________________
યોગદર્શન
૨૨૫
વિષયના દોષોનું દર્શન છે. લૌકિક અને અલૌકિક વિષયોના દોષોનું દર્શન અપર વૈરાગ્ય જન્માવે છે જ્યારે વિવેકજ્ઞાનના દોષનું દર્શન પર વૈરાગ્ય જન્માવે છે. વિષયુદોષદર્શનથી વૈરાગ્ય જન્મે છે એમ કહેવા કરતાં રાગદોષદર્શનથી વૈરાગ્ય જન્મે છે એમ કહેવું વધુ સારું છે. વિષયોને બદલે રાગ તરફ દોષદૃષ્ટિ કેળવવી એ જ વધુ ઇષ્ટ છે. વળી, દોષદર્શનથી વૈરાગ્ય અને વૈરાગ્યથી દોષદર્શન પુષ્ટ થતાં રહે છે.
અપર વૈરાગ્યની ચાર ભૂમિકા છે—યતમાનસંજ્ઞા, વ્યતિરેકસંજ્ઞા, એકેન્દ્રિયસંજ્ઞા અને વશીકારસંજ્ઞા. ચિત્તમાં રહેલા રાગ વગેરે દોષોને લીધે ઇન્દ્રિયો ફેંકેલા અસ્ત્રની જેમ પોતાના વિષયો ભણી દોડે છે. રાગ-દ્વેષના સ્વરૂપને જાણી તે ઇન્દ્રિયોને પોતાના વિષયોમાં રાગ-દ્વેષપૂર્વક પ્રવૃત્ત ન થવા દેવાની ઇચ્છાથી ચિત્તના તે રાગ વગેરે મળોને બાળી નાખવા માટે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાની ભાવનાને આરંભવાનો પ્રયત્ન તે યતમાનસંજ્ઞા વૈરાગ્ય છે. ચિત્તના રાગ વગેરે મળોને બાળી નાખનાર મૈત્રી વગેરે ઉપાયોનું અનુષ્ઠાન કરતાં કરતાં ચિકિત્સકની જેમ કેટલા મળો બળ્યા અને કેટલા મળો બાળવાના રહ્યા એ પ્રમાણે બંનેનો વિભાગ કરવો તે વ્યતિરેકસંજ્ઞા વૈરાગ્ય છે. ચિત્તમળોને એટલી હદ સુધી બાળી નાખવા કે તે ઇન્દ્રિયોને પોતાના વિષયોમાં પ્રવર્તાવી ન શકે પરંતુ મનમાં માત્ર તે વિષયો પ્રતિ ઔત્સુકચને જ જન્માવી શકે એ એકેન્દ્રિયસંજ્ઞા વૈરાગ્ય છે. અને આ ઔત્સુચની નિવૃત્તિરૂપ વશીકારવૈરાગ્ય છે. વશીકાર વૈરાગ્યની પ્રાપ્તિ થતાં લૌકિક-આલૈકિક વિષયો મને અધીન છે, હું તેમને અધીન નથી એમ સાધકને સમજાય છે. યમાનવસંજ્ઞા, વ્યતિરેકસંજ્ઞા અને એકેન્દ્રિયસંજ્ઞાની ભૂમિકાઓને વટાવ્યા પછી જ વશીકારસંજ્ઞાની ભૂમિકાએ પહોંચી શકાય છે.
વશીકારવૈરાગ્યને પરિણામે પુરુષદર્શન યા વિવેકજ્ઞાન જન્મે છે. પુરુષદર્શનના અભ્યાસથી પુરુષના શુદ્ધ સ્વરૂપનો સાક્ષાત્કાર દૃઢ થતાં વિવેકજ્ઞાનરૂપ વૃત્તિ પ્રત્યે પણ વૈરાગ્ય જન્મે છે. વિવેકજ્ઞાન એ સાત્ત્વિક ચિત્તવૃત્તિ છે. આ વૃત્તિ પણ પુરુષસ્વરૂપથી ભિન્ન છે. પુરુષ કૂટસ્થનિત્ય છે, નિષ્ક્રિય છે તથા અસંગ છે જ્યારે આ વૃત્તિ તો સત્ત્વગુણનું કાર્ય હોવાથી વિનાશી છે, પરિણામી છે અને વિષયનો સંગ કરનારી છે. આમ પોતાના સ્વરૂપથી આ વૃત્તિ વિપરીત છે અને તેથી તે ત્યાજ્ય છે એવું તેનો ઘણો અનુભવ થયા પછી લાગે છે, પરિણામે એ વૃત્તિ તરફ પણ વૈરાગ્ય જન્મે છે. આ પર વૈરાગ્ય છે. પર વૈરાગ્યના ઉદયથી જીવને સ્પષ્ટ સમજાય છે કે આત્મજ્ઞાનરૂપ અવશ્ય પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ હું પામ્યો છું, મારા કલશો ક્ષીણ થઈ ગયા છે અને સંસારચક્રમાં ભ્રમણ કરાવનાર ધર્મ-અધર્મ નિર્મૂળ કરી નાખ્યા છે; એટલે હવે કશું પામવાનું કે કરવાનું બાકી રહેતું નથી. તેથી આ વિવેકજ્ઞાનરૂપ વૃત્તિ પણ શમો—આ પ્રકારના પર વૈરાગ્યના ઉદયથી સર્વ વૃત્તિઓનો નિરોધ થઈ જાય છે, કારણ કે તેનો ઉદય થતાં પહેલાં વિવેકજ્ઞાન સિવાયની વૃત્તિઓ તો નિરુદ્ધ થયેલી જ હતી પણ વિવેકજ્ઞાનરૂપ વૃત્તિ જ એક અનિરુદ્ધ રહી હતી. એ વૃત્તિ પર ઉપેક્ષા થવાથી એ પણ શમે છે અને તેથી હવે સર્વ વૃત્તિઓનો નિરોધ થાય છે; અર્થાત્ પર વૈરાગ્યના ઉદયથી અસંપ્રજ્ઞાત સમાધિનો લાભ થાય છે અને તેથી શીઘ્ર કૈવલ્યની પ્રાપ્તિ થાય છે.૧૦