________________
// મર્દ / નમ: શ્રીનિનપ્રવનાય ||
પ્રાફિકથન
જીવન કળા-અનાદિ સંસારમાં ભટકતા જીવને અનંતાનંત જન્મ-મરણો થયાં અને હજુપણ ચાલુ છે, તેમાં એ કારણ છે કે જીવને જેવું શુદ્ધ જીવન જીવવું જોઈએ, જે જીવન તેના જન્મ-મરણોનો અંત લાવી શકે, તેવું જીવન આજ સુધી તે ક્યારેય પણ જીવી શક્યો નથી. જીવ ચૈતન્ય સ્વરૂપ છે, તેથી તેણે ચૈતન્યના આલંબને જીવવું જોઈએ. મળેલી જડ સામગ્રીથી પણ ચૈતન્યને જ પુષ્ટ કરવું જોઈએ-અનાદિ કાળથી કર્મોનાં આવરણોથી અવરાઈ ગયેલા જ્ઞાન-દર્શન-ચારિત્ર વગેરે ગુણોને પ્રગટ કરવા જોઈએ. જ્યાં સુધી તેવું જીવન ન જીવી શકે ત્યાં સુધી તે શક્તિ પ્રગટાવવા માટે લેવા પડતા નવા નવા જન્મોથી અને તેનાં વિવિધ કષ્ટોથી જીવ કદી પણ છૂટી ન શકે ! ભલે તેને દુઃખ ન ગમતું હોય, પણ એટલા માત્રથી દુ:ખે ટળે નહિ. તેને ટાળવા માટે તો જ્ઞાનીઓએ કહેલા અને આચરેલા માર્ગે તેવું વિશિષ્ટ જીવન જીવવું જોઈએ. એ માર્ગ સ્વીકાર્યા વિના ત્રણે કાળમાં કોઈ મુક્ત થયું નથી, થતું નથી અને થશે પણ નહિ. આ એક સુનિશ્ચિત હકીકત છે, તેથી આત્માનું કર્તવ્ય થઈ પડે છે કે તેણે પોતાનાં ભાવિ જન્મ-મરણોની પરંપરાને અટકાવી શકે તેવું જીવન જીવવાની કળા પ્રાપ્ત કરવી.
ધર્મ અને જીવન-જીવનમાં (જગતમાં) ધર્મની આવશ્યક્તા ઉપર કહેલા એક જ કારણે છે. દરેક ધર્મનાં પ્રત્યેક અનુષ્ઠાનોનો સાર એ છે કે તે તે અનુષ્ઠાનના આલંબનથી જીવે સંપૂર્ણ-નિર્દોષ જીવન જીવવાની કળા પ્રાપ્ત કરવી. જીવનની આ નિર્દોષતા અને તેનાં સાધનો એ બન્નેને ધર્મ કહેવાય છે. જેના આશ્રયથી સ્વ-પર દુ:ખો ટળે તે ધર્મ. ધર્મ સિવાય કોઈ એવું તત્વ નથી કે જે જીવને સુખ આપી શકે-દુ:ખને દૂર કરી શકે. આ કંઈ કેવળ વ્યાખ્યા જ નથી, વસ્તુતઃ સુખનો અને ધર્મનો એવો સંબંધ છે. માટે જ સૌને ધર્મ ગમે છે. ભલે ધર્મને સાચા સ્વરૂપમાં સમજી ન શકે, કિન્તુ થોડા પણ વિવેકને પામેલા સૌ કોઈ ધર્મનો પક્ષ કરે છે, ધર્મી કહેવડાવવું સૌને ગમે છે, અધર્મીની છાપ કોઈને ગમતી નથી, મનુષ્ય ઉપરાંત પશુઓમાં પણ આ હકીકત કેટલેક અંશે દેખાય છે, તેનું કારણ સુખ સાથેનો ધર્મનો સંબંધ જ છે. “ધર્મ જ આત્માના સુખનું એક સફળ સાધન છે'