________________
પુફખરવરદી સૂત્ર
સૂત્ર પરિચય :
દીપક જેમ પ્રકાશ રેલાવે છે, તેમ જગતના સર્વ ભાવોને શ્રુતજ્ઞાન પ્રકાશિત કરે છે. જંગતના સર્વ ભાવોને દીપકની જેમ પ્રકાશિત કરનાર તે શ્રુતજ્ઞાનની આ સૂત્રમાં સ્તવના કરવામાં આવી છે; તેથી તેનું બીજું નામ “શ્રુતસ્તવ' છે.
અરિહંત પરમાત્માનું વચન એ જ શ્રુતજ્ઞાન છે. કેવલજ્ઞાન પામ્યા (તીર્થકર નામકર્મનો વિપાકોદય થયા) બાદ તીર્થંકરભગવંતો ગણધરપદને યોગ્ય આત્માઓને, જગતના પદાર્થને યથાર્થ સ્વરૂપે જણાવનાર ત્રિપદીનું પ્રદાન કરે છે. આ ત્રિપદીના શ્રવણમાત્રથી તેમના આત્મામાં જ્ઞાનાવરણીયકર્મનો વિશિષ્ટ પ્રકારનો ક્ષયોપશમ થાય છે. તેનાથી તેઓ જગતના ભાવોને યથાર્થરૂપે જાણી શકે છે. જાણેલા આ ભાવોમાંથી અભિલાપ્ય=કહી શકાય તેવા ભાવોને શબ્દ રૂપે રચે છે. શબ્દાત્મક આ રચનાને દ્વાદશાંગી કહેવાય છે. આ દ્વાદશાંગી તે દ્રવ્યશ્રત છે અને તે દ્વાદશાંગીના અભ્યાસથી અથવા યોગાભ્યાસથી થતો જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ તે ભાવકૃત છે. આ સૂત્રમાં ભાવકૃતના કારણભૂત એવા દ્રવ્યશ્રતની સ્તવન કરવામાં આવી છે.
દુનિયાના વિચારક જીવો જ્ઞાનની મહત્તાને સમજે છે. આથી તેઓ સ્કૂલ, કૉલેજ વગેરેના માધ્યમે જ્ઞાન માટે અથાગ પ્રયત્ન કરે છે, તો પણ પ્રયત્નથી પ્રાપ્ત થયેલું તે વ્યાવહારિક જ્ઞાન તેઓને આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવી શકતું નથી.