________________
(૪૦) દૃઢપ્રહારીનું વૃત્તાંત
૧૭૯
બ્રાહ્મણના ઘરની ગાય દૃઢપ્રહારીને મારવા માટે દોડી, પરંતુ દૃઢપ્રહારીએ ભયંકર પરિણામપૂર્વક તે ગાયને પણ મારી નાંખી. તે વખતે પોતાના પતિને મરેલો જોઈને આંસુ પાડતી, વિલાપ કરતી અને ગાઢ સ્વરે આક્રોશ કરતી તે બ્રાહ્મણની સગર્ભા સ્ત્રી ત્યાં આવી. તેને પણ તે દૃઢપ્રહારીએ મારી નાંખી, તેના પેટ ઉપર પ્રહાર કરવાથી તેની કુક્ષિમાં રહેલો ગર્ભ નીકળીને પૃથ્વી ઉપર પડ્યો. તે ગર્ભને ભૂમિ ઉપર તરફડતો જોઈને તે નિર્દય હતો છતાં તેના મનમાં દયા ઉત્પન્ન થઈ.
તે વિચારવા લાગ્યો કે “અરેરે ! અતિ અધમ કર્મ કરનાર મને ધિક્કાર છે ! મેં નિષ્કારણ આ અનાથ અને ગર્ભવતી અબળાને મારી નાંખી. મને ચારે હત્યા લાગી. એક પણ હત્યાથી નિશ્ચય નરકગતિ પ્રાપ્ત થાય છે તો મેં આ ચાર હત્યા કરી છે તેથી મારી કેવી ગતિ હશે? દુર્ગતિરૂપ કૂવામાં પડતાં મને કોણ શરણભૂત થશે ?’’ આ પ્રમાણે વિચાર કરી વ્યગ્ર મને તે નગરમાંથી નીકળી વનમાં ગયો. ત્યાં તેણે એક સાધુને જોર્યા. તેમના ચરણમાં પડી પોતાના પાપનું સ્વરૂપ નિવેદન કર્યું અને કહ્યું કે ‘હે ભગવન્! આ હત્યાઓના પાપમાંથી હું કેવી રીતે મુક્ત થાઉં તે કહો.' સાધુએ કહ્યું કે ‘શુદ્ધ ચારિત્રધર્મને આરાધ્યા સિવાય તું તે પાપથી મુકાઈશ નહીં.’ તે સાધુના વચનથી વૈરાગ્ય પામીને તેણે ચારિત્ર ગ્રહણ કર્યું.
પછી તેણે એવો દૃઢ અભિગ્રહ કર્યો—‘જ્યાં સુધી આ ચાર હત્યાઓ મારા સ્મરણમાં રહે ત્યાં સુધી અન્ન કે પાણી મારે લેવું નહીં.' એવો અભિગ્રહ લઈ તે જ નગરના એક દરવાજે કાયોત્સર્ગ કરી ઊભો રહ્યો. પછી તે દરવાજે થઈને આવતા જતા નગરના લોકો તે હત્યાઓનું વારંવાર સ્મરણ કરીને ‘આ મહા દુષ્ટ કર્મનો કરનાર છે' એમ કહી તેની તાડના તર્જના કરવા લાગ્યા. કેટલાક લાકડી વડે મારે છે, કેટલાક મુષ્ટિપ્રહાર કરે છે, કેટલાક ગાળો દે છે, કેટલાક પથ્થરો ફેંકે છે અને કેટલાક દુર્વચનોથી તેનો તિરસ્કાર કરે છે, પરંતુ તે જરા પણ ક્રોથ કરતો નથી. લોકોએ મારેલા પથરા અને ઇંટોવડે તે ગળા સુધી ઢંકાઈ ગયો. છેવટે પોતાનો શ્વાસ રુંધાય છે એમ જાણ્યું ત્યારે કાયોત્સર્ગ પારીને તે બીજે દરવાજે જઈને કાયોત્સર્ગમાં ઊભો રહ્યો. ત્યાં પણ તેણે તે જ પ્રમાણે પરિષહોને સહન કર્યા. પછી ત્રીજો દરવાજે ગયો. પછી ચોથે દરવાજે ગયો. ત્યાં ગાળ, માર અને પ્રહાર વગેરે સહન કરતાં જેણે ચતુર્વિધ આહારનું પચખાણ કર્યું છે એવા તે દૃઢપ્રહારીને છ માસ વીતી ગયા, પરંતુ તે પોતાના નિયમથી જરા પણ ચલિત થયો નહીં. વિશુદ્ધ ધ્યાનથી તેનું અંતઃકરણ ક્ષમાવડે નિર્મળ થયું અને ઘાતીકર્મનો ક્ષય થવાથી તેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી ઘણા જીવોને પ્રતિબોધ પમાડી દૃઢપ્રહારી કેવલી મોક્ષે ગયા.
આ પ્રમાણે બીજા પણ જેઓ આક્રોશ આદિ અનેક પ્રકારના ઉપસર્ગોને સહન કરે છે તેઓ અનંત સુખના ભોગવનારા થાય છે, એવો આ કથાનો ઉપદેશ છે.