________________
૧૫૬
સૂત્રસંવેદના-૩
પરિણામ જીવને ખબર પણ ન પડે તે રીતે શલ્ય=કાંટાની જેમ પીડે છે, તેથી તેને ‘મિથ્યાત્વશલ્ય’ કહેવાય છે.
મિથ્યાત્વના કારણે ઉત્પન્ન થયેલા વિપર્યાસને લીધે જીવો આત્મા, પુણ્ય, પાપ, પરલોક આદિ પદાર્થો જે સ્વરૂપે છે, તે સ્વરૂપે સ્વીકારી શકતા નથી, અથવા આત્માદિ પદાર્થો દેખાતા નથી, માટે તે છે જ નહીં, તેવું માને છે.
જન્મથી મળેલું શરીર અને આત્મા ખરેખર જુદા છે; તોપણ મિથ્યાત્વના કારણે આ ભવ પૂરતું સાથે રહેનાર શરીર તે જ હું (આત્મા) છું, તેમ જીવો માને છે. આથી જીવો શરીરને સાચવવા, સારું રાખવા, સુડોળ બનાવવા અને સજાવવા હિંસાદિ અનેક પાપો કરે છે અને પોતાની જાતની સ્વઆત્માની ઉપેક્ષા કરે છે, તેના સુખ-દુ:ખની વિચારણાં પણ કરતા નથી. કર્મથી અવરાઈ ગયેલ તેની જ્ઞાનાદિ ગુણસંપત્તિને પ્રગટ કરવા પ્રયત્ન પણ કરતા નથી અને આત્માને સુખ આપનાર ક્ષમાદિ ગુણોને મેળવવા મહેનત પણ કરતા નથી.
વળી, જીવને જે કાંઈ સુખ-દુઃખની પ્રાપ્તિ થાય છે, તે તેના કર્માનુસારે પ્રાપ્ત થાય છે. તોપણ મિથ્યાત્વના ઉદયના કારણે જીવ સુખ-દુ:ખના કારણરૂપ સ્વકર્મની વિચારણા છોડી, બાહ્ય નિમિત્તોને સુખ-દુઃખનું કારણ માની, તેના પ્રત્યે માયા પૂર્વક રાગ-દ્વેષ કેળવે છે.
આ જગતના કોઈપણ ભૌતિક પદાર્થમાં એવી શક્તિ નથી કે જે જીવને સુખ કે દુઃખ આપી શકે. માત્ર જીવો જેમાં સુખની કલ્પના કરે છે તેમાં તેમને સુખનો ભ્રામિક અનુભવ થાય છે અને જેમાં જીવો દુઃખની કલ્પના કરે છે તેમાં તેમને દુ:ખનો ભ્રમ થાય છે. વાસ્તવમાં તો સુખ અને દુ:ખ તે સામગ્રીમાં નથી, પણ જીવની પોતાની કલ્પનામાં છે. છતાં મિથ્યાત્વના ઉદયના કારણે જીવ કાલ્પનિક, ભૌતિક સુખને મેળવવા અને કાલ્પનિક દુઃખને ટાળવા હિંસા, જૂઠ, ચોરી આદિ પાપો કરતાં પણ ખચકાતો નથી. પોતાના આવા આચરણનું ભવિષ્યમાં કેવું વિપરીત પરિણામ આવશે, તેનો તે વિચાર પણ કરી શકતો નથી.
વળી, મિથ્યાત્વ નામના પાપને કારણે આત્માને ઓળખાવનાર, સાચા સુખનો રાહ બતાવનાર સુદેવ, સુગુરુ અને સુધર્મને પણ જીવ સ્વીકારતો નથી, અને ભૌતિક ભ્રામક સુખનો રાહ બતાવનાર કુદેવ, કુગુરુ અને કુધર્મ તરફ તે દોડી જાય છે. કોઈક પુણ્યોદયે વિચત્ સુગુરુ આદિની પ્રાપ્તિ થાય ત્યારે તેમની પાસેથી પણ