________________
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
અને એક સ્પંડિલ ભૂમિએ જતાં ઓઢવા માટે અને ચાર હાથ પહોળી (સમવસરણમાં) વ્યાખ્યાન સાંભળતાં (કે સ્નાત્રાદિ મહોત્સવ પ્રસંગે મંદિરમાં) ઓઢવા માટે હોય છે. સાધ્વીને સમવસરણમાં તથા વાચનામાં ઊભા રહેવાનું હોવાથી ચાર હાથ પહોળી હોય તો જ ઊભાં રહેતાં શરીર સંપૂર્ણ ઢંકાય.
૭૨
(૧૧) સ્કંધકરણી : લાંબી-પહોળી ચાર હાથ સમચોરસ ઉપર ઓઢેલી સંઘાડી પવનથી ખસી જતાં રક્ષણ માટે ચાર પડ કરીને ખભા ઉપર નાખવાની હોય છે. રૂપવતી સાધ્વીને પોતાનું શરીર બેડોળ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી હોવાના કારણે તેને ‘કુબ્જ કરણી’ પણ કહેવાય છે. તેને પીઠના ભાગમાં ખભાની નીચે ડુચો કરીને કોમળ વસ્ત્રના કકડાથી ઉત્કક્ષિકા અને વૈકક્ષિકા સાથે બાંધીને રાખવાથી શરીર ખુંધાની જેમ બેડોળ દેખાય.
આ વિષયમાં વિશેષ, પ્રવચન સારોદ્વારથી જાણી લેવું. આ રીતે ‘ગણના પ્રમાણ' કહેવાયું,
હવે પ્રમાણ પ્રમાણ (માપ) કહેવાય છે.
(૧) પાત્રનું પ્રમાણ : પાત્રની પરિધિ ત્રણવેંત અને ચાર આંગળ થાય તેટલું (અને એક વેંત પહોળુ) હોય તે મધ્યમ, તેથી ઓછું જઘન્ય અને વધારે હોય તે ઉત્કૃષ્ટ જાણવું. બીજા શાસ્ત્રમાં પોત-પોતાના આહારને અનુસારે પાત્રનું બીજું પ્રમાણ પણ કહેલ છે. વૈયાવચ્ચ કરનારને તો ગુરુએ આપેલું પોતાનું કે નંદી પાત્ર તરીકે મોટું હોય, તે ઔથિક નહિ પણ ઔપગ્રહિક ઉપધિમાં સમજવું.
રાજાએ નગરાદિકનો ઘેરો ઘાલ્યો હોય, ઇત્યાદિ સંકટ પ્રસંગે સાધુઓ બહાર જઈ ન શકે, ત્યારે કોઈ ઋદ્ધિમંત પાત્ર ભરીને વહોરાવે ત્યારે નંદીપાત્રનો ઉપયોગ થાય, એવા કારણો વિના તેનો ઉપયોગ કરવાનો નિષેધ છે.
ભાજનનું મુખ ગોળ-સમચોરસ હોય તેમાં હાથ નાખતાં કાનાનો સ્પર્શ ન થાય એટલું પહોળું મુખ તે જઘન્ય અને ગૃહસ્થ મોટી વસ્તુ સુખપૂર્વક વહોરાવી શકે તેટલા પહોળા મુખવાળું ઉત્કૃષ્ટ પ્રમાણ સમજવું. છકાયની વિરાધનાથી બચવા પાત્રાઓ રાખવાનો ભગવાને વિધિ બતાવ્યો છે. નંદિપાત્ર વૈયાવચ્ચ કરવા માટે પણ રાખી શકાય.
(૨) પાત્રબંધ (ઝોળી) : છેડાને ગાંઠ વાળતાં ખૂણા ચાર અંગુલ વધે (અને પાત્રાઓ સુખપૂર્વક આવી જાય) તેટલા પ્રમાણવાળું પાત્રબંધન જોઈએ.