________________
૧૪૪
ઉપદેશમાળા
સુનક્ષત્ર મુનિનું દૃષ્ટાંત
એક વખત શ્રી વીરપ્રભુ શ્રાવસ્તી નગરીમાં સમવસર્યા. ત્યાં ગોશાલક પણ આવ્યો. નગરમાં એવી વાત ફેલાઈ કે આજે નગરમાં બે સર્વજ્ઞ આવેલા છે—એક શ્રી વીરપ્રભુ અને બીજો ગોશાલક. એ વાત ગોચરીએ ગયેલા શ્રી ગૌતમ સ્વામીએ સાંભળી, તેથી તેણે ભગવંતને પૂછ્યું કે “આ ગોશાલક કોણ છે કે જે લોકોમાં સર્વજ્ઞ એવું નામ ધરાવે છે ?’’
ભગવાને કહ્યું કે “હે ગૌતમ! સાંભળ. સરવણ નામના ગામમાં મંખલિ નામનો મંખ જાતિનો એક પુરુષ હતો. તેને ભદ્રા નામની સ્ત્રી હતી, તેની કુક્ષિથી તે જન્મ્યો છે. જેને ઘણી ગાયો હતી તેવા એક બ્રાહ્મણની ગૌશાળામાં જન્મવાથી તેનું નામ ગોશાલક પાડ્યું હતું. તે યુવાન થયો તેવામાં હું છદ્મસ્થ અવસ્થાએ ફરતો રાજગૃહ નગરમાં ચાતુર્માસ રહ્યો હતો. તે પણ ફરતો ફરતો ત્યાં આવ્યો. મેં ચાર માસક્ષપણનું પારણું પરમાત્ર (ક્ષીર) વડે કર્યું. તેનો મહિમા જોઈને તે વિચાર કરવા લાગ્યો કે જો હું આનો શિષ્ય થાઉં તો દરરોજ મિષ્ટાન્ન મળે’ એમ વિચારી ‘હું તમારો શિષ્ય છું' એમ કહી મારી પાછળ લાગ્યો. તે મારી સાથે છ વર્ષ પર્યંત ભમ્યો. એક દિવસ કોઈ યોગીને જોઈ તેણે મશ્કરી કરી કે ‘આ જૂઓનું શય્યાતર છે.' તેથી ક્રોધિત થયેલા તે યોગીએ તેના પર તેજોલેશ્યા મૂકી. મેં શીતોલેશ્યા મૂકીને તેને બચાવ્યો. પછી તેણે તેજોલેશ્યા ઉત્પન્ન કરવાનો ઉપાય મને પૂછ્યો. મેં પણ ભાવિ ભાવ જાણીને તેનો ઉપાય કહ્યો, એટલે તે મારાથી જુદો પડ્યો. તેણે છ માસ કષ્ટ વેઠી તેજોલેશ્યા સાથી અને અષ્ટાંગ નિમિત્તનો પણ જાણ થયો. હવે જનસમુદાય આગળ તે પોતાનું સર્વજ્ઞપણું સ્થાપિત કરે છે; પરંતુ તે ખોટું છે. તે કાંઈ જિન નથી અને સર્વજ્ઞ પણ નથી.”
આ પ્રમાણે ભગવંતે કહેલી હકીકત સાંભળીને ત્રિકમાં (ત્રણ માર્ગ મળે તે સ્થાનમાં), ચોકમાં અને રાજમાર્ગમાં સઘળા લોકો કહેવા લાગ્યા કે ‘આ ગોશાલક સર્વજ્ઞ નથી.' એ સઘળું વૃત્તાંત ગોશાલકે કોઈના મુખથી સાંભળ્યું, એટલે તેને ક્રોધ ઉત્પન્ન થયો. તે અવસરે આનંદ નામના એક સાધુને ગોચરીએ જતાં જોઈ તેણે બોલાવ્યા અને કહ્યું કે “હે આનંદ ! તું એક દૃષ્ટાંત સાંભળ. કેટલાક વાણીઆ કરિયાણાંના ગાડાં ભરીને ચાલ્યા. તેઓ જંગલમાં ગયા. ત્યાં તેમને ઘણી તૃષા લાગી. પાણીની શોધ કરતાં તેઓએ ચાર રાફડાનાં શિખરો જોયા. તેઓએ એક શિખર તોડ્યું, એટલે તેમાંથી ગંગાજળ જેવું નિર્મલ જળ નીકળ્યું. તે જળ વારંવાર પીને બધા સંતુષ્ટ થયા. બીજું શિખર તોડવા જતાં સાથેના કોઈ એક વૃદ્ધ માણસે તેમને વાર્યા, પરંતુ તેઓ અટક્યા નહીં. તે શિખર તોડતાં અંદરથી સોનું નીકળ્યું. એ પ્રમાણે ત્રીજું શિખર ભેદતાં અંદરથી રત્નો નીકળ્યાં. ચોથું શિખર તોડતી વખતે તે