________________
૬૩
સાંખ્યદર્શન નથી, તેમ છતાં અનુમાનથી તેનું અસ્તિત્વ સિદ્ધ થઈ શકે છે. આ અનુમાનમાં બે
હેતુઓ છે- એક તો એ કે “ત્રણેયનો અવિનાભાવસંબંધ હોવાથી અને બીજો એ કે - “ત્રણેય સાથે મળીને કાર્ય કરતા હોવાથી”. વળી, ગુણો જડ હોવાથી પ્રધાન ગુણ પોતાનું કાર્ય કરી લેશે, મારું શું કામ છે' એમ વિચારી ગૌણ ગુણો કાર્યકાળે ભાગી જતા નથી. પરિણામે પ્રધાન ગુણ સાથે તે હોવાના જ એવું અનુમાન થઈ શકે છે. ૫
ગુણો પરસ્પરનો આશ્રય કરનારા છે (અન્યોન્યાશ્રવૃત્ત). ત્રણ ગુણો વચ્ચે આધારાધેયનો સંબંધ નથી. પરંતુ તેઓ એક બીજાના સહકારથી પોતાનું કાર્ય કરે છે. કાર્ય કરવામાં જેની સહાય જે લે છે તેને તેનો આશ્રય અહીં ગણ્યો છે. સત્ત્વગુણ બાકીના બે ગુણોની સહાયથી પોતાની કાર્યસિદ્ધિ કરે છે એટલે અહીં સત્ત્વગુણના આશ્રયરૂપ રજોગુણ અને તમોગુણ ગણાય. આમ દરેક ગુણ બાકીના બે ગુણોની મદદથી પોતાનું કાર્ય કરતો હોઈ તેનો આશ્રય પેલાં બે ગુણો ગણાય. બીજા શબ્દોમાં કહીએ તો, સત્ત્વગુણ પ્રવૃત્તિ અને નિયમનનો આશ્રય લઈ રજોગુણ અને તમોગુણને પ્રકાશ દ્વારા ઉપકૃત કરે છે. તેવી જ રીતે, રજોગુણ પ્રકાશ અને નિયમનનો આશ્રય લઈ પ્રવૃત્તિ દ્વારા સત્ત્વગુણ અને તમોગુણને ઉપકૃત કરે છે. તમોગુણ પ્રકાશ અને પ્રવૃત્તિનો આશ્રય લઈ નિયમન દ્વારા બીજા બે ગુણોનો ઉપકાર કરે છે. આમ ત્રણ ગુણો વચ્ચે આધારાધેયસંબંધ નથી પણ ઉપકાર્યોપકારકભાવ છે અને એ અર્થમાં જ એકબીજાનો આશ્રય બને છે. આમ ગુણો એકબીજાની સહાયથી પોતપોતાનાં પૃથ્વી વગેરે મૂર્તિરૂપ કાર્યો ઉત્પન્ન કરે છે. વિસદૃશપરિણામની ઉત્પત્તિમાં ત્રણેય ગુણો એકબીજાની સહાય કરે છે એ હકીકત અહીં સ્પષ્ટ પણે કહી છે.
ગુણો પરસ્પરને જન્માવનાર છે (અન્યોન્યનનનવૃત્તય). અર્થાત્ ત્રણેય ગુણો સદૃશપરિણામ એકબીજાની સહાયથી પેદા કરે છે. આનો અર્થ એ થયો કે એક ગુણ બીજા બે ગુણને આશ્રીને સદ્શરૂપે પરિણમે છે. આમાંથી એ ફલિત થાય છે કે સામાવસ્થામાં સત્ત્વગુણનો સદૃશપરિણામ થાય છે ત્યારે પૂર્વેક્ષણનો સત્ત્વગુણ ઉત્તરક્ષણના સત્ત્વગુણને જન્માવવામાં ઉપાદાનકારણ છે જ્યારે પૂર્વેક્ષણના સત્ત્વગુણના સમકાલીન રજોગુણ અને તમોગુણ ઉત્તરક્ષણના તે સત્ત્વગુણને જન્માવવામાં સહકારિકારણ છે. આ જ ક્રમ બીજા બે ગુણોના સદૃશપરિણામમાં સમજવો. આ દૃષ્ટિએ એક ગુણના સદૃશપરિણામમાં બીજા બે ગુણો સહકારિકારણો છે. આ અર્થમાં કહી શકાય કે ગુણો પરસ્પર એકબીજાને જન્માવનાર છે. અહીં ગુણોના સશપરિણામની વાત છે એટલે ગુણો હેતુમતું ઠરતા નથી. ગુણો જ અન્તિમ કારણો છે, તેમનું કોઈ કારણ નથી. ગુણોનો જનક કોઈ તત્ત્વાન્તર હેતુ નથી. તેમ જ, ગુણો અનિત્ય પણ નથી કારણ કે તેમનો કોઈ તત્ત્વાન્તરમાં લય પણ નથી. તત્ત્વાન્તરમાં લયનો અભાવ એ જ ગુણોનું નિત્યત્વ છે.
ગુણો એકબીજાના સહચર છે (અન્યોમથુનવૃત્ત)". એક ગુણ બીજા બે ગુણો વિના કદી સંભવતો નથી. તે ત્રણેયનો પરસ્પર અવિનાભાવસંબંધ છે. દુનિયાનો એવો