________________
૧૧૪
સૂત્ર સંવેદના
એવા અવાસ્તવિક ભાવોથી પર થઈ તૃણ કે મણિ, સોનું કે માટીનું ઢેકું, શત્રુ કે મિત્ર, અનુકૂળતા કે પ્રતિકૂળતા, સુખ કે દુઃખ સર્વ પ્રત્યે સમાન
બુદ્ધિ કેળવી, હું પણ સાધુઓની જેમ સમતાનું સુખ ભોગવીશ. * ક્યારે હું પણ ગજસુકુમાલ, અવંતીસુકુમાલ આદિ મહામુનિઓની જેમ
સ્મશાનમાં કાઉસ્સગ્ગ ધ્યાને સ્થિર થઈ આત્મભાવમાં રમીશ.” . રાત્રિની નિરવ શાંતિમાં સ્વસ્થ મનથી આવી ભાવનાઓ દ્વારા ઉત્તમ સંયમજીવનનું ધ્યાન કરશો તો એક દિવસ તમારા કર્મો નાશ પામશે અને તમો પણ સંયમના સ્વાધીન સુખનો આસ્વાદ લઈ શકશો.
આ રીતે સંયમની ઉપાદેયતાથી હૈયાને વાસિત કરશો ત્યારે કદાચ પાછો મોહનો ઉછાળો આવશે કે મોહાધીન સ્વજનનો ઇન્કાર થશે ત્યારે તમારું મન નબળું પડી જશે. મન પર માઠા વિચારો સવાર થશે. એવું થશે કે, “મારું શરીર નબળું છે, મારી પાસે મનોબળ નથી, બુદ્ધિ નથી, સત્ત્વની ખામી છે. દીક્ષા લઈને હું સારી રીતે પાળી નહિ શકું તો ? શરીરનો સાથ નહિ મળે તો ? . ગુરુ ભગવંત કે ગ્રુપ સાથે મેળ નહિ મળે તો ? વળી દેશ-કાળ પણ યોગ્ય નથી માટે દીક્ષા લેવા જેવી ખરી પણ આ ભવમાં મારા માટે શક્ય નથી.' તમે આવા નબળા વિચારો કરી મોહને તાબે ન થતાં, સાત્વિક બનજો. હકીકતમાં આવા જ શરીરથી, આ જ મનોબળથી અને આટલા જ સત્ત્વથી પણ જો તમે સંયમ જીવનનો સ્વીકાર કરશો તો ઘણી કર્મનિર્જરા સાધી શકશો. સાથે સાથે એવો પુણ્યબંધ પણ થશે કે, ભવિષ્યમાં નિરતિચાર સંયમ પાળી શકાય તેવું મનોબળ અને શરીરબળ મળશે. તે માટે યોગ્ય હોય એવા દેશ અને કાળ પણ મળશે અને શ્રેષ્ઠ કક્ષાના ગુરુનો પણ ભેટો થશે. તેથી દઢ સંકલ્પ કરજો કે, સંયમ આ ભવમાં જ અને બને તેટલું વહેલું જ લેવું છે; પરભવમાં કે વૃદ્ધાવસ્થામાં નહિ.
તમે આ રીતે સતત સંયમના ભાવમાં રમશો તો સંસારમાં રહેવા છતાં પણ અને પાપ પ્રવૃત્તિ કરવા છતાં પણ, તમારા અનુબંધ શુભ બંધાશે અને અનેક પુણ્યાત્માઓની જેમ તમે પણ સદ્ગતિની પ્રાપ્તિ થાય તેવું પુણ્ય બાંધી, એક દિવસ વાસ્તવિક ચારિત્રનો પરિણામ પ્રાપ્ત કરી, નિર્મોહી બની, સદા માટે મોહના બંધનો તોડી, મોક્ષના નિર્ટન્દ્ર સુખને માણી શકશો. તેથી તે શ્રાવકો ! સંયમજીવન તો સ્વીકારશો ત્યારે ખરું, પણ અત્યારથી સદા તેના ભાવમાં રમતા રહેજો.