________________
શ્રમણ ધર્મ
૨૨૫
સ્વીકારી શકે. વિનયપૂર્વક ક્રમસર અધ્યયન કરતા કરતા જેની બુદ્ધિ તર્કસમાધાનથી નિર્મળ (સૂક્ષ્મ) બની હોય તેને તેને ઉત્તરોત્તર વિશિષ્ટ સૂત્રો ભણવા માટે યોગ્ય સમજવો. છેદગ્રંથો વગેરે ભણવામાં તો પર્યાયથી યોગ્ય બન્યો હોય તો પણ જે સદ્ભાવયુક્ત, (ચારિત્ર અને શ્રુત) ધર્મમાં પ્રીતિવાળો, પાપભીરૂ અને પરિણત હોય તેને અધિકારી સમજવો. પરિણત એટલે તે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ વગેરે તે તે અપેક્ષાઓને અનુસરીને ઉત્સર્ગના વિષયમાં ઉત્સર્ગનો અને અપવાદના વિષયમાં અપવાદનો, એમ જ્યાં જે ઉચિત હોય ત્યાં બંનેનો વિવેક કરી શકે તેવો સમજવો. એવા ગુણવાનને છેદ વગેરે સૂત્રોનું વ્યાખ્યાન સંભળાવવું તે નિર્મળબોધ વગેરેમાં હેતુ બનવાથી હિતકર થાય. અતિપરિણત અને અપરિણતને સંભળાવેલું તો તેઓના વિચિત્રકર્મોના દોષથી અહિતકર જ થાય એમ સમજવું. કારણ કે તેવાઓને તેવો વિષય સાંભળવાથી (પ્રાય:) અનર્થ થાય, અને પરંપરાએ બીજાઓને પણ અનર્થ થાય છે.
વ્યાખ્યાતાએ પદાર્થોનું વ્યાખ્યાન એવી રીતે કરવું કે જેથી શ્રોતાને સમ્યગુ બોધ થાય. આગમગમ્ય પદાર્થો આગમના વચનોથી જ અને યુક્તિગમ્ય પદાર્થો યુક્તિપૂર્વક જ સમજાવવા જોઈએ. જો આમાં વિપરીત કરવામાં આવે તો સિદ્ધાંતનો વિરાધક બને છે. વધારે શું કહેવું ? નયસાપેક્ષ રીતે એવું વ્યાખ્યાન કરવું કે જેનાથી શ્રોતાઓને (સંસાર પ્રત્યે ઉદાસીનતા અને મોક્ષમાર્ગમાં ઉત્સાહ રૂ૫) સંવેગ પ્રગટ થાય અને મોક્ષમાર્ગના દર્શક સર્વજ્ઞ ભગવંત પ્રત્યે વિશ્વાસ પ્રગટે. ઇરાદાપૂર્વક વ્યાખ્યાન દ્વારા જિનવચનને અસત્ય ઠરાવવું તે વિષાદિ તુલ્ય છે. કારણ કે તેનો વિપાક અત્યંત દારુણ છે જ્યારે બીજી બાજુ વીતરાગની આજ્ઞા પ્રત્યે બહુમાન થવારૂપ આત્મસામર્થ્ય એક મહામંત્ર તુલ્ય છે. કારણ કે તે સમસ્ત દોષોને ટાળનાર છે. વ્યાખ્યાનનો વિધિ ઉપસંપદાના પ્રસંગે કહ્યો છે તે પ્રમાણે સમજવો.
હવે ગચ્છની અનુજ્ઞારૂપ સાપેક્ષ યતિધર્મનું વર્ણન કરે છે. मूलम् - एतस्यैव गणानुज्ञाऽन्यस्य वा गुणयोगिनः ।
गुरुणा विधिना कार्या, गुणयोगी त्वयं मतः ।।१३४।। ગાથાર્થ : ઉપર કહ્યા તે અનુયોગાચાર્યને અથવા બીજા ગુણયોગીને ગુરુએ વિધિપૂર્વક ગચ્છની અનુજ્ઞા કરવી. ગુણયોગી તો આવા ગુણવાળાને માન્યો છે.
ટીકાનો ભાવાર્થ ઉપર પ્રમાણે જ જાણવો, હવે ગચ્છાચાર્ય કેવા ગુણવાળા હોય તે કહે છે.