________________
ઉપદેશમાળા
અર્થ—યંત્રવડે પીલ્યાં છતાં પણ સ્કંદકાચાર્યના ૫૦૦ શિષ્ય કોપાયમાન જ થયા. કેમકે જેણે પરમાર્થનો સાર (તત્ત્વરહસ્ય) જાણ્યો છે એવા પંડિતો જે હોય છે તે ગમે તેવું કષ્ટ પણ ખમે જ છે, પ્રાણાંતે પણ માર્ગથી ચલાયમાન થતા નથી.” શ્રી સ્કંદક શિષ્ય દ્રષ્ટાંત
શ્રાવસ્તી નગરીમાં ‘જિતશત્રુ' નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને ઘારિણી' નામે પટ્ટરાણી હતી. તેને ‘સ્કંદક’ નામનો કુમાર હતો. તે કુમારને ‘પુરંદરયશા' નામની બહેન હતી. તેને કુંભકારકટક નગરના સ્વામી ‘દંડક’ રાજાની સાથે પરણાવી હતી. તે દંડક રાજાને ‘પાલક’ નામનો પુરોહિત હતો. એક દિવસ દંડક રાજાએ કોઈ કાર્ય માટે પાલકને પોતાના સસરા જિતશત્રુ રાજા પાસે મોકલ્યો. જિતશત્રુ રાજાની સભામાં જઈને પાલકે વાર્તાના પ્રસંગમાં ધર્મચર્ચા ચલાવી, તેમાં તે પોતાનો નાસ્તિક મત સ્થાપન કરવા લાગ્યો. તે વખતે પાસે બેઠેલા જૈનધર્મના તત્ત્વોના જાણ સ્કંદક કુમારે જૈનધર્મમાં કહેલી યુક્તિઓથી તે પાલકને નિરુત્તર કરી દીઘો. એટલે તે માનભ્રષ્ટ થયો. તેથી તે ક્રોધથી ઘણો પ્રજ્વલિત થયો પરંતુ ત્યાં કાંઈ કરી શક્યો નહીં. પછી પોતાનું કાર્ય પતાવી તે કુંભકારકટક નગરે પાછો આવ્યો.
૯૨
એકદા મુનિસુવ્રતસ્વામી વિહાર કરતાં શ્રાવસ્તી નગરીએ પધાર્યા. સ્કંદક કુમાર વાંદવા માટે આવ્યો. પ્રભુએ દેશના દીથી. તે સાંભળી સ્કંદક કુમારે પાંચસો રાજપુત્રો સાથે દીક્ષા લીધી. અનુક્રમે તે ઉગ્રવિહારી થયા. સકળ સિદ્ધાંતનો સાર ગ્રહણ કરેલો હોવાથી ગુરુએ તેમને પાંચસો સાધુઓના આચાર્ય બનાવ્યા.
એક દિવસ મુનિસુવ્રતસ્વામીની પાસે આવીને સ્કંદક કુમારે કહ્યું કે ‘હૈ ભગવન્! આપની આજ્ઞા હોય તો મારી બહેન પુરંદરયશાને અને મારા બનેવી દંડક રાજા વગેરેને પ્રતિબોધ પમાડવા માટે હું કુંભકારકટક નગરે જાઉં.' ત્યારે ભગવાને કહ્યું કે ‘હે સ્કંદકાચાર્ય! તમને ત્યાં પ્રાણની હાનિ થાય તેવો ઉપસર્ગ થશે.’ સ્કંદકાચાર્યે પૂછ્યું કે ‘હું આરાધક થઈશ કે નહીં?’ પ્રભુએ કહ્યું કે ‘તમારા સિવાય બધા આરાધક થશે.' તે સાંભળીને સ્કંદકાચાર્યે કહ્યું કે “હે સ્વામી! જો મારી સહાયથી બીજા મુનિઓ આરાધક થશે તો મને સઘળું મળ્યું એમ હું માનીશ.’ એ પ્રમાણે કહી સ્વામીને વાંદીને પાંચસો સાધુની સાથે તે કુંભકારકટક નગરે આવ્યા. તેઓ આવે છે એવા ખબર સાંભળીને તેમના આવતા પહેલા સાધુજનોને ઊતરવા યોગ્ય વનભૂમિમાં પૂર્વવૈરી પાલકે નાના પ્રકારનાં શસ્ત્રો દાટી રાખ્યાં. પછી સ્કંદકાચાર્ય આવ્યા, એટલે દંડક રાજા નગરવાસી લોકોની સાથે તેમને વાંદવા આવ્યો. આચાર્યે ક્લેશનો નાશ કરનારી દેશના દીધી, તેમાં સંસાર સ્વરૂપની અનિત્યતા બતાવી, લોકો આનંદિત થયા.