________________
૧૪૬
સૂત્રસંવેદના-૩
ક્રિયારૂપી ચંદ્રને કલંકિત કરવા માટે રાહુ સમાન છે, દુર્ભાગ્યનું કારણ છે અને આધ્યાત્મિક સુખ માટે ભુંગળ-અર્ગલા સમાન છે. આથી જ સાધકે સરળતા ગુણનો સહારો લઈ, સ્વજીવનમાં પ્રવર્તતી સૂક્ષ્મમાં સૂક્ષ્મ પણ માયાને ઓળખી, તેમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરવો જોઈએ.
માયા કરવાનું જ્યારે પણ મન થાય ત્યારે યાદ રાખવું કે માયાનું સેવન કરવાથી લક્ષ્મણા સાધ્વીજી અસંખ્ય ભવ ભમ્યાં અને મલ્લિનાથ પ્રભુના આત્માએ પૂર્વના ભવમાં સંયમજીવનમાં તપધર્માર્થે માયા કરી તે કારણે જ તેમને છેલ્લા તીર્થકર તરીકેના ભાવમાં પણ સ્ત્રીપણાની પ્રાપ્તિ થઈ. આ માયા સ્ત્રીવેદ અને તિર્યંચગતિનું કારણ છે. આવી વિચારણાથી જાતને સરલ બનાવી સર્વેએ માયાચારથી દૂર રહેવું જોઈએ.
આ પદ બોલતાં દિવસ કે રાત્રિ દરમ્યાન થયેલી માયાને સ્મૃતિપટમાં લાવી, જાતને ઢંઢોળીને પૂછવું કે ધોળા વાળને કાળા કરાવવાનું, ચહેરા ઉપર લપેડા કરવાનું, બ્યુટી પાર્લરનાં પગથિયાં ચડવાનું વગેરે મન કેમ થાય છે ? આવી નાની પણ સર્વ માયાને યાદ કરી તેની નિંદા, ગર્તા અને પ્રતિક્રમણ કરવાનું છે.
નવમે લોભ પાપનું નવમું સ્થાન “લોભ છે.
લોભ પણ કષાયમોહનીય કર્મના ઉદયથી થનારો આત્માનો વિકારભાવ છે. તૃષ્ણા, અસંતોષ, પદાર્થને મેળવવાની ઈચ્છા, મળ્યા પછી સાચવવાની કે અધિક મેળવવાની કે તેમાં વૃદ્ધિ કરવાની ઈચ્છા, આ બધું લોભરૂપ છે.
અપ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરવાની અને પ્રાપ્ત થયા પછી પણ અધિક અધિક મેળવવાની ઈચ્છા તે લોભરૂપ છે. જેમ કે, લાખ મળે તો કરોડની અને કરોડ મળે તો અબજની ઈચ્છા કરવી એ લોભની વૃત્તિ છે. લોભને કારણે ભાઈ-ભાઈ વચ્ચે, પિતા-પુત્ર વચ્ચે, દેરાણી-જેઠાણી વચ્ચે ઝઘડા થાય છે. લોભને કારણે માનવ મહાઆરંભ મહાસમારંભના વ્યવસાયમાં પણ જોડાય છે.
લોભના સ્વરૂપને સમજાવતાં કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે લોભ“સર્વ દોષોની ખાણ છે, ગુણોને ગળી જવામાં રાક્ષસ તુલ્ય છે, સંકટરૂપ વેલડીના મૂળ જેવો છે અને ધર્મ-અર્થ-કામ અને મોક્ષ ચારે પુરુષાર્થને સાધવામાં બાધા કરનારો છે.
12 . માર: સર્વલોણા, ગુગપ્રસનરાક્ષસ: .
कन्दो व्यसनवल्लीनां लोभः सर्वार्थबाधकः ।।
- યોગશાસ્ત્ર-પ્ર.૪, ગા. ૧૮