________________
પચ્ચખાણનાં સૂત્રો
સૂત્ર પરિચય :
પ્રત્યેક સાધકનું એક જ લક્ષ્ય હોય છે – સ્વભાવમાં રહેવું અને તેના આનંદને માણવો. અણાહારી ભાવ તે આત્માનો સ્વભાવ છે અને આહાર કરવો તે આત્માનો વિભાવ છે. આમ છતાં જ્યાં સુધી સાધક સ્વભાવસ્થ થતો નથી ત્યાં સુધી મોક્ષ સાધનામાં સહાયક શરીરને ટકાવવા માટે તેને આહાર-પાણી વગેરેની જરૂર પડે છે. જરૂરી એવા પણ આહારાદિને લેતા સાધક જો સાવધાન ન રહે તો અનાદિકાલીને આહારસંજ્ઞા પુષ્ટ થાય છે અને પુષ્ટ થયેલી તે સંજ્ઞા ભવોભવ સુધી હદ વિનાની હોનારત સર્જે છે. તેથી દરેક સાધકે આહારસંજ્ઞાને તોડવા યથાશક્તિ પચ્ચકખાણ કરવું જોઈએ.
આહારાદિના ત્યાગની પ્રતિજ્ઞા કરવી તેનું નામ “પચ્ચકખાણ'; તેમાં માત્ર દ્રવ્યથી આહારાદિનો ત્યાગ કરવો તે દ્રવ્ય પચ્ચકખાણ છે અને દ્રવ્યથી જેનો ત્યાગ કર્યો હોય તે આહારાદિ પ્રત્યેની આસક્તિ તોડવી તે અથવા થતી આસક્તિને તોડવાનો યત્ન કરવો તે ભાવ પચ્ચખાણ છે.
પચ્ચકખાણ દ્વારા ફરી ફરી આહારના જ વિચારોમાં અટવાતાં મનને નિયંત્રણમાં લઈને આહાર પ્રત્યેની આસક્તિને તોડવા યત્ન કરાય છે. તે યત્નથી આહારસંજ્ઞાના અનાદિકાલીન સંસ્કારો નબળા પડે છે અને તત્કૃત આશ્રવ (કર્મનું આવવું) અટકે છે. આથી જ શાસ્ત્રોમાં પચ્ચખાણને વ્રત, નિયમ, અભિગ્રહ, વિરમણ, વિરતિ વગેરે ઉપરાંત સંવરભાવ, આશ્રયદ્વારનો નિરોધ, નિવૃત્તિ વગેરે શબ્દોથી પણ ઓળખાવવામાં આવે છે.