________________
અરિહંત ચેથાણ સૂત્ર
૧૯૫
ચિત્તવૃત્તિઓને શાંત કરી, મનને એકાગ્ર કરી, પરમાત્માના ધ્યાનમાં લીન થવાનું છે. પરમાત્માના ધ્યાનમાં એકાકાર કેવી રીતે થવાય, તેની સમુચિત વિધિ આ સૂત્રમાં બતાવી છે.
નાટક ભજવતાં પહેલાં જેમ કોઈ સારો અભિનેતા તેની એવી પ્રેક્ટિસ કરે છે કે, જેથી તે તે ભાવોથી પોતે ભાવિત બની પ્રેક્ષકને પણ તે ભાવમય બનાવી શકે. તેવી જ રીતે ચૈત્યવંદન જેવી દુષ્કર ક્રિયા કરતાં પહેલાં સાધક પણ ચૈત્યવંદનને અનુરૂપ પોતાના ચિત્તને તૈયાર કરવા માટે જ “નમોલ્યુશં” આદિ સૂત્રોનાં એક એક પદોને યથાયોગ્ય રીતે બોલે છે અને બોલીને તે અરિહંતના ગુણોથી હૃદયને ભાવિત કરે છે. આવી રીતે ભાવિત થયા પછી તે ઊભો થઈને પગને જિનમુદ્રામાં, હાથને યોગમુદ્રામાં અને દૃષ્ટિને જિનપ્રતિમા ઉપર સ્થિર કરીને, આ સૂત્ર બોલી કાયોત્સર્ગની પ્રતિજ્ઞા કરે છે.
કાયોત્સર્ગમાં રહીને પરમાત્મામય બનવારૂપ પરમાત્મા સાથે એકમેક થવારૂપ ચૈત્યવંદન કરવું અતિ દુષ્કર છે. આ સૂત્રમાં એ દુષ્કર કાર્યની સિદ્ધિ માટે અત્યંત સહાયક બને તેવાં પાંચ સચોટ સાધનો બતાવ્યાં છે. તેના પ્રયોગપૂર્વક કાયોત્સર્ગ કરાય તો એક કુશળ ધનુર્ધરની જેમ લક્ષ્યને આંબી શકાય છે. તે પાંચ સાધનો એટલે જ સતત વૃદ્ધિ પામતાં શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા અને અનુપ્રેક્ષાનાં પરિણામો (ભાવો). આવાં ભાવોસહિત કરાયેલો કાઉસ્સગ્ગ, ક્રમશ: વીતરાગભાવની પ્રાપ્તિ કરાવી આપે છે.
સામાન્યથી જોતાં આ સૂત્રમાં માત્ર કાયોત્સર્ગ કઈ રીતે કરાય તે જણાવ્યું છે, પરંતુ તેના માધ્યમે મોક્ષાભિલાષી વિચારક અને જિજ્ઞાસ આત્માને તો ધર્મની કોઈપણ ક્રિયા કેવી રીતે કરવી જોઈએ તેનું સુંદર માર્ગદર્શન મળી રહે છે.
આ નાના સૂત્રમાં ભરેલાં ઊંડાં રહસ્યોને જાણી તે તે ભાવપૂર્વક જો આ સૂત્ર બોલાય અને જો શ્રદ્ધા આદિ ભાવો જીવ માટે સહજ બની જાય તો તે જીવ કાયોત્સર્ગ અને અન્ય પણ ક્રિયાઓ દ્વારા આત્મિક ઉન્નતિના શિખરો સર કરી શકે.
મૂળ સૂત્ર :
अरिहंतचेइयाणं करेमि काउस्सग्गं । - वंदण-वत्तियाए. पूअण-वत्तियाए सक्कार-वत्तियाए