________________
૩૭
નારંમિ દંસણમિ સૂત્ર પાલન કરવું અનિવાર્ય બને છે. પાંચે આચારોમાં વ્યાપક એવા વીર્યાચારનું વર્ણન આઠમી ગાથામાં છે.
આ રીતે આઠ ગાથાથી બનેલા આ સૂત્રના માધ્યમે પાંચે આચારોને જાણવા જોઈએ. જાણીને તેને શક્તિ અનુસાર બરાબર આરાધવા-પાળવા જોઈએ. જેમ જેમ આ આચારોનું પાલન થશે, તેમ તેમ આત્મિક ગુણો વૃદ્ધિમાન અને નિર્મળ થશે, અન્યથા તેમાં મલિનતા આવી જશે.
આ મલિનતાને ટાળવા માટે સાધક પ્રતિક્રમણ કરતી વખતે કાયાને સ્થિર કરી, મૌન ધારણ કરી, મનને એકાગ્ર કરી, કાયોત્સર્ગમાં આ સૂત્રના પ્રત્યેક પદ ઉપર ઊંડું આલોચન કરે છે. દિવસભરની પ્રવૃત્તિ ઉપર દૃષ્ટિપાત કરે છે અને ક્યાં આ આચારો ચુકાયા કે વિપરીત આચરાયા તેને યાદ કરે છે. જ્યાં દોષની સંભાવના જણાય છે, તેને ધારી રાખે છે અને પ્રતિક્રમણના તે તે અવસરે તે તે દોષો પુન: ન લેવાય તેવા ભાવપૂર્વક, તે દોષોથી મુક્ત થવા યત્ન કરે છે.
આ સૂત્રમાં બતાવેલા પાંચ આચારોના એક એક પેટા પ્રકારને જણાવવા માટે પણ મહાપુરુષોએ અનેક ગ્રંથો લખ્યા છે. જેમ કે, અનશન નામના તપની સમજ માટે પચ્ચખાણભાષ્ય, ધ્યાન માટેની વિગતને જણાવવા માટે ધ્યાનશતક, કાયોત્સર્ગની સમજ માટે કાયોત્સર્ગનિર્યુક્તિ વગેરે સંસ્કૃત-પ્રાકૃતમાં અનેક ગ્રંથો રચાયેલા છે અને ગુજરાતી વગેરે ભાષામાં પણ અનેક પુસ્તકો લખાયેલાં છે. આ સૂત્રમાં તો દરેક આચારની વાતો ખૂબ જ સંક્ષેપમાં જણાવી છે, વિશેષ જાણવાની ઈચ્છાવાળા સાધકોએ આચારપ્રદીપ વગેરે તે તે ગ્રંથોમાંથી જોવું.
આ ગાથાઓ શ્રીભદ્રબાહુસ્વામીજીએ રચેલી દશવૈકાલિકની “નિર્યુક્તિ'માં મળે છે. તેના ઉપર તાર્કિક શિરોમણિ પ. પૂ. આ. શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજાની ટીકા પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઉત્તરાધ્યયનસૂત્રની ત્રણ ગાથાઓ પણ આ સૂત્રની ૩, ૬ અને ૭મી ગાથાને મળતી આવે છે.