________________
29
ભાવો સાથે આત્મામાં ક્ષમાદિ અનેક આત્મગુણોને પ્રગટ કરે છે.
સાપેક્ષ યતિધર્મ એટલે નાના કુટુંબમાંથી આગળ વધીને સમસ્ત જીવોની સાથે કૌટુંબિક ભાવનું જીવન. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના કોઈ પણ જીવને મન-વચન-કાયાથી કરણ-કરાવણ અને અનુમોદનરૂપે પણ દુ:ખ ન થાય તેમ જીવવું તે સાધુધર્મ છે. તે ત્યારે બને કે અહિંસા પ્રત્યેનો રાગ (ધર્મરાગ) પ્રગટ્યો હોય ! એ સિવાય સત્ય અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ કે બીજા કોઈ પણ સાધન ધર્મો સિદ્ધ થઈ શકતા નથી. જેમ સત્ય વગેરે ભાવો અહિંસાની રક્ષા અને પુષ્ટિ આદિ કરનાર છે, તેમ અહિંસકભાવ સત્ય વગેરેનો જનક છે. વાડ ભલે ખેતરનું રક્ષણ કરે પણ વાડનો જન્મ ખેતરને આભારી છે, ખેતર ન હોય તો વાડ હોય જ નહિ. તેમ અહિંસા સર્વ ગુણોની માતા છે, તેના ધ્યેય વિના કોઈ ગુણ સાચો હિતકર બની શકતો નથી. એ રીતે અહિંસાનો અને શેષ ગુણોનો પારસ્પરિક સંબંધ છે.
ગૃહસ્થધર્મમાં બતાવેલાં માર્ગાનુસારિતાથી યાવત્ પ્રતિમાવહન સુધીનાં સર્વ અનુષ્ઠાનો પ્રત્યેક વ્યવહારો ધર્મરાગને પ્રગટ કરનારા (ત્રિવિધ રાગને ધર્મરાગરૂપે બદલી નાખનારા) છે. એ કારણે તેના પાલનથી જીવને કામરાગ વગેરેનો નાશ થઈને ધર્મરાગ પ્રગટે છે. (સર્વ રાગો ધર્મરાગરૂપે બદલાઈ જાય છે.) એને જ જૈન પરિભાષામાં વૈરાગ્ય કહેવાય છે. આ વૈરાગ્યના બળે વીતરાગભાવની સિદ્ધિ કરી શકાય છે. જો આ વૈરાગ્ય-ધર્મરાગ પ્રગટ્યા વિના દીક્ષાને સ્વીકારી કોઈ યતિધર્મ પાળવા તૈયાર થાય છે તો ત્રિશંકુની જેમ તે ઉભય ભ્રષ્ટ થાય છે. કારણ કે સાધુ જીવનમાં અન્યરાગોની સામગ્રી નથી, તેથી ઉલ્ટું સાધુ જીવન તેને માટે કામરાગ વગેરેનું પોષક બની જાય છે. ધર્મરાગ પ્રગટ્યો ન હોય તો સાધુ ધર્મના વ્યવહારોમાં મમત્વ થઈ શકતું નથી અને મમત્વ વિના કોઈ કાર્યમાં સરાગીની પ્રગતિ થઈ શકતી નથી. એ કારણે ટુંકમાં એમ કહી શકાય કે સાધુ જીવનમાં આનંદનો અનુભવ કરાવનાર-ભૂખ તરસનાં કષ્ટોમાં પણ પ્રસન્નતા પ્રગટાવનાર-ત્યાગ તપમાં પણ ઉત્તરોત્તર રુચિ વધારનાર-ગુર્વાદિ પ્રત્યે સમર્પિતભાવ કે તેઓનાં વિનયાદિ કરાવનાર-શાસ્ત્રો પ્રત્યે પણ વફાદારી પ્રગટાવનાર અને યાવત્ ધર્મની ખાતરી પ્રાણની પણ આહૂતિ અપાવનાર કોઈ હોય તો તે ધર્મરાગ છે. એના વિના સાધુ જીવનનું એક પણ અનુષ્ઠાન રુચિકર થયું નથી અને તેથી તે નિર્જરા પણ કરાવી શકતું નથી. જગતના જીવો સાથે મૈત્રી, પ્રમોદ, કરુણા કે ઉપેક્ષા જેવા જીવન વિકાસના પ્રાથમિક