________________
૧૦૨
સૂત્ર સંવેદના-૬
આવતા અટકાવવા કે, ઉદયમાં આવેલાને નિષ્ફળ કરવા તેને ઉપશમભાવ કહેવાય છે. આ ઉપશમભાવનું સુખ તે જ વાસ્તવિક સુખ છે, તે જ સાચો આનંદ છે. પ્રાપ્ત થએલા આંશિક પણ ઉપશમભાવના કારણે જ સાધક વર્તમાનમાં પણ સર્વ અવસ્થામાં સુખી રહી શકે છે.
આ જ કારણથી સજ્ઝાયકાર મહર્ષિ વાસ્તવિક સુખને ઈચ્છતા શ્રાવકને કહે છે કે, “સૌ પ્રથમ તમે કષાયોને શાંત કરો. તેને ઉદયમાં આવતાં અટકાવો. તેના કુસંસ્કારોને નાબૂદ કરો. જેથી ગમે તેવાં નિમિત્તો વચ્ચે પણ તમે સ્વસ્થ રહી સુખી થઈ શકો અને તમારી સાથે રહેનાર પણ સુખી થઈ શકે. જો કષાયોનો ઉપશમ નહિ કરો તો નાનું પણ નિમિત્ત મળતાં તમે ઉકળી ઊઠશો. કષાયને આધીન બની તમે ય દુ:ખી થશો અને બીજાને પણ દુ:ખી કરી કર્મબંધના ભાગીદાર બનશો. કષાયોથી બચવા મનને સતત સમજાવો કે, ‘જે કાંઈ ખોટું થાય છે. તે મારા કર્મના કારણે છે. ભૂતકાળમાં ભૂલ કરી મેં જ આવાં કર્મ બાંધ્યાં હતાં. તે જ આજે વર્તમાનમાં ઉદયમાં આવ્યાં છે એટલે આ સર્વ ગોઠવણ મારી જ છે, કોઈ મને માન આપે કે કોઈ મારું અપમાન કરે, કોઈ મારી સાથે સારો વ્યવહાર કરે કે ખરાબ વ્યવહાર કરે, તેમાં વાંક તે વ્યક્તિનો નથી. વાંક મારાં કર્મનો છે. માટે મારે અપમાન કરનાર કે પ્રતિકૂળ વર્તન કરનાર સામી વ્યક્તિ ઉપર ગુસ્સો કરવા કરતાં મારાં કર્મ ઉપર ગુસ્સો કરવો જોઈએ. કર્મ કરતાં પણ જે દોષના કારણે મેં કર્મ બાંધ્યાં છે તે દોષ ઉપર રોષ કરવો અતિ ઉત્તમ છે.
જે કોઈ સુખ-સગવડ કે સન્માન આદિ મળે છે તે પણ પૂર્વભવમાં કરેલા સત્કાર્યનું ફળ છે. દેવ-ગુરુની આજ્ઞા પાળવાનું પરિણામ છે. કર્મનો સુખદ ખેલ ક્યારે ખતમ થશે તે પણ કહી શકાય તેમ નથી. માટે આ સુખ કે સગવડતામાં લેશ પણ રાગ-રિત કે કે માનાદિ ભાવો કરવા જેવા નથી. ક્યાંક જો દેવ-ગુરુની કૃપાથી મળેલ સુખસાહ્યબીમાં માન કર્યું તો પુન: નવાં કર્મો બંધાશે અને પુનઃ દુઃખી થવું પડશે.’ આવું વિચારી અનુકૂળતામાં ન રાગ કરવો કે ન આનંદમાં આવી જવું અને પ્રતિકૂળતામાં ન દ્વેષ કરવો કે ન દુઃખી થવું, પરંતુ સર્વત્ર ઉપશમ ધારી પ્રસન્ન રહેવું.
ન
કષાયોની જેમ નોકષાયો પણ ઈષ્ટ અનિષ્ટ વસ્તુ કે વ્યક્તિનો સંયોગ થતાં રતિ-અતિરૂપે ઉદયમાં આવી શકે છે. આ નોકષાયના ભાવને પણ અટકાવવા તમો પહેલેથી સજાગ રહેજો. તમારા મનને પહેલેથી સમજાવીને રાખજો કે ‘આ જગતમાં કોઈ વસ્તુ કે વ્યક્તિ વાસ્તવમાં સારી પણ નથી કે ખરાબ પણ નથી.’