________________
ભૂમિકા
સૃષ્ટિ ઉપર સૌથી મોટો ઉપકાર અરિહંત પરમાત્માનો છે. અરિહંત ભગવંતે જો સન્માર્ગની સ્થાપના કરી ન હોત તો આ જગતમાં કોઈ જીવ થોડું પણ સુખ પ્રાપ્ત ન કરી શક્યો હોત. જગતના જીવો બાહ્ય કે અંતરંગ જે કોઈ પણ સુખ અનુભવે છે, તેમાં એક માત્ર કારણ છે - પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કરેલી ભગવંદુ વચનની આરાધના
ભગવાનનાં સર્વ વચનો દુઃખના કારણભૂત રાગ-દ્વેષ આદિ દોષોનું દર્શન કરાવે છે અને સુખના સાધનભૂત સમતા આદિ ગુણોની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરાવે છે. સમતાને સાધી આપનારાં હિતકારી વચનોની ઉપેક્ષાને કારણે જ જગતના જીવો અનાદિકાળથી દુઃખી થઈ રહ્યા છે.
પરમાત્મશાસનનાં પ્રત્યેક અનુષ્ઠાનો સમતાને પરમ લક્ષ્ય બનાવી તે માર્ગે ગતિ કરવામાં સહાયક બને છે. સમતાને સિદ્ધ કરવાના પરમાત્માએ અનેકવિધ ઉપાયો બતાવ્યા છે. તેમાં સૌથી મહત્ત્વનો ઉપાય સામાયિક છે. તે સામાયિક શું છે ? કઈ રીતે કરવું જોઈએ વગેરે વિગતો “સૂત્રસંવેદના ભાગ[૧માં જણાવી છે.
સામાયિક જેવાં શુભાનુષ્ઠાનો દર્શાવવા દ્વારા અરિહંત પરમાત્માએ આપણા ઉપર જે અનન્ય ઉપકાર કર્યો છે, તે ઉપકારના સ્મરણાર્થે, તેમનામાં રહેલા ગુણોને સ્વમાં પ્રગટાવવા માટે તથા તેઓનાં વચનના પાલનના સામર્થ્ય માટે તેમને પુનઃ પુનઃ વંદના કરવામાં આવે છે જેને સામાન્યથી ચૈત્યવંદન કહેવાય છે.
આ ચૈત્યવંદન શું છે ? તે કોણ કરી શકે ? તે માટે કયા સૂત્રોની જરૂર