________________
૨૨
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
આવે ત્યારે આચાર્ય ઊભા થઈને ત્રણવાર શ્રી નમસ્કારમંત્રને ગણીને શ્વાસ અંદર લેતાં (ઉચ્છવાસ પૂર્વક) શિષ્યના મસ્તકેથી ત્રણ અઢ્ઢાળીઓ એટલે થોડા થોડા કેશ લઈ શિષ્યના મસ્તકે લોચ કરે. લોચ કરીને શ્રીનમસ્કાર મંત્રપૂર્વક ત્રણવાર સામાયિક સૂત્ર ઉચ્ચરાવે, ત્યારે શુદ્ધપરિણામથી ભાવિત અને સામાયિક ઉચ્ચરવાથી પોતાને કૃતાર્થ માનતો શિષ્ય પણ ઊભો-ઊભો જ ગુરુ બોલે તેમ તેઓની સાથે સામાયિક સૂત્રને મનમાં બોલે. તે પછી ગુરુએ જો પહેલાં વાસને સંક્ષેપથી મંડ્યો હોય તો અહીં વિસ્તારથી મંત્રે અને શ્રીચતુર્વિધશ્રીસંધને વાસ આપે, તે પછી શિષ્ય પ્રથમ ખમાસમણ દેવાપૂર્વક ‘ઇચ્છકારિ ભગવન્ તુમ્હે અમાંં સમ્યક્ત્વ સામાયિક, શ્રુતસામાયિક, સર્વવિરતિ સામાયિક આરોવઉ !' અર્થાત્ હે ભગવાન્ ! આપની ઇચ્છાનુસાર આપ મારામાં સમ્યક્ત્વ, શ્રુત અને સર્વપાપના ત્યાગરૂપ સામાયિકનું આરોપણ કરો ! ગુરુ કહે ‘આરોવેમિ’ ઇત્યાદિ વિધિ કરે, તેમાં પાંચમું ખમાસમણ દઇ સમવસરણ એટલે નંદીને અને ગુરુને પ્રદક્ષિણા આપે, ત્યારે પ્રથમ ગુરુ અને તે પછી શ્રીસંઘ પણ તેના મસ્તકે વાસ નિક્ષેપ કરે. એમ યાવત્ ત્રણવા૨ પ્રદક્ષિણા આપ્યા પછી (સાત પૈકી છઠ્ઠું) ખમાસમણ દઈને ‘તુમ્હાણું પવેઇઅં, સાહુણં પવેઇઅં, સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ ? અર્થાત્ આપને નિવેદન કર્યું, સાધુઓને નિવેદન કર્યું, હવે આપ આજ્ઞા આપો ! કાઉસ્સગ્ગ કરું ? એમ પૂછે. ગુરુ ‘કરેહ’ એમ કહે ત્યારે ‘ઇચ્છું’ કહી પુન: (સાતમું) ખમાસમણ દઇ ‘સર્વવિરતિ સામાયિક સ્થિરીકરણાર્થે કરેમિ કાઉસ્સગ્ગ’ અર્થાત્ ‘સર્વપાપના ત્યાગરૂપ સામાયિકમાં સ્થિર થવા માટે કાઉસ્સગ્ગ કરું છું.' એમ કહી ‘અન્નત્થ' બોલી સત્તાવીસ શ્વાસોશ્વાસ પ્રમાણ (સાગરવર ગંભીરા સુધી) કાઉસ્સગ્ગ કરી, પારીને પ્રગટ ‘લોગસ્સ’ બોલે, પછી શિષ્ય પુન: ખમાસમણ દઈને ‘ઇચ્છકાર ભગવન્ મમ નામટ્ઠવણું કરેહ !' અર્થાત્ ‘હે ભગવન્ ! આપની ઇચ્છાનુસાર મારું નામ સ્થાપન કરો !' કહે, ત્યારે ગુરુ શિષ્યના મસ્તકે વાસનિક્ષેપ કરતા કરતા (શ્રી નમસ્કારમંત્રપૂર્વક કુલ-ગણશાખા તથા ગુરુનું નામ જણાવીને) ગુરુના નામની સાથે વર્ગ વગેરેનો દોષ ન આવે તેવું (જ્યોતિષ શાસ્ત્રમાં જણાવેલી ષડ્વર્ગની શુદ્ધિવાળું) નામ ત્રણ વખત સ્થાપે, શ્રી સંઘને સંભળાવે. તે પછી નવદીક્ષિત, રત્નાધિકના ક્રમથી સર્વ સાધુઓને વંદન કરે. અને શ્રાવક-શ્રાવિકાઓ તથા સાધ્વીઓ પણ નૂતનદીક્ષિતને વંદન કરે. તે પછી ગુરુ ‘માગુસ્સેવિત્તનાફ.' આ આવશ્યક નિર્યુક્તિના કે ‘પત્તરિ પરમં બિ.' આ ઉત્તરાધ્યયન સૂત્રના કાવ્યના અનુસારે હિતશિક્ષા ફરમાવે.
પ્રશ્ન : જિનેશ્વર ભગવંતોનો ઉપદેશ તો એવો છે કે વિરતિના પરિણામને ભાવદીક્ષા કહેવાય ! અને તેથી વિરતિનો પરિણામ પેદા કરવા ઉદ્યમ કરવાનો હોય. ઉપર બતાવેલી ચૈત્યવંદનાદિ બાહ્ય ક્રિયાઓની શી જરૂર છે ?