________________
વેયાવચ્ચગરાણં સૂત્ર
સૂત્ર પરિચય :
*
આ સૂત્રના તાત્પર્યાર્થ સમજવા માટે આ સૂત્ર કેમ બોલાય છે ? શું સૂચવે છે ? અને કોણ બોલે છે ? તે જાણવું ખૂબ જરૂરી છે. આ વસ્તુ જણાય તો જ સૂત્રનો ભાવાર્થ સમજી શકાય તેવું છે. આ સૂત્ર ઉત્કૃષ્ટ ચૈત્યવંદનની ક્રિયામાં બોલાય છે. ચૈત્યવંદનની ક્રિયા લોકોત્તર કુશલ પરિણામનુંશુભભાવનું કારણ છે. શુભભાવોને પ્રગટ કરવા જ આપણી સમક્ષ રહેલા અરિહંત ભગવંતની, ચોવીશ જિનની અને ત્યાર પછી વર્તમાન ક્ષણમાં પગલે-પગલે પરમ ઉપકારી બનનાર શ્રુતજ્ઞાનની સ્તવના કરવામાં આવે છે. આ સ્તવનાથી પ્રગટેલો આત્મિક આનંદ પ્રકૃષ્ટ કોટિના પુણ્યનો બંધ-અનુબંધ કરાવે છે. આવું પુણ્ય જેણે બાંધ્યું છે, તેવો જીવ ત્યારપછી ઔચિત્યના પાલન માટે આ સૂત્ર બોલીને કાયોત્સર્ગ કરે છે.
સાધક સમજે છે કે, આવા વિષમ સંસારમાં શુભભાવો પ્રગટાવવા અને પ્રગટ થયેલા શુભભાવોને ટકાવવા સહેલા નથી. શુભભાવની આ પ્રવૃત્તિ સેંકડો વિપ્નોથી ભરેલી છે, તોપણ આ શુભભાવમાં જેમ અરિહંત ભગવંતો આદિ કારણ છે, તેમ શુભાનુષ્ઠાનમાં આવતાં વિનોને દૂર કરી શુભભાવોમાં ટકાવી રાખવાનું કામ સમ્યગ્દષ્ટિ દેવો પણ કરે છે, માટે આ પ્રસંગે જૈનશાસનની વેયાવચ્ચે કરનારા, શાંતિ અને સમૃદ્ધિ આપનાર દેવોને યાદ કરવા તે પણ પોતાનું કર્તવ્ય છે. આ રીતે પોતાનું ઔચિત્ય સમજી ઔચિત્યના પાલન માટે આ સૂત્ર દ્વારા સમ્યગ્દષ્ટિ દેવોના કાયોત્સર્ગ માટે પ્રતિજ્ઞા કરાય છે.
આ સૂત્ર દેવવંદન તથા પ્રતિક્રમણની ક્રિયામાં બોલાય છે.