથી અન્ય એવા અનાદિત્ય-ભાવવાદિ ધર્મરૂપે અજ્ઞાનની સવિકલ્પક પ્રતીતિનું કારણ છે પણ જ્ઞાનવિરોધિત્વ અને સવિષયકત્વરૂપે અજ્ઞાનના અનુભવમાં અતઃકરણાધ્યાસકારણ નથી: આ વાત દશશ્લોકીના આઠમા શ્લોક ઉપરની સિદ્ધાન્તબિન્દુની ટીકામાં ગૌડ બ્રહ્માનંદે વિશેષપણે કરી છે. જે હોતે, એટલું તો નિશ્ચિત જ છે કે અદ્વૈતસિદ્ધિકાર અનુસાર સુખોસ્થિત પુરુષને સુષુપ્તિમાં અનુભૂત અજ્ઞાનનું સ્મરણ થાય છે, અને સુખોસ્થિત પુરુષની સ્મૃતિ દ્વારા સિદ્ધ એવો સૌષુપ્ત અનુભવ ભાવરૂપ અજ્ઞાનમાં પ્રમાણ છે.
અહીં ન્યાયામૃતકર નીચે મુજબ આપત્તિ આપે છે. સુષુપ્તિમાં અજ્ઞાનવિષયક અવિદ્યાવૃત્તિમાં પ્રતિબિંબિત ચૈતન્ય જ અજ્ઞાનનો અનુભવ છે. સુપ્નોસ્થિત પુરુષને અજ્ઞાનનું જે સ્મરણ થાય છે તે આ અનુભવજન્ય છે. આવો અજ્ઞાનનો અનુભવ, જે સુષુપ્તિમાં થાય છે તે, જાગતંદશામાં પણ થાય છે. જાગ્રતદશામાં ‘મરમશઃ (હું અજ્ઞ છું,’ એવી પ્રતીતિ થતી હોઈ અજ્ઞાનવિષયક અવિદ્યાવૃત્તિ જાગ્રતદશામાં પણ વિદ્યમાન છે. તેથી, તે અજ્ઞાનવિષયક અવિદ્યાવૃત્તિમાં પ્રતિબિંબિત ચેતન્ય જ અજ્ઞાનનો અનુભવ છે. અજ્ઞાનનો અનુભવ વિદ્યમાન હોતાં અજ્ઞાનનું સ્મરણ કેવી રીતે થાય ? ન જ થાય. તુલ્યસામગ્રીજન્ય, ઘટના ધારાવાહિક પ્રત્યક્ષવખતે ઘટનું સ્મરણ થતું નથી, ધારાવાહિક અનુભવ વખતે અનુભવાતી વસ્તુનું સ્મરણ થાય નહિ. તેવી જ રીતે, અજ્ઞાનવિષયક અવિદ્યાવૃત્તિની ધારા વિદ્યમાન હોઈ અર્થાત્ અજ્ઞાનવિષયક ધારાવાહિક અવિદ્યાવૃત્તિ વિદ્યમાન હોઈ અજ્ઞાનનું સ્મરણ થાય જ કેમ? ઊલટું, અજ્ઞાનનો ધારાવાહિક અનુભવ માનવો જ ઉચિત છે, પણ અજ્ઞાનનું સ્મરણ માનવું ઉચિત નથી. તેથી સ્મરણસિદ્ધ અનુભવ અજ્ઞાનમાં પ્રમાણ નથી.”
આના ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકાર નીચે પ્રમાણે કહે છે. પાતંજલ યોગદર્શનમાં પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ એ પાંચ વૃત્તિઓ સ્વીકારવામાં આવી છે. આમ પતંજલિએ નિદ્રા નામની એક વૃત્તિ સ્વીકારી છે. જો કે પાતંજલ મતે આ નિદ્રાવૃત્તિ અન્તઃકરણની જ વૃત્તિ છે પરંતુ અદ્વૈત વેદાન્ત મતે એ નિદ્રાવૃત્તિ અન્તઃકરણની વૃત્તિ નથી. સુષુપ્તિમાં તો અન્તઃકરણ વિલીન થઈ જાય છે. તેથી સુષુપ્તિદશામાં અન્તઃકરણની વૃત્તિ સંભવતી નથી. માટે અદ્વૈતવેદાન્ત નિદ્રાવૃત્તિને અવિદ્યાવૃત્તિ તરીકે સ્વીકારી છે. આ નિદ્રાવૃત્તિનો વિષય છે તમોગુણરૂપ આવરણ.