________________
ઉપસંહારની ધર્મારાધના
૨૩૯
ગાથાર્થ :
(આ રીતે) કેવલી ભગવંતે પ્રરૂપેલા તે શ્રાવકધર્મની આરાધના કરવા માટે ઊભો થયો છે, તેની ખંડનાથી હું વિરામ પામ્યો છું અને ત્રણ પ્રકારે થતી પાપપ્રવૃત્તિનું પ્રતિક્રમણ કરતો હું (મંગલ નિમિત્તે) ચોવીસે જિનને વંદના કરું છું. વિશેષાર્થ :
પ્રતિક્રમણની ક્રિયામાં અહીં સુધી આ સૂત્ર ગોદોહિકા આસને બેસીને બોલાય છે. આ મુદ્રા લક્ષ્ય વીંધવા સજ્જ થયેલા સૈનિક જેવી છે. જેમ યુદ્ધમાં રહેલો સૈનિક આ મુદ્રામાં બેસી ધનુષ ઉપર બાણ ચડાવી શત્રુ ઉપર પ્રહાર કરે છે, તેમ મોહ સામે સંગ્રામ કરવાની ઇચ્છાવાળો શ્રાવક, આ મુદ્રામાં બેસી ગણધરભગવંતના બનાવેલા આ સૂત્રરૂપ ધનુષને હાથમાં લઈ, તેના એકેક પદના ભાવરૂપ બાણને ધનુષ સાથે જોડી, મોહના એક એક સૈનિક ઉપર પ્રહાર કરે છે. અંતરંગ શત્રુઓને ખોખરા કરી, આત્માને નિર્મળ કરી, કાંઈક વિજયને વરેલો શ્રાવક, હવે વિશેષ આરાધના માટે ઊઠે છે, અને ઊઠતાં ‘ભુગો' પછીનાં પદોનું ઉચ્ચારણ કરે છે.
तस्स धम्मस्स केवलि पन्नत्तस्स अब्भुट्टिओ मि आराहणाए - કેવલી ભગવંતે બતાવેલા તે ધર્મની આરાધના માટે હું ઊભો થયો છું.
ધર્મના મૂળ પ્રરૂપક સર્વજ્ઞ અને સર્વદર્શી અરિહંત પરમાત્મા છે. તેમણે સાધુધર્મ અને શ્રાવકધર્મ એમ બે પ્રકારનો ધર્મ બતાવ્યો છે. તેમાં સમ્યકત્વ મૂળ બાર વતનો ગુરુભગવંત સમક્ષ સ્વીકાર કરવો તે શ્રાવકધર્મ છે.
શ્રાવકધર્મનો સ્વીકાર કર્યા પછી તેને અણીશુદ્ધ પાળવાની શ્રાવકની ઇચ્છા હોય છે, તોપણ મોહાંધીનતાથી વ્રતમાં મલિનતા આવવાની સંભાવના રહે છે. વ્રતમાં આવેલી મલિનતાઓને પ્રતિક્રમણથી દૂર કરી શુદ્ધ થયેલો શ્રાવક હવે વિચારે છે કે “કેવલી ભગવંતે જણાવેલો અને મેં સ્વીકારેલા આ ધર્મની આરાધના માટે હું ઊભો થયો છું, અર્થાત્ તેના નિરતિચાર પાલન માટે તત્પર બન્યો છું. હવે પછી આ વ્રતોમાં કોઈ દૂષણ ન લાગી જાય તે માટે પ્રમાદનો ત્યાગ કરી અત્યંત સાવધ બન્યો છું.”
विरओ मि विराहणाए तिविहेण पडिक्कतो, वंदामि जिणे चउव्वीसं - વિરાધનાથી હું વિરામ પામ્યો છું. મન, વચન, કાયા દ્વારા પાપથી નિવૃત્ત થતો, (મંગલ નિમિત્તે) હું ચોવીશ જિનને વંદન કરું છું.