________________
સૂત્ર સંવેદના-૬
છે. એક માત્ર ચા બનાવવા જેવી સામાન્ય બાબતમાં પણ જેમ બહેનો ચા માટે જરૂરી ચીજો એકઠી કરીને ક્રમ મુજબ જો તેનો ઉપયોગ કરે તો જ સ્વાદિષ્ટ ચા બનાવી શકે છે. તેમ આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ સફળતા મેળવવી હોય તો સાધકે આ કાર્ય શા માટે કરવું? ક્યારે કરવું ? કઈ રીતે કરવું ? કયા ક્રમ મુજબ કરવું ? તે જ ક્રમ કેમ સાચવવો ? વગેરે જાણવું જોઈએ, અને જાણીને તે મુજબ અનુષ્ઠાન આદિ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, તો જ સંપૂર્ણ સફળતા મળી શકે.
આત્મશુદ્ધિ માટે કરાતી પ્રતિક્રમણની ક્રિયા અંગે પણ આ વસ્તુ વિચારવી જરૂરી છે. તેમાં પ્રતિક્રમણ ક્યારે કરવું ? કયા ભાવપૂર્વક કરવું ? તે માટે કયા સૂત્રોનો ઉપયોગ કરવો ? તેના અર્થ શું છે ? અને તે તે સૂત્ર બોલતાં કઈ સંવેદના થવી જોઈએ વગેરે ઘણી વાતો આપણે સૂત્ર સંવેદનાની શ્રેણીમાં જોઈ આવ્યા છીએ. હવે પ્રતિક્રમણની એક ક્રિયા જે ઘણી અવાંતર ક્રિયાઓ સાથે સંકળાયેલી છે. તે ક્રિયાઓ કયા ક્રમથી કરવી અને તેમ કરવા પાછળ કયા હેતુઓ કામ કરે છે, તે સમજવાનું છે. જો આ ક્રમ અને તેના હેતુઓને યાદ રાખી, પ્રતિક્રમણની સંપૂર્ણ ક્રિયા એકવાક્યતા પૂર્વક કરવામાં આવે તો આ ક્રિયા કોઈ અનેરા આનંદને પ્રગટાવી શકે છે.
નાના-મોટા મોતીઓની માળામાં જો પ્રથમ નાનાં નાનાં મોતી લઈ ક્રમસર મોટાં મોટાં મોતીઓ ગોઠવાતા જાય અને મધ્યમાં સૌથી મોટું મોતી આવે તો આજુબાજુના નાનાં મોતીઓની ગોઠવણથી મોટાં મોતીની શોભામાં અભિવૃદ્ધિ થાય છે. આમ સુંદર રીતે ગોઠવાયેલી મોતીની માળા કંઠને દીપાવે છે. તેની જેમ પહેલેથી ક્રમને વિચારી તેના એક-એક કારણોને મગજમાં સ્થિર કરી પૂર્ણ ઉપયોગપૂર્વક એક-એક ક્રિયા કરવામાં આવે, તો પ્રતિક્રમણની સર્વ ક્રિયા ઉત્તરોત્તર ભાવની વૃદ્ધિ કર્યા વિના રહેતી નથી. આથી પ્રતિક્રમણ કરતાં પૂર્વે પ્રતિક્રમણની વિધિ, તેનો ક્રમ અને તેના કારણોને વિચારી ચિત્તભૂમિકાને સજ્જ બનાવવી જોઈએ. દેવસિક પ્રતિક્રમણની વિધિ તથા હેતુઃ
૧ સામાયિક :
૧. પ્રથમ સામાયિક લેવું.
પ્રતિક્રમણ કરવા ઉત્સુક બનેલો સાધક જ્યાં સુધી મનને સંસારની મમતા અને સર્વ પાપવ્યાપારોથી પાછું વાળી, સમતાભાવમાં સ્થિર કરવા યત્ન કરતો નથી,