________________
સમ્યગ્દષ્ટિનું પ્રતિક્રમણ
૨૩૫
૩ - વંદન :
ભૌતિક સ્વાર્થ જેનાથી સરે છે, તેવાને નમન-વંદન કરવા દ્વારા જીવે અનંતાં કર્મો બાંધ્યા છે. આ કર્મોને કાઢવાનો ઉપાય છે આત્મિક સુખનો માર્ગ બતાવનારા સદ્ગુરુ ભગવંતોને વંદન. આ કારણથી શ્રાવક આવા ગુણવાન ગુરુ ભગવંતોને નમન-વંદન કરે છે. તે દ્વારા સંસારી જીવો પ્રત્યેના સદ્ભાવથી કે નમસ્કાર આદિ કરવાથી બંધાયેલાં કર્મોનો નાશ કરે છે.
૪ - પ્રતિક્રમણ :
વ્રત-નિયમની મર્યાદાના ઉલ્લંઘનથી જે પાપકર્મનો બંધ થયો છે, તે પાપકર્મો પ્રતિક્રમણની ક્રિયાથી નાશ પામે છે. આ ક્રિયામાં આવતાં પ્રત્યેક સૂત્રો તેના અર્થની વિચારણાપૂર્વક ઉચ્ચારવામાં આવે, તો તે સમયે અંત૨માં એવા ભાવો પ્રગટે કે દિવસ દરમ્યાન કરેલાં પાપોની સ્મૃતિ થાય, તે પાપો પ્રત્યે તિરસ્કાર ભાવ પેદા થાય અને તેનાથી તે પાપો સમૂળ નાશ પામે.
૫. કાયોત્સર્ગ :
અશુભ સ્થાનમાં પ્રવર્તતા મન, વચન, કાયાના વ્યાપારોને અટકાવી શુભમાં સ્થિર કરવા તે કાયોત્સર્ગ આવશ્યક છે. આ કાયોત્સર્ગની ક્રિયા દ્વારા અશુભ મન, વચન, કાયાના યોગોથી બંધાયેલાં કર્મો નાશ પામે છે.
૭. પચ્ચક્ખાણ :
પચ્ચક્ખાણ', ભવિષ્યમાં પાપ ન કરવાના નિયમરૂપ છે, માટે ભવિષ્યમાં થનારા પાપને અટકાવે છે.
આ રીતે છ આવશ્યકની ક્રિયાથી શ્રાવક વિવિધ પ્રકારે ઘણાં પાપકર્મોનો નાશ કરી શકે છે.
આ ગાથા બોલતાં શ્રાવક વિચારે કે—
“જૈનશાસનની કેવી બલિહારી છે ! ભગવાને સૂચવેલી આ એક ક્રિયામાં કેવી શક્તિ છે ! ભલે મારાથી ઘણાં પાપ થઈ ગયાં છે, તો પણ હતાશ થવાની જરૂર નથી; પરંતુ પ્રયત્નપૂર્વક પ્રતિક્રમણ કરીશ તો મારાં સર્વ પાપો કરવાના સંસ્કારો નાશ થઈ જશે, પણ તે ત્યારે જ શક્ય બનશે કે જ્યારે હું ભાવથી શ્રાવક હોઈશ અને ભાવપૂર્વક પ્રતિક્રમણ કરતો હોઈશ. આ બન્ને માટે મારે દેવ-ગુરુની કૃપા પામી પ્રયત્ન કરવા જેવો છે. જેથી હું પરંપરાએ પણ સંપૂર્ણ શુદ્ધ બની શકું”
1. આ ઉપરાંત છ આવશ્યક વિષયક સમજ ભૂમિકામાં પણ આપેલ છે.