________________
સૂત્રસંવેદના-૨ . .
સીર્યની વૃદ્ધિનું કારણ બને છે અને વૃદ્ધિ પામેલું વીર્ય (ઉત્સાહ) ગુરુના વચનની સેવનામાં સહાયક બને છે.
૧૮૬
આમવમાંડા - હે વીતરાગ ! જ્યાં સુધી ભવમાં (સંસારમાં) છું, ત્યાં સુધી (આપના પ્રભાવથી ભવનિર્વેદ આદિ ભાવો) અખંડિતપણે મને પ્રાપ્ત થાઓ !
સાધક સમજે છે કે, ભવનિર્વેદ આદિ આઠે ભાવો જ્યાં સુધી પ્રાપ્ત નહિ થાય ત્યાં સુધી આ ભયાવહ સંસારનો કોઈ રીતે અંત આવશે નહિ, વળી, આ ઉત્તમ ભાવો એક વાર પ્રાપ્ત થઈ જાય તો પણ ચાલે તેવું નથી. જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી તે તે ભૂમિકામાં, તે તે ભાવોની ચોક્કસ જરૂર છે જ. તેથી પરમપદેચ્છુ સાધક આ પદ બોલી પ્રભુને પ્રાર્થના કરે છે કે, -
‘હે નાથ ! આ આઠ અમૂલ્ય ગુણો મને માત્ર આ ભવમાં જ મળે તેવું મારે નથી જોઈતું, પરંતુ જ્યાં સુધી મારો મોક્ષ ન થાય, ત્યાં સુધી માટે જેટલા ભવો કરવા પડે તે તમામ ભવોમાં આ આઠ વિશિષ્ટ ગુણો મને મળો ! હવે મારો કોઈ ભવ એવો ન હોવો જોઈએ કે, જ્યાં મારી પાસે આ આઠ ગુણો ન હોય !”
આ પદો દ્વારા જેને આ આઠ ગુણો પ્રાપ્ત નથી થયા, તેઓ તે ગુણોને પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરે છે અને જેને કાંઈક અંશે પણ આ ગુણો પ્રાપ્ત થયા છે, તેઓ તેનાથી ઉપરની કક્ષાના ગુણોને પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરે છે. આ રીતે પુનઃ પુનઃ પ્રાર્થના કરવાથી તે તે ગુણો પ્રત્યેનો આદર પ્રગટે છે, તે ગુણો પ્રાપ્ત કરવાની તીવ્ર ઝંખના જાગે છે, ગુણો પ્રત્યેનો આદર જ દોષના રાગને ઘટાડે છે અને દોષ પ્રત્યેના અનાદરના વલણથી બાંધેલાં કર્મોનો વિનાશ કરે છે. કર્મોનો વિનાશ થવાથી ઉપર ઉ૫૨ની ભૂમિકાના આ ગુણોનું પ્રગટીકરણ થાય છે.
આથી વારંવાર આ રીતે પ્રાર્થના કરવી યોગ્ય જ છે. આ રીતે પ્રાર્થના કરતાં પણ આટલું ખાસ યાદ રાખવું કે, શબ્દપ્રયોગ કરવા માત્રથી આ ચીજો મળી જાય તેવો નિયમ નથી, પરંતુ આ શબ્દપ્રયોગ કરતાં ભગવાન અને ભગવાનના ગુણો પ્રત્યેની જેની રુચિ વધતી જાય; વળી, પ્રાર્થિત ચીજો મેળવવાની તાલાવેલી જાગે, તેનાથી જ પોતાનો આત્મિક વિકાસ જણાય અને તેથી જ ગદ્ગદ્ હૈયે ભક્તિના તીવ્ર ભાવથી જે વ્યક્તિ આ શબ્દપ્રયોગ કરે, તેને તે સમયે કર્મનો એવો ક્ષયોપશમ થાય છે કે, જેથી તેને આ ચીજો મળે.