________________
ઉપદેશમાળા
સરખી આકૃતિવાળા અને અતિ ઉલ્લાસ ઉત્પન્ન કરનારા તેમને જોઈને દેવકી વિચાર કરવા લાગી કે ‘આ પ્રમાણે એકના એક ઠેકાણે ત્રીજી વાર આહાર માટે આવવું શુદ્ધ સાધુઓને ઘટતું નથી, તેથી આનું શું કારણ હશે ?’ એ પ્રમાણે વિચાર કરી તેમને પૂછ્યું કે “હે મહાનુભાવ! આ દ્વારિકા નગરી બહુ વિશાલ છે, તેમાં શ્રાવકો પણ ઘણા છે; તે છતાં વારેવારે અહીં આવવાનું શું પ્રયોજન છે? શું આ નગરીમાં આહાર મળતો નથી ? અથવા શું સાધુઓ વધારે છે ? કે ભૂલથી આવવું થયું છે ?’’ એ પ્રમાણે દેવકીએ પૂછવાથી તે સાધુ બોલ્યા કે ‘હે સુશ્રાવિકા ! અમે છ ભાઈઓ છીએ. છઠ્ઠને પારણે પૃથક્ પૃથક્ વહોરવાં નીકળતાં જુદા જુદા તમારે ઘેર આવેલા છીએ. અમે એક સરખી આકૃતિવાળા હોવાથી તમને સંશય ઉત્પન્ન થયેલો છે.’ તે સાંભળી દેવકીએ વિચાર કર્યો કે “આ છયે મુનિઓ સરખી આકૃતિવાળા છે અને કૃષ્ણ જેવા દેખાય છે. મને પણ એઓને જોવાથી પુત્રદર્શન તુલ્ય આનંદ થાય છે. પૂર્વે પણ અતિમુક્તક મુનિએ મને કહ્યું હતું કે ‘તને આઠ પુત્રં થશે.’ તેથી આ મારા પુત્રો તો નહીં હોય ?’’ એવો સંદેહ તેને થયો.
૧૧૨
બીજે દિવસે તે નેમિનાથ ભગવાન પાસે ગ્રઈ અને વાંદીને પૂછવા લાગી કે’ ‘હૈ સ્વામિન્! ગઈ કાલે છ સાધુઓના દર્શનથી મને ઘણો આનંદ થયો, તેનું શું કારણ?” ભગવાને કહ્યું કે “એ છયે સાધુઓ તારા પુત્રોં છે. કંસના ભયથી હરિણગમેષી દેવે તેમને જન્મતાં જ ઉપાડી ભદ્દિલપુરમાં નાગપત્ની સુલસાના ઘરે મૂક્યા હતા અને તેને બદલે સુલસાના મૃતક પુત્રો અહીં મૂક્યા હતા. ત્યાં તેઓ મોટા થયા. યુવાન વય પામતાં તેઓને બત્રીશ-બત્રીશ કન્યાઓ પરણાવી. તેઓએ મારી દેશના સાંભળીને વૈરાગ્ય પ્રાપ્ત થવાથી સંસારનો ત્યાગ કરી ચારિત્ર ગ્રહણ કર્યું અને કાયમ છઠ્ઠનું તપ કરવા લાગ્યા. આજે છઠ્ઠને પારણે મારા આદેશથી નગરીમાં આહાર અર્થે નીકળ્યા, અને તમારે ઘેર પૃથક્ પૃથક્ જોડલે આવ્યા. તેમને જોવાથી પુત્રસંબંધને લીધે તમને હર્ષ ઉત્પન્ન થયો.”
આ પ્રમાણે ભગવાનનાં વચન સાંભળીને દેવકી ઘરે આવી અને પશ્ચાત્તાપ કરતી સતી મનમાં વિચારવા લાગી કે ‘વિકસિત મુખવાળા અને કોમળ હાથ પગવાળા પોતાન પુત્રને જે રમાડે છે અને ખોળામાં બેસાડે છે તે સ્ત્રીને ધન્ય છે ! હું તો અધન્ય અને દુર્ભાગી છું; કારણ કે મેં મારા એક પણ પુત્રને રમાડ્યો નથી.' આ પ્રમાણે ચિંતાયુક્ત થઈને ભૂમિ તરફ વૃષ્ટિ રાખી રહેલી પોતાની માતા દેવકીને કૃષ્ણે દીઠી એટલે તેમને ચિંતાનું કારણ પૂછ્યું. દેવકીએ ચિંતાનું કારણ કહી બતાવ્યું. પછી માતાનો મનોરથ પૂર્ણ કરવા માટે અઠ્ઠમ તપ કરીને તેણે દેવનું આરાધન કર્યું. દેવે આવીને વરદાન આપ્યું કે ‘દેવકીને પુત્ર થશે, પણ તે ઘણા કાળ સુધી ઘરમાં રહેશે નહીં.’ એવું કહી દેવ સ્વસ્થાને ગયો.