________________
અધ્યયન ૧૫ વિભૂતિયોગ
‘વિભૂતિ’નો અર્થ છે વિશેષ શક્તિ યા ક્ષમતા. “ભૂતિ', “સિદ્ધિ’, ‘મહાસિદ્ધિ' અને “ઐશ્વર્ય તેના પર્યાયો છે. યોગસાધનોનું અનુષ્ઠાન કરતી વખતે આગલી યોગભૂમિકાને સર કર્યા પછી જ તેના પછીની યોગભૂમિકાની સાધના કરવામાં આવે છે. આનો અર્થ એ કે એક ભૂમિકા સ્વાભાવિક અને સહજ બન્યા પછી એના પછીની ભૂમિકા સર કરવા પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ અહીં પ્રશ્ન ઊઠે છે કે અમુક ભૂમિકા સર થઈ ગઈ છે તેની ખાતરી સાધકને શા ઉપરથી થાય? આના જવાબમાં યોગદર્શન જણાવે છે કે જ્યારે અમુક ભૂમિકા સર થાય ત્યારે તેને અનુરૂપ ઐશ્વર્યરૂપ ચિહ્નો સાધકમાં પ્રગટે છે. આમ ઐશ્વર્ય યા વિભૂતિ સાધક સાધનામાર્ગ ઉપર બરાબર આગળ વધી રહ્યો છે એનો સંકેત કરે છે. એ માત્ર ઉન્નતિનાં ચિહનો છે, સ્વયં ઉન્નતિ નથી, અરે ! ઉન્નતિનાં સાધનોય નથી. જે સાધક આ ચિહ્નોને અંતિમ માની લે છે તેનો આધ્યાત્મિક વિકાસ અટકે છે, એટલું જ નહીં પણ તેનું પતન થાય છે. એટલે જ યોગદર્શન સાધકને ઐશ્વર્યથી લોભાયા વિના આગળ વધવાનું કહે છે. ઐશ્વર્યને માત્ર આગલી ભૂમિકા માટે આગળ વધવાની રજા આપતી લીલી ઝંડી સિવાય બીજું કશું ગણવાની યોગદર્શન મના કરે છે. એથી વધું મહત્વ જો ઐશ્વર્યને આપ્યું તો સાધનાની ગાડી અટકી જાય છે એટલું જ નહીં પણ તે સાધનાના પાટા પરથી ઊતરી પણ જાય છે અને સાધકને બેહદ નુકસાન કરે છે. પોતે સાધનામાં કેટલો આગળ વધેલો છે તે બતાવવા લોકો આગળ વિભૂતિઓનું પ્રદર્શન કરવાની સાધકે કોઈ જ જરૂર નથી અને લોકોએ પણ સમજી લેવું જોઈએ કે જેઓ આવાં પ્રદર્શનો કરે છે તે ખરેખર સાધકો નથી. સાધક જો વિભૂતિઓનું પ્રદર્શન લોકો આગળ કરે તો લોકો તરફથી તેની સાધનામાં અનેક વિઘ્નો ઊભાં થાય છે અને તે સાધનામાંથી ભ્રષ્ટ થાય છે. સાધકને આવાં પ્રદર્શનોની ઇચ્છાથી જ તેની સાધના અટકી જાય છે. અલબત્ત, સાધનામાં યોગ્ય સાધકની શ્રદ્ધા દૃઢ કરવા પ્રદર્શનનો માત્ર તેની આગળ જ પ્રયોગ થાય અને તેનો બિલકુલ પ્રચાર ન થાય તો તે પ્રદર્શન ઇષ્ટ છે. લોકોએ પણ આવા સામૂહિક પ્રદર્શનોને બહુ મહત્ત્વ ન આપવું જોઈએ કારણ કે તેમાંથી અનેક દૂષણો જન્મે છે. અલબત્ત લોકો તે પ્રદર્શનોને માત્ર જાદુના પ્રયોગોના જેટલું જ મહત્ત્વ આપે અને મનોરંજનનું સાધન ગણે તો તેમને – સાધકને ભલે હોય – કોઈ ખાસ નુકસાન નથી. પરંતુ એમ થવું અશકય છે. વિભૂતિના પ્રયોગોથી લોકો પ્રયોગ કરનાર અપાત્ર તરફ અખૂટ ભક્તિ ધરાવે છે એટલું જ નહીં પણ તેની આગળ