________________
૧૯૨
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ પ્રતિમા પંચાશકમાં કહ્યું છે કે પ્રતિમા અંગીકાર કરવા ઇચ્છતા સાધુ પ્રથમ જિનકલ્પિક સાધુની જેમ ગચ્છમાં રહીને (પ્રતિમા પાલનનું સામર્થ્ય કેળવવા માટે) પાંચ પ્રકારની તુલના કરે અને તે રીતે યોગ્યતા પ્રગટાવીને પ્રતિમાઓને અંગીકાર કરે. પ્રથમનાં ત્રણ સંઘયણવાળો, ચિત્તની સ્થિરતા(સ્વસ્થતા)રૂપ ધૈર્યવાળો અને મહાસાત્વિક, સદ્ભાવનાથી ભાવિત ચિત્તવાળો (અથવા પ્રતિમાની ક્રિયાનો અભ્યાસ કરીને યોગ્ય બનેલો) એવો મુનિ શાસ્ત્રવિધિ પ્રમાણે ગુરુની આજ્ઞા મેળવીને આ પ્રતિમાઓને અંગીકાર કરે. તે ગચ્છમાં રહીને જ પ્રતિમાઓના અભ્યાસ માટે આહાર, ઉપધિ વગેરેના પરિકર્મમાં પારંગત થયેલો હોય. પહેલી સાત પ્રતિમાઓમાં જેનું જેટલું કાળમાન કહ્યું કે તે પ્રતિમાનું પરિકર્મ પણ તેટલા કાળ સુધી કરવાનું હોય છે. પ્રતિમાઓનો સ્વીકાર અને પરિકર્મ વર્ષાકાળે કરી શકાતું નથી. એ રીતે (પરિકર્મ સાથે પહેલી બેમાં છ મહિના લાગે, તેથી) પહેલી બે એક જ વર્ષમાં, ત્રીજી-ચોથી એક એક વર્ષમાં અને પાંચમી-છઠ્ઠી-સાતમી ત્રણ (એક વર્ષે પરિકર્મ, બીજા વર્ષે પ્રતિપાલન એમ) બે-બે વર્ષમાં પૂર્ણ થાય. એ રીતે કરતાં નવ વર્ષમાં પહેલી સાત પ્રતિમાઓ પૂર્ણ થાય. આ પ્રતિમાઓ સ્વીકારનાર ઉત્કૃષ્ટથી દસપૂર્વથી ન્યૂન અને જઘન્યથી નવમા પ્રત્યાખ્યાન પૂર્વની ત્રીજી આચારવસ્ત સુધીના જ્ઞાનવાળો હોય. (તથી ન્યૂનવાળાને કાળ વગેરેનું જ્ઞાન થઈ શકે નહિ તેથી અને સંપૂર્ણ દસ પૂર્વવાળાને વિશિષ્ટ દેશનાલબ્ધિના કારણે અનેક જીવોને ઉપકાર થઈ શકે છે તેથી, તે બંનેને પ્રતિમા સ્વીકારનો નિષેધ છે.),
પ્રતિમાધારી સાધુ મમતાજન્ય શરીરનું પરિકર્મ તજવાથી શરીરનો (પરિચર્યાનો) ત્યાગી અને જિનકલ્પિકની જેમ દેવી વગેરે ઉપસર્ગોને સહન કરવામાં સમર્થ હોય, એક દિવસમાં સંસૃષ્ટાદિ (પૂર્વે કહી તે) સાત એષણાઓ પૈકી છેલ્લી પાંચમાંથી એક એષણાથી આહાર અને એકથી પાણી લેનારો, તેમાં પણ અલેપકર આહાર લેનારો હોય.
ગચ્છથી નીકળીને પહેલી એક મહિનાની મહાપ્રતિમાને સ્વીકારે, તેમાં એક મહિનો પૂર્ણ થતાં સુધી પ્રતિદિન આહારની અને પાણીની એક-એક દત્તિ લે. તે પૂર્ણ થતાં પુન: ગચ્છમાં આવે. (બીજીનું પરિકર્મ કરીને બીજી સ્વીકારે) એમ દ્વિમાસિકી, ત્રણ માસિકી, યાવત્ સાતમાસિકી પ્રતિમાને સ્વીકારે. માત્ર ઉત્તરઉત્તર પ્રતિમામાં આહાર અને પાણીની એક એક દત્તિ વધે. યાવતું સાતમાસિકી પ્રતિમામાં આહારની અને પાણીની સાત-સાત દત્તિઓ લે. (દરેક પ્રતિમા પૂર્ણ થતાં ગચ્છમાં આવીને ઉત્તરપ્રતિમાનું પરિકર્મ કરીને પછી તેનો સ્વીકાર કરે, એ ક્રમથી સાત પૂર્ણ કરે.)