________________
યોગદર્શન
૨૩૯
યમો મહાવ્રત ગણાતા નથી. આ ઉપરથી ફલિત થાય છે કે એવી છૂટછાટવાળા યમો દેશવ્રત છે. પરંતુ સાધકોએ તો યમોના પાલનમાં આવી છૂટછાટ લેવાની નથી જ. એટલે તેમના યમો મહાવ્રતો છે. હવે આપણે જાતિ, દેશ, કાળ અને સમયની છૂટછાટોને અહિંસાને અનુલક્ષી સમજીએ. માછીમાર સંકલ્પ કરે કે માછલી સિવાય હું કોઈ પણ જીવની હિંસા નહીં કરું અને તે પ્રમાણે તે વર્તે તો તેની અહિંસા મત્સ્યજાતિથી મર્યાદિત થઈ ગણાય. તીર્થક્ષેત્રે હું કોઈ પણ પ્રાણીની કદીય હિંસા નહિ કરું એવો સંકલ્પ કરી તે પ્રમાણે તે વર્તે તો તેની અહિંસા દેશથી મર્યાદિત થઈ ગણાય. ચૌદશે હું કોઈ પણ પ્રાણીનો ક્યાંય ઘાત નહિ કરું એવો સંકલ્પ કરી તે પ્રમાણે વર્તનારની અહિંસા કાળથી મર્યાદિત થઈ ગણાય. યુદ્ધના પ્રસંગ વિના કદીય ક્યાંય કોઈ પણ પ્રાણીની હિંસા હું નહિ કરું એવો સંકલ્પ કરી તે પ્રમાણે વર્તનારની અહિંસા સમય યા અવસરથી મર્યાદિત થયેલી ગણાય. યોગદર્શન દૃઢતાપૂર્વક માને છે કે જો હિંસા વગેરે દોષરૂપ છે તો તે સર્વ દેશ, સર્વ કાળ, સર્વ અવસર અને સર્વ વ્યક્તિઓના સંબંધમાં દોષરૂપ છે. એમાં કોઈ પણ જાતની છૂટછાટ લઈ પોતાની જાતને છેતરવી જોઈએ નહિ."
યમોને મહત્ત્વ આપી યોગદર્શને બતાવી આપ્યું છે કે સાધકની સાધના સમાજને નબળો પાડનારી નથી પણ દૃઢ કરનારી છે, તે સમાજવિરોધી નથી પણ સાધકની ઉન્નતિની સાથે સાથે સમાજની ઉન્નતિ કરનારી છે. હિંસા વગેરે વૃત્તિઓનો ઉપરમ કરવાની કે તેમનું ઊર્ધીકરણ કરવાની કે તેમને સુયોગ્ય દિશામાં વાળવાની વાત છોડી તેમને તેમના પાશવી નગ્નરૂપમાં મુક્તપણે વ્યક્ત થવા દેવાની હિમાયત કરનારા કેટલાક આધુનિક કહેવાતા યોગીઓને યોગદર્શનનો જરાય ટેકો નથી. તેમની પદ્ધતિ કદાચ સાધકને સરળ અને અમુક હદ સુધી ઉપયોગી હશે પરંતુ તે સમાજવિરુદ્ધ છે, લોકવિરુદ્ધ છે, સમાજને શિથિલ કરનાર છે તેમજ અમુક હદ પછી સાધક વ્યક્તિનેય ઉપયોગી બનવાને બદલે વિઘ્નરૂપ બનવાનો સંભવ પણ ધરાવે છે.
નિયમ અમુક કરવું જોઈએ એવો જેને વિશે બુદ્ધિ નિશ્ચય કરે છે તે નિયમ છે. આમ નિયમ વિધેયાત્મક યા પ્રવૃાત્મક છે.'' નિયમો પાંચ છે-શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન.'
શૌચ એટલે શુદ્ધિ. શરીર અને ચિત્ત બંનેની શુદ્ધિ અભિપ્રેત છે. શરીરની શુદ્ધિ પણ બે પ્રકારની છે–બાહ્ય અને આંતર. શરીરનો બાહ્ય ભાગ જળ, માટી, વગેરે દ્રવ્યોથી શુદ્ધ કરવો. શરીરનો આંતર ભાગ નેતિ, ધતિ વગેરે ક્રિયાઓ વડે શુદ્ધ કરવો. તેમ જ સાત્વિક આહારથી શરીરગત રસ, રુધિર વગેરે સાત ધાતુઓને શુદ્ધ કરવા તેય શરીરની આંતર શુદ્ધિ છે. મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા ભાવના દ્વારા ઈર્ષા, દ્વેષ, અસૂયા, અમર્ષ, રાગ, દ્વેષ વગેરે ચિત્તમોને દૂર કરવા તે ચિત્તશુદ્ધિ છે.' - સંતોષ એટલે પૂર્વ કર્મના પરિણામે પ્રાપ્ત થયેલા અને દેયાત્રાનો નિર્વાહ કરવા માટે જરૂરી સાધનોથી અધિક પદાર્થો મેળવવાની ઇચ્છા ન રાખવી તે.”