________________
પ્રવેશક
૨૧
પાછા એમાં જ-લીન થાય છે. ‘સૃષ્ટિ’ તો એમનું ‘ઉન્મીલન’ માત્ર છે.” આ દર્શનમાં પ્રકૃતિને ‘માયા' અને શુદ્ધ સત્ત્વવિશિષ્ટ પુરુષને ‘શુદ્ધવિદ્યા’ કે ‘સદ્વિદ્યા’ કહેવામાં આવે છે. આ ઉપરાંત ઈશ્વરતત્ત્વ, સદાશિવતત્ત્વ અને શક્તિતત્ત્વનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ઈશ્વરતત્ત્વથી સદાશિવતત્ત્વ પર છે. સદાશિવતત્ત્વથી શક્તિતત્ત્વ પર છે, શક્તિતત્ત્વથી પરમશિવતત્ત્વ પર છે પણ પરમશિવતત્ત્વથી ૫૨ કોઈ તત્ત્વ નથી.
‘પરમશિવ’ સર્વકર્તા, સર્વજ્ઞ, પૂર્ણ, નિત્ય, વ્યાપક, અસંકુચિત, શક્તિસંપન્ન હોવા છતાં પોતાની ઇચ્છાથી સંકુચિત થઈ કલા, વિદ્યા, રાગ, કાલ અને નિયતિ એમ માયાના આ પાંચ કંચુકરૂપે પોતે જ અભિવ્યક્ત થાય છે. ક્રમશઃ આ પાંચ કંચુકોને આવરણરૂપે સ્વીકારી ‘પુરુષ’ સંસારી બને છે. આ પાંચ કંચુકોથી આવૃત ચૈતન્ય ‘પુરુષતત્ત્વ' છે. પરમશિવના સ્વરૂપને આવૃત કરવાને કારણે કલા વગેરેને કંચુક કહેવામાં આવે છે.
શિવ શક્તિ વિના હોતા નથી અને શક્તિ શિવ વિના હોતી નથી. આ દૃષ્ટિએ . બંનેનો અભેદ છે, સામરસ્ય છે. આ શિવશક્તિના આંતર નિમેષને સદાશિવ કહેવામાં આવે છે અને તેના બાહ્ય ઉન્મેષને ઈશ્વર કહેવામાં આવે છે.૯૨
દર્શનોનો આસ્તિક-નાસ્તિક વિભાગ
પ્રચલિત પરંપરા અનુસાર ચાર્વાક, જૈન અને બૌદ્ધ નાસ્તિક છે જ્યારે સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વમીમાંસા આને વેદાન્ત આસ્તિક છે. સામાન્ય રીતે આસ્તિક ઈશ્વરને માનનારને ગણવામાં આવે છે. પરંતુ અહીં ‘આસ્તિક’, ‘નાસ્તિક’શબ્દોને આ અર્થમાં લઈ શકાય એમ નથી, કારણ કે આસ્તિક ગણાતાં દર્શનોમાંથી પૂર્વમીમાંસા અને સાંખ્ય નિરીશ્વરવાદી છે. વળી, શાંકર વેદાન્તનો બ્રહ્મવાદ પણ ઈશ્વરના સિદ્ધાન્તનો પોષક તો નથી જ. બાકીનાં ત્રણ દર્શનો યોગ, ન્યાય અને વૈશેષિક ઈશ્વરને માને તો છે પણ એમની દાર્શનિક પ્રક્રિયામાં ઈશ્વરને માટે કોઈ સ્થાન નથી. તે દર્શનોમાં ઈશ્વરને સ્થાન કેવળ આપવા ખાતર આપ્યું છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ઈશ્વરને માનવા અને ન માનવાની દૃષ્ટિથી દર્શનોનો આ આસ્તિક-નાસ્તિક વિભાગ બનતો નથી. એટલે વૈદિક સંપ્રદાયના લોકોએ ‘આસ્તિક’નો અર્થ વેદને સ્વીકારનાર અને ‘નાસ્તિક’નો અર્થ વેદને નહિ સ્વીકારનાર એવો કરવા માંડ્યો. પરંતુ સાંખ્ય, યોગ, ન્યાય અને વૈશેષિકે મોડે મોડેથી વેદનો સ્વીકાર કર્યો છે—પરંતુ તે તો વૈદિકવર્તુળમાં કેવળ માન્યતા મેળવવાના આશયથી હોય તેમ જણાય છે, કારણ કે તેમનો વેદ સાથે કોઈ આંતરિક સંબંધ નથી. એટલે આસ્તિકનો અર્થ વેદ માનનાર અને નાસ્તિકનો અર્થ વેદ ન માનનાર કરી સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા અને વેદાન્તને આસ્તિકના વર્ગમાં મૂકવા અને જૈન, બૌદ્ધ તેમ જ ચાર્વાકને નાસ્તિકના વર્ગમાં મૂકવામાં આવે છે તે બરાબર નથી. એ જ રીતે વૈદિક અને અવૈદિક દર્શનો એવો વિભાગ પણ યોગ્ય નથી. આવો વિભાગ ભ્રાન્તિ ઉપજાવે છે અને મુક્ત મને તમનાં મૂળની ખોજમાં વિઘ્ન ઊભું કરે છે.