________________
ભાવરૂપ અજ્ઞાનનું સાધક ત્રીજા પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ
‘એ વખતે ( = સુષુપ્તિકાળે) હું કંઈ જાણતો ન હતો’ એવું પરામર્શજ્ઞાન સૂઈને જાગેલા પુરુષને થાય છે. આ સૌને અનુભવસિદ્ધ છે. સર્વાનુભવસિદ્ધ એ પરામર્શ ઉપરથી કલ્પવામાં આવતો સૌષુપ્તિક અનુભવ (= સાક્ષિપ્રત્યક્ષ) ભાવરૂપ અજ્ઞાનવિષયક હોય છે એ અવશ્ય સ્વીકરવું જોઈએ. સુષુપ્તિદશામાં પુરુષ ભાવરૂપ અજ્ઞાનનું પ્રત્યક્ષ કરે છે. ભાવરૂપ અજ્ઞાન જ સુષુપ્તિદશામાં સાક્ષિભાસ્ય હોય છે. સુષુપ્તિદશામાં ભાવરૂપ અજ્ઞાનનું સાક્ષિપ્રત્યક્ષ થતું હોઈ, સૂઈને ઊઠેલા પુરુષને ‘સુષુપ્તિમાં હું કંઈ જાણતો ન હતો' એવો પરામર્શ થાય છે. જો સુષુપ્તિદશામાં અજ્ઞાનનો અનુભવ ન હોત તો સુોસ્થિત પુરુષને ‘તે કાળે હું કંઈ જાણતો ન હતો’ એવો પરામર્શ થઈ શક્ત નહિ. તેથી સુપ્તોત્થિત પુરુષના આવા પરામર્શ ઉપરથી કલ્પવામાં આવતો સુષુપ્તિકાલીન સાક્ષિપ્રત્યક્ષરૂપ અનુભવ ભાવરૂપ અજ્ઞાનવિષયક હોય છે. તેથી પ્રસ્તુત પરામર્શ દ્વારા કલ્પવામાં આવતા સાક્ષિપ્રત્યક્ષરૂપ અનુભવથી ભાવરૂપ અજ્ઞાન પુરવાર થાય છે.`
અહીં ન્યાયામૃતકાર આપત્તિ આપે છે કે અદ્વૈતવેદાન્તીઓ જે પરામર્સને સૌષુપ્ત સાક્ષિપ્રત્યક્ષના કલ્પક તરીકે સ્વીકારે છે તે પરામર્શનો અર્થ શું છે ? પરામર્શનો અર્થ અનુમિતિ છે કે સ્મૃતિ ! સુપ્તોત્થિતપુરુષને સુષુપ્તિકાલીન અજ્ઞાનાનુભવનું (= અજ્ઞાનપ્રત્યક્ષનું) અનુમાન થાય છે કે સ્મરણ થાય છે? જો અદ્વૈતવેદાન્તીઓ કહે કે અનુમાન થાય છે, અર્થાત્ ‘સુષુપ્તિકાલે પોતાને ભાવરૂપ અજ્ઞાનનો અનુભવ થયો છે’ એવું અનુમાન થાય છે, તો તે સુપ્તોત્થિત પુરુષનું એ અનુમાન જ્ઞાનાભાવવિષયક પણ હોઈ શકે. વસ્તુતઃ સુષુપ્તિકાલીન જ્ઞાનાભાવની અનુમિતિ જ સુપ્તોત્થિત પુરુષને થાય છે. ભાવરૂપ અજ્ઞાનની અનુમિતિ થાય એની અપેક્ષાએ જ્ઞાનાભાવની અનુમિતિ થાય એ વધુ સુસંગત છે. સુોત્થિત પુરુષ સુષુપ્તિકાલીન જ્ઞાનાભાવનું અનુમાન કરે છે એમ કહેવું જ યોગ્ય છે. સુપ્તોત્થિત પુરુષને અનુમાન પ્રમાણ દ્વારા જ્ઞાનાભાવની અનુમિતિ થતાં સુષુપ્તિકાલીન ભાવરૂપ અજ્ઞાન અનુભવસિદ્ધ હોઈ શકે નહિ. સુષુપ્તિકાલે જ્ઞાનાભાવનો અનુભવ જ સુપ્તોત્થિત પુરુષને થતા પરામર્શ દ્વારા અર્થાત્ અનુમાન દ્વારા સિદ્ધ થાય છે. આ જ્ઞાનાભાવનો અનુભવ પણ સાક્ષિપ્રત્યક્ષરૂપ છે. જેમ અદ્વૈતવેદાન્તીઓ ભાવરૂપ અજ્ઞાનને સાક્ષિપ્રત્યક્ષસિદ્ધ સ્વીકારે છે તેમ અમે પણ સુષુપ્તિકાલીન જ્ઞાનાભાવને સાક્ષિપ્રત્યક્ષસિદ્ધ સ્વીકારીએ છીએ. તેઓ ભાવરૂપ અજ્ઞાનને સાક્ષિપ્રત્યક્ષસિદ્ધ કહે છે અને અમે જ્ઞાનાભાવને સાક્ષિપ્રત્યક્ષસિદ્ધ કહીએ છીએ. જ્ઞાનાભાવ સાક્ષિપ્રત્યક્ષસિદ્ધ હોતાં ભાવરૂપ અજ્ઞાન સિદ્ધ થાય નહિ.
સુપ્તોત્થિતને સુષુપ્તિકાલીન જ્ઞાનાભાવનું અનુમાન આવું થાય છે – સુષુપ્તિકાલીન હું (પક્ષ) જ્ઞાનાભાવિવિરાષ્ટ (સાધ્ય) હતો, કારણ કે હું તે કાળે સુષુપ્તાવસ્થાવિશિષ્ટ હતો (હેતુ). જાગ્રદવસ્થા, સ્વપ્નાવસ્થા અને સુષુપ્તિઅવસ્થા - આત્માની આ ત્રણ અવસ્થાઓ સ્વીકારાઈ છે. જાગ્રઠવસ્થા અને સ્વપ્નાવસ્થા જ્યારે હોય નહિ ત્યારે આત્માને સુષુપ્તાવસ્થા જ હોય. આ સુષુપ્તિઅવસ્થાને જ મૂલગ્રન્થમાં ‘અવસ્થાવિરોષ’’ શબ્દ દ્વારા નિર્દેશવામાં આવી છે.