________________
૨૪૬
પદર્શન છે."" પ્રથમ ત્રણ ઈન્દ્રિયજયો અપરમ છે જ્યારે ચોથો ઇન્દ્રિયજય જ પરમ છે. અપરમ ઇન્દ્રિયજય તો વિષયરૂપ સર્પ સાથે સંબંધ રાખનારો હોવાથી તે ક્લેશરૂપ વિષદંશની શંકાથી સર્વથા મુક્ત નથી. વિષવિદ્યા જાણનારો પ્રવીણ હોય, સર્પને તેણે વશ કરેલો હોય, તો પણ તેને ખોળામાં રાખી તે નિર્ભયપણે ઊંઘશે નહીં. અપરમ ઈજિયજયનું પણ આવું છે. પરમ ઇન્દ્રિયજયમાં તો વિષયરૂપ સર્પનો સંગ જ છૂટી ગયો હોય છે એટલે તેમાં ક્લેશરૂપ વિષનો દંશ લાગવાની શંકાને કોઈ અવકાશ જ રહેતો નથી. યતમાન, વ્યતિરેક અને એકેન્દ્રિય નામના વૈરાગ્યોમાં જેમ ઇન્દ્રિયોના જય માટે અન્ય પ્રયત્નની અપેક્ષા રહે છે તેમ આ પરમ ઇન્દ્રિયજયમાં ઈન્દ્રિયોના જય માટે અન્ય પ્રયત્નની અપેક્ષા રહેતી નથી ૫
ધારણા અમુક ખાસ દેશમાં યા વિષયમાં ચિત્તનો દૃઢ સંબંધ સ્થાપવો એ ધારણા છે. એટલે જ પતંજલિ કહે છે કે ચિત્તનો દેશબંધ ધારણા છે. નાભિચક્ર, હૃદયકમળ, મૂર્ધા, નાકનો અગ્રભાગ, જીભનો અગ્રભાગ વગેરે આભ્યત્તર વિષયો છે જ્યારે સૂર્ય, ચંદ્ર, મણિ, દેવપ્રતિમા વગેરે બાહ્ય વિષયો છે. ચિત્ત આ વિષયો સાથે દૃઢ સંબંધ સીધો નહીં પણ પોતાની વૃત્તિ દ્વારા જ સ્થાપે છે.૫૮ ધારણાના સાધકે પ્રથમ બાહ્ય દેશ યા વિષયમાં ધારણા સિદ્ધ કરવી અને પછી જ આંતરદેશ યા વિષયમાં એ સિદ્ધ કરવી. બાહ્ય વિષયોમાં પહેલાં સ્થળ વિષયો લેવા અને પછી સૂક્ષ્મ વિષયો લેવા. વિષયમાં એક ક્ષણ માત્ર ચિત્તનો સંબંધ રહેવાથી કંઈ ધારણા થતી નથી પરંતુ ઓછામાં ઓછું બાર પ્રાણાયામ કરતાં જેટલો વખત લાગે તેટલો વખત સુધી ચિત્ત એક જ વિષયમાં વૃત્તિ દ્વારા બંધાયેલું રહે તો જ ધારણા થઈ કહેવાય.૫૯ ,
ચિત્તના દેશબંધનો અર્થ એવો પણ કરી શકાય કે ચિત્તની પ્રવૃત્તિનું વર્તુળ નાનું ને નાનું કરતા જવું. એક પથ્થરને તળાવમાં ફેંકીએ તો તે જ્યાં પડે ત્યાંથી પાણીની લહેરો નીકળી વર્તુળાકારે ફેલાય છે. જેમ જેમ કેન્દ્રથી અંતર વધે છે તેમ તેમ વર્તુળો મોટા થાય છે પણ એમનું બળ ઘટતું જાય છે અને એમની સીમાઓ અસ્પષ્ટ થતી જાય છે અને છેવટે તો એ પણ જણાતું નથી કે લહેરો કયાં અલોપ થઈ ગઈ. આવી જ હાલત ચિત્તની જ્ઞાનશિક્ત યા એકાગ્રતાશક્તિની છે. એટલે ચિત્તની એ શક્તિને ફેલાતી રોકી રાખવા એક વિષય યા અમુક દેશમર્યાદામાં તેને બાંધી દેવી તે ધારણા છે. આનો અર્થ એવો થયો કે ચિત્તની વૃત્તિઓ તે વિષય કે તે દેશ પૂરતી જ મર્યાદિત હોય છે. આ ઉપરથી ફલિત થાય કે તે વિષયના વિવિધ પાસાઓની ચિત્તવૃત્તિઓનો અહીં સંભવ છે. વળી, બીજા વિષયોની ચિત્તવૃત્તિઓ ધારણામાં તદ્દન હોતી જ નથી એવું નથી પરંતુ બીજા વિષયો કેન્દ્ર બહાર હોવાથી તેમની ચિત્તવૃત્તિઓ નિર્બળ હોય છે. જ્યારે જે વિષયમાં ચિત્તને ધાર્યું હોય છે તે વિષય કેન્દ્રમાં હોવાથી તે વિષયની ચિત્તવૃત્તિઓ જ બળવાન હોય છે. આમ તે વિષયની બળવાન ચિત્તવૃત્તિઓનો પ્રવાહ અન્ય વિષયોની નિર્બળ ચિત્તવૃત્તિઓથી અસ્પષ્ટ હોતો નથી.