________________
૨૩
શ્રમણ ધર્મ
કારણ કે બાહ્યક્રિયાઓ ન હોવા છતાં ભરત ચક્રવર્તી વગેરે વિરતિના પરિણામ પામી તેના ફલ તરીકે કેવલજ્ઞાનને પામી ગયા અને બાહ્યક્રિયાઓ કરવા છતાં અભવ્યોને વિરતિનો પરિણામ ન હોવાથી ક્રિયાઓ નિષ્ફળ ગઈ. આમ બંને પ્રકારે બાહ્યક્રિયારૂપ કારણના અસત્ત્વમાં વિરતિના પરિણામરૂપ કાર્ય (ભરત ચક્રવર્તી આદિમાં જોવા મળવાથી) નું સત્ત્વ હોવાથી વ્યતિરેક વ્યભિચાર આવે છે. તથા બાહ્ય ક્રિયારૂપ કારણના સત્ત્વમાંવિરતિના પરિણામ રૂપ કાર્ય (અભવ્ય જીવોમાં જોવા મળતું ન હોવાથી) નું અસત્ત્વ હોવાથી અન્વય વ્યભિચાર આવે છે. આથી ચૈત્યવંદન આદિ બાહ્યક્રિયાઓમાં કોઈપણ રીતે વિરતિના પરિણામની કારણતા આવતી નથી. આથી અકિંચિત્કર છે.
ઉત્તર : તમારી વાત યોગ્ય નથી. કારણ કે ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક જેણે દીક્ષા ગ્રહણ કરી છે, તેઓ પ્રાય: હિંસાદિ અનુચિત પ્રવૃત્તિ કરતા હોય તેવું જોવામાં આવતું નથી. અને તેના બાહ્ય વર્તનથી અનુમાન કરી શકાય કે સાવઘ પ્રવૃત્તિ કરતો નથી માટે વિરતિનો પરિણામ હોવો જોઈએ અને તેનું કારણ આ ચૈત્યવંદનાદિ છે.
વળી તમે જે વ્યભિચાર બતાવ્યો, તે માની લઈએ તો પણ ચૈત્યવંદનની કર્તવ્યતામાં બાધ આવતો નથી. કારણ કે તાદશવ્યભિચાર કોઈક કાળે કોઈક જીવમાં જ સંભવે છે.
દરેક હેતુઓ પોતાના વ્યાપાર (દ્વાર) દ્વારા સ્વકાર્યમાં કારણ મનાય છે, એ વ્યાપાર કોઈ પ્રસંગે અન્ય ઉપાયથી પણ સિદ્ધ થાય છે અને ત્યારે જ કાર્ય થાય છે. એટલા માત્રથી હેતુની હેતુતાને બાધ પહોંચતો નથી. જેમ કોઈક વખત દંડ વિના હાથથી ચક્રને ભમાવી ઘટરૂપ કાર્ય ઉત્પન્ન થતું જોવામાં આવે છે, તેથી દંડમાં કારણતા નાશ પામતી નથી. કારણકે આવું ક્વચિત્ જ બને છે,
તે જ રીતે ભરતચક્રી આદિને તે દ્વાર એટલે કે ચૈત્યવંદનાદિ વ્યાપાર, પૂર્વ જન્મમાં કરેલા ચૈત્યવંદનાદિથી, ચારિત્રપાલનના અભ્યાસથી થયેલો જ છે, અને તેથી આ ભવમાં ભવ્યતાનો પરિપાક થવાની ચૈત્યવંદનાદિ બાહ્ય ક્રિયા વિના પણ વિરતિનો પરિણામ પ્રગટ્યો હતો. આમ વ્યાપાર અન્ય ઉપાયથી સિદ્ધ થવામાત્રથી ચૈત્યવંદનાદિમાં રહેલી કારણતાને બાધ પહોંચતો નથી.
વળી અભવ્યોને બાહ્ય ક્રિયાઓના સદ્ભાવમાં વિરતિનો પરિણામ ન પ્રગટ્યો તેનાથી બાહ્ય ક્રિયાઓમાં અકારણતા આવી જતી નથી. કારણ કે કોઈપણ કાર્ય સમગ્ર કારણોના સમૂહરૂપ પૂર્ણ સામગ્રીથી સિદ્ધ થાય છે અને એ સામગ્રીના અભાવમાં એકલો હેતુ કાર્યસિદ્ધ કરી શકતો નથી.