________________
13
નાદુરસ્ત તબિયતમાં પણ પ.પૂ. રોહિણાશ્રીજી મ.સા.ના સમુદાયના પૂ. ચંદનબાલાશ્રીજી મ.સાહેબે પણ મને ઘણીવાર પ્રેરણા અને પ્રુફરીડીંગના કાર્યમાં સારી એવી સહાય કરી છે.
વિશિષ્ટ ક્ષયોપશમવાળી વ્યક્તિ માટે લખાણનું કાર્ય ઘણું સહેલું હોય છે. તેઓ તો લેખીની લઈને બેસે અને સુંદર લેખો આલેખી શકે છે, પરંતુ ક્ષયોપશમના અભાવના કારણે મારા માટે આ કાર્ય સહેલું ન હતું. અંતરમાં ભાવોના ઝરા તો સતત ફૂટ્યા કરે પરંતુ મારા ભાષાકીય જ્ઞાનની મર્યાદાને કારણે આ ભાવોને શબ્દમાં ઢાળવાનું કામ મારા માટે ઘણું કપરું હતું તો પણ જિજ્ઞાસુ સાધ્વીજી ભગવંતોની સહાયથી અને ભાવુક બેનોની સતત માંગથી અને ભાવુક બેનોની સતત માંગથી યથાશક્તિ મેં લખાણ કરવા યત્ન કર્યો છે.
પૂર્વે હું જણાવી ચૂકી છું કે આ પુસ્તકમાં જણાવેલા ભાવો પૂર્ણ નથી. ગણધર રચિત સૂત્રના અનંતા ભાવોને સમજવાની પણ મારી શક્તિ નથી તો લખવાની તો શું વાત કરું. તો પણ શાસ્ત્રના સહારે હું જેટલા ભાવોને જાણી શકી છું, તેમાંના કેટલાક ભાવોને સરળ ભાષામાં આ પુસ્તકમાં સુબદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે. જ્ઞાનની અપૂર્ણતા અને અભિવ્યક્તિની અનિપુણતાને કારણે મારું આ લખાણ સાવ ક્ષતિ મુક્ત કે સર્વને સ્પર્શે તેવું જ હશે, તેવો તો હું દાવો કરી શકું તેમ નથી. તો પણ એટલું તો જરૂર કહીશ કે આમાં આલેખાયેલા ભાવોને હૃદયસ્થ કરી જેઓ પ્રતિક્રમણની ક્રિયા કરશે તેનું પ્રતિક્રમણ પૂર્વ કરતાં સારું તો થશે જ.
ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કે સૂત્રકારના આશય વિરુદ્ધ જે કાંઈ લખાયું હોય તે માટે હું ‘મિથ્યા દુષ્કૃત' માંગુ છું. સાથે જ અનુભવી બહુશ્રુતોને પ્રાર્થના કરું છું કે તેમની દૃષ્ટિમાં જે કોઈ ક્ષતિ દેખાય તે વિના સંકોચે મને જણાવે.
પ્રાંતે મારી એક અંતરની ભાવના વ્યક્ત કરું કે આપણે સૌ આ પુસ્તકના માધ્યમે માત્ર પ્રતિક્રમણના અર્થની વિચારણા કરવામાં પર્યાપ્તિનો અનુભવ ન કરીએ, પણ તેના દ્વારા અનાદિકાળથી ઘર કરી ગયેલી પાપવૃત્તિનો કુસંસ્કારોનો નાશ કરી શીઘ્ર આત્મ કલ્યાણ સાધીએ.
ભા. સુ. ૧૪ ૨૦૬૨
તા. ૭-૯-૨૦૦૬
૪૬, વસંતકુંજ સો. અમદાવાદ.
પરમ વિદૂષી ૫.પૂ. ચંદ્રાનનાશ્રીજી મ.સા.ના શિષ્યા સા. પ્રશમિતાશ્રીજી