________________
આઠમું વ્રત
જન્માંતરને માનતો હોય તેને ‘જન્માંતરમાં પણ મને અનુકૂળ વિષયોભોગસામગ્રી, ધન વગેરે સમૃદ્ધિ મળો' એવી વિચારધારામાંથી ‘નિદાનચિંતા' નામનું આર્તધ્યાન આવે છે.
૧૫૯
(બ) રૌદ્રધ્યાન :
ભયંકર કે ક્રૂરતાવાળા ધ્યાનને રૌદ્રધ્યાન કહેવાય છે. જે ધ્યાનમાં અશુભ ધ્યાનની માત્રા એટલી ક્લિષ્ટ અને હીન કક્ષાની થાય કે હિંસા, જૂઠ, ચોરી આદિનાં પાપોની વિચારધારા પણ શરૂ થાય, તે નિમ્નકક્ષાના ધ્યાનને રૌદ્રધ્યાન કહેવાય છે. તેના પણ ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે -
:
(૧) હિંસાનુબંધી રોદ્રધ્યાન ઃ જો કોઈ પોતાના સુખમાં વિઘ્ન કરે તો તેને કેમ પૂરો કરવો ? તેને આ માર્ગમાંથી કેમ ફેંકી દેવો ? આવી અધમ વિચારણામાં મનને વ્યાપ્ત રાખવું તે ‘હિંસાનુબંધી' રૌદ્રધ્યાન છે.
(૨) મૃષાનુબંધી રોદ્રધ્યાન : પોતાનું સારું દેખાડવા, સ્વાર્થ પૂરો ક૨વા, સામી વ્યક્તિનું શું થશે ? તેનો વિચાર કર્યા વિના, ગમે તેવું ખોટું બોલવામાં મનનું એકાગ્ર ચિંતન તે ‘મૃષાનુબંધી' રૌદ્રધ્યાન છે.
(૩) સ્તેયાનુબંધી રોદ્રધ્યાન : અન્યની′ જરૂરીયાતનો વિચાર કર્યા વિના, પોતાનો પટારો ભરવાં, અતિલોભને વશ થઈ ૫૨દ્રવ્યનું હરણ કરવા કે રાજ્યના ટેક્સ વગેરે ન ભરવા સંબંધી મનની એકાગ્રપણે ચાલતી વિચારણા તે ‘સ્તેયાનુબંધી’ રૌદ્રધ્યાન છે.
(૪) સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન: શબ્દાદિક વિષયોનાં સાધનો તથા ધનના રક્ષણની ચિંતા કરવી, દરેક ત૨ફથી તેના હરણની શંકા કરવી અને હરનારને મારી નાંખવાના ક્રૂર વિચારોમાં ચિત્તને એકાગ્ર બનાવી દેવું, એ ‘સંરક્ષણાનુબંધી’ રૌદ્રધ્યાન છે.
રાગ, દ્વેષ અને મોહના વિકારવાળા જીવોને આ ચારે પ્રકારના આર્તધ્યાન અને રૌદ્રધ્યાન સંભવી શકે છે. તેમનું આ આર્ત્તધ્યાન તથા રૌદ્રધ્યાન તેમને માટે અનુક્રમે તિર્યંચગતિ અને નરકગતિનું કારણ બને છે.
અનુકૂળતાના અર્થી જીવો માટે આર્તધ્યાનથી બચવું અતિ કપરું છે. વળી મન અતિ ચંચળ છે. મનનું નિયમન ભલભલા ભડવીરોને પણ ભારે પડે તેવું હોય છે. આ જ કારણથી આર્તધ્યાનમાંથી ઘણી વાર રૌદ્રધ્યાનની પણ સંભાવના રહે છે.