________________
૨૨૪
સૂત્રસંવેદના-૨
ક્રિયા વિશિષ્ટ ગુણોનું દર્શન કરાવે છે. જન્મ થતાંની સાથે ૧ કરોડ અને ૬૦ લાખ કળશોથી દેવ અને દેવેન્દ્રો જન્મ મહોત્સવ ઊજવે છે. ત્યારે નાયગરાના ધોધ જેવો પાણીનો પ્રવાહ એક દિવસના (એક પ્રહરના જ) પરમાત્મા ઉપર પડવા છતાં પરમાત્માના મુખ ઉપર લેશ પણ ભયાદિનો વિકાર દેખાતો નથી. શ્રેષ્ઠ પુણ્યથી મળેલ વિપુલ ભોગ-સામગ્રી વચ્ચે જીવન જીવવા છતાં પરમાત્માને ક્યાંય રાગ સ્પર્શી શક્યો નથી. સંસારમાં નિકાચિત ભોગાવલી કર્મોના ઉપભોગ કાળે પણ તેઓ પરમ અનાસક્ત રહે છે. પોતાને સંસારમાં ક્યાંય પણ રાગ સ્પર્શતો નથી, તો પણ તેમની ફરજો બજાવવામાં, ઔચિત્યનું પાલન કરવામાં ક્યાંય ઊણપ દેખાતી નથી. પિતારૂપે, પુત્રરૂપે કે પતિરૂપે જ્યારે જે કાર્ય કરવાયોગ્ય હોય ત્યારે તેઓ તે કાર્ય કષાયરૂપ વિકાર વિના અદા કરે છે.. .
પરમાત્મા સંસારમાં રહે છે ત્યાં સુધી તો તેઓ આવા શ્રેષ્ઠ ગુણોના સ્વામી છે જ, પરંતુ જ્યારે તેમનાં ભોગાવલી કર્મો પૂરાં થાય છે અને મહાસત્ત્વથી તેઓ સંયમ જીવનનો સ્વીકાર કરે છે, ત્યારે પણ લોકોત્તર શ્રેષ્ઠ પ્રકારના ક્ષમાદિ દશ ગુણોને તેમજ બીજા અનેક ઉત્તમ ગુણોને ધારણ કરે છે. અંતે તેઓ સાધના કરી ઘાતકર્મોનો નાશ કરે છે અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તો તીર્થકર તરીકે તેમણે જગત ઉપર અપૂર્વ ઉપકાર કર્યો છે. આમ સ્પષ્ટ છે કે, વર્ધમાનસ્વામીમાં અનેક પ્રકારના સદ્ગુણો એકી સાથે રહેલા હતા.
આ ગાથા બોલતાં સાધક ઋષભદેવ આદિ પાંચે તીર્થકરોને સ્મૃતિપટ પર સ્થાપિત કરી, તેમના તે તે ગુણો પ્રત્યે આદર અને બહુમાનભાવ ધારણ કરી બે હાથ જોડી મસ્તક નમાવી વંદન કરતાં પ્રભુને પ્રાર્થના કરે કે
"હે પ્રભુ ! આપના પ્રત્યેની ભક્તિનું ફળ મને બીજું કાંઈ જોઈતું નથી માત્ર આપનામાં રહેલા ગુણો મારામાં પણ
પ્રગટે એટલી મારી પ્રાર્થના છે.” જિજ્ઞાસા: ગુણો સર્વ સારા હોવા છતાં અહીં માત્ર “ગુણ' શબ્દ ન વાપરતાં સુગુણ' શબ્દ વાપર્યો છે, તેનું કારણ શું ?
તૃપ્તિઃ આ સંસારમાં ગુણ તરીકે જેનો ઉલ્લેખ થઈ શકે તેવા ગુણો તો ઘણા છે, પરંતુ તે સર્વ ગુણને સગુણ કહેવાતા નથી, પરંતુ જે ગુણો આત્મા માટે ઉપકારક હોય અને પરંપરાએ મોક્ષનું કારણ બની શકે તેવા હોય, તેવા ગુણો જ સુગુણ કહેવાય છે.