________________
મનહ જિણાણ-સક્ઝાય”
૧૦૫
વિવેકબુદ્ધિ કેળવવાની છે, પરંતુ લોકો શેને સારું કહે છે, ઇન્દ્રિયોને શું અનુકૂળ આવે છે કે, પોતાનાં માન-પાન આદિ પૌદ્ગલિક સમીકરણોના આધારે સારાખોટાનો વિવેક કરવાનો નથી.
૨૮, સંવર - સંવરભાવ ધારણ કરો - આવતાં કર્મને અટકાવો.
જે વિચાર કે આંતરિક ભાવથી કર્મો આવતા અટકી જાય તેને સંવર કહેવાય છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના કારણે જીવમાં જ્ઞાનાવરણીય આદિ સાત કર્મોનો આશ્રવ (આગમન) સતત ચાલુ રહે છે. સમ્યગ્દર્શન આદિ ગુણો દ્વારા તે કર્મોના આશ્રવને અટકાવવો તે સંવર ભાવ છે. સંપૂર્ણ સંસારનું સર્જન આશ્રવથી થાય છે અને તેનું વિસર્જન સંવરથી થાય છે. જેમ નાવમાં એક કાણું પડી જાય તો તેમાંથી પાણી અંદર પ્રવેશી નાવને ડૂબાડી દે છે અને તે જ કાણું જો પૂરી દેવામાં આવે તો નાવ સમુદ્રથી પાર ઊતારી દે છે, તેમ સંવરભાવ દ્વારા જો આવતાં કર્મોને અટકાવવામાં આવે તો સાધક સંસાર સાગરની પેલે પાર પહોંચી જાય છે અને સંવરભાવ વિના જીવ ઇચ્છે કે ન ઇચ્છે તો પણ તેને સતત કર્મના વિપાકથી સંસારમાં દુઃખની પરંપરા પ્રાપ્ત થયા જ કરે છે.
આથી જ સક્ઝાયકાર મહર્ષિ ભવભીરુ શ્રાવકોને કહે છે કે, “તમે આશ્રવને અટકાવો, સંવરભાવને ધારણ કરો. આશ્રવને રૂંધવા તેના કારણો ઓળખો. કર્મના આગમનમાં મુખ્ય કારણો છે. ઇન્દ્રિયો, કષાયો, અવ્રત, મન, વચન, કાયાના યોગો અને વિવિધ પ્રકારની ક્રિયાઓ. આશ્રવનાં આ સર્વ કારણોને પરમકૃપાળુ પરમાત્માએ સર્વથા હેય તરીકે વર્ણવ્યાં છે. આ વચન ઉપર દૃઢ શ્રદ્ધા કેળવી તેના સેવનથી દૂર રહો. ઉપરાંત જેને પરમાત્માએ અત્યંત ઉપાદેય કહ્યો છે તેવા સંવરનું સેવન કરો.
આશ્રવને અટકાવવા પ્રથમ તો પ્રભુનાં વચનોથી વાસિત બની મન-વચનકાયાની પ્રવૃત્તિઓ અને ઇન્દ્રિયોને કાબૂમાં લો. અશુભ સ્થાનમાંથી તેને વાળી, શુભસ્થાનમાં પ્રવર્તાવો. તે માટે સમિતિ-ગુપ્તિનું પાલન કરો. ક્ષુધા-તૃષા, શીતઉષ્ણ આદિ બાવીસ પ્રકારના પરિષહોને સામેથી ઊભા કરી તેને શાંત ભાવે સહર્ષ સહન કરો. ક્ષમા, નમ્રતા, સરલતા, સંતોષ આદિ દશ પ્રકારના યતિધર્મને સ્વીકારી તથા ચિત્તને અનિત્ય, અશરણ આદિ બાર ભાવનાઓથી ભાવિત કરી તમે કદાગ્રહ અને કષાયોની કનડગતથી જાતને મુક્ત કરો.
બધું જ જીતવું સહેલું છે પણ મનને જીતવું અઘરું છે. સંસારમાં રહેવું અને ચિત્તવૃત્તિને કષાયોની કાલિમાથી મલિન ન થવા દેવી એ મીણના દાંતે લોઢાના