________________
લાવવા જ પ્રભુની અગમ્ય કૃપાએ જ મને પંચવસ્તુ ગ્રંથ જોવાની ભાવના જગાડી. અમો સર્વે સાથે મળી આ ગ્રંથ જોતાં હતા. તેમાં વ્રતોના વર્ણન વખતે એક શિષ્યએ મારા જેવી જ મૂંઝવણ વ્યક્ત કરી. સમર્થ શાસ્ત્રકાર પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે ત્યાં એક ખૂબ સુંદર સૂલઝણ આપી. તેઓનું કહેવું હતું કે, આમ તો ઘણાં અતિચારવાળું વ્રત મોક્ષ આપવા સમર્થ નથી બનતું; તો પણ જો સુવિશુદ્ધ વ્રત પાળવાની અંતરની ભાવના હોય, તે માટે યથાશક્તિ અને યથામતિ પ્રયત્ન ચાલુ હોય, છતાં પણ જ્યારે પ્રમાદાદિ કુસંસ્કારોને કારણે કોઈ દોષ લાગી જાય તો સાધક અંતરના તીવ્ર પશ્ચાત્તાપપૂર્વક તેને દૂર કરી પુનઃ વ્રતને સુવિશુદ્ધ બનાવી શકે છે. સાધકની આવી ભાવના હોય, તો તે વ્રતસંબંધી થયેલા દોષોનું સમ્યફ પ્રકારે આલોચન કરે, આત્મસાક્ષીએ પુનઃ પુનઃ તે દોષની નિંદા કરે, સરળભાવે ગુરુભગવંત સમક્ષ તે પાપની ગહ કરે અને તેના પ્રાયશ્ચિત રૂપે જ પ્રતિક્રમણની પ્રક્રિયા કરે. આ રીતે સાધક વ્રત સંબંધી અશુદ્ધિઓને દૂર કરી સુવિશુદ્ધ વ્રત પાલન દ્વારા ચોક્કસ પ્રકારે આત્માનો આનંદ માણી શકે છે.
“પંચવસ્તુની આ વ્રતશુદ્ધિની વાત વાંચીને, વર્ષોની મૂંઝવણનો અંત આવતાં મારું મન નાચી ઊઠયું. આત્માને કોઈ નવીન જ આનંદની અનુભૂતિ થઈ અને જૈન શાસન પર હૈયુ ઓવારી ગયું. જૈન શાસ્ત્રોની કેવી મહાનતા કે તેમણે આત્મ કલ્યાણ અર્થે માત્ર વ્રત-નિયમો દર્શાવ્યા તેમ નહિ. પરંતુ છદ્મસ્થપણાને કારણે સતત દોષોથી મલિન બનતાં વ્રતોને શુદ્ધ કરવા માટે પ્રતિક્રમણ જેવો વ્રતશુદ્ધિનો માર્ગ પણ બતાવ્યો છે. સાચે માર્ગદતા અરિહંતની આ જ તો કરુણા છે. આ કરુણાના સ્રોતમાંથી જ “વંદિત્ત સૂત્રનું પ્રગટીકરણ થયું હોય તેમ લાગે છે.
પરમ કૃપાળુ પરમાત્માની વાણીને ગણધર ભગવંતોએ સૂત્રબદ્ધ કરી. શ્રતધરોની ઉજળી પરંપરા દ્વારા આ સૂત્ર તો આપણને સાંપડ્યું, પરંતુ તેના એક-એક શબ્દ પાછળ છુપાયેલા ઊંડા ભાવો સુધી પહોંચવાનું કામ સહેલું ન હતું. આ સૂત્ર ઉપર સંસ્કૃત ભાષામાં રચાયેલ અનેક ટીકા ગ્રંથોના સહારે આ ભાવોને પામવા અને અનેક જિજ્ઞાસુઓને તે ભાવ સુધી પહોંચાડવા આ પુસ્તકના માધ્યમે મેં યથાશક્તિ પ્રયત્ન કર્યો છે. તેમ કરવામાં મને નામી-અનામી અનેક લોકોનો સહકાર મળ્યો છે. આ અવસરે તે સર્વના ઉપકારોની સ્મૃતિ તાજી થાય છે. - સૌ પ્રથમ ઉપકાર તો ગણધર ભગવંતોનો કે જેમણે આપણા જેવા અલ્પમતિ જીવો માટે ગૂઢ રહસ્યોથી ભરેલા સૂત્રો બનાવ્યા. ત્યાર પછીનો ઉપકાર છે પૂર્વાચાર્યોનો કે જેમણે આ સૂત્રોના રહસ્યો સુધી પહોંચવા તેના ઉપર અનેક ટીકા ગ્રંથો બનાવ્યા. આ