________________
અધ્યયન ૪
ચિત્તવૃત્તિઓ
નિરુદ્ધ અવસ્થા સિવાય બીજી બધી અવસ્થાઓમાં ચિત્ત વિષયાકારે પરિણમે છે અર્થાત્ ચિત્તને કોઈ ને કોઈ વિષયનું જ્ઞાન થતું રહે છે. ચિત્તના આ વિષયાકાર પરિણામને ચિત્તવૃત્તિ કહેવામાં આવે છે. આ વિષયાકાર પરિણામ અર્થાત્ જ્ઞાન અવશ્ય સુખયુક્ત યા દુઃખયુક્ત હોય છે. જ્ઞાનની સાથે સુખ યા દુઃખ પણ ઉદ્ભવે છે. ઉપરાંત, સામાન્ય જનોની બાબતમાં સુખ યા દુઃખની સાથે ચિત્તમાં રાગ યા દ્વેષનો ભાવ પણ અવશ્ય જાગે છે. એથી ઊલટું સંપ્રજ્ઞાત યોગની પરાકાષ્ઠાએ પહોંચેલા વિવેકજ્ઞાનસંપન્ન યોગીના ચિત્તમાં સુખ સાથે રાગનો ભાવ જાગતો નથી. આમ, સામાન્ય જનના ચિત્તમાં જ્ઞાનની સાથે સુખ યા દુઃખ તેમ જ રાગ યા ઢેષ અવશ્ય હોય છે. જ્યારે વિવેકીના ચિત્તમાં તમોગુણનું આવરણ અને રજોગુણનું આવરણ સંપૂર્ણ દૂર થતાં અનંતજ્ઞાન અને અંતસુખ પ્રગટે છે. પરંતુ વિવેકીનું જ્ઞાન સુખ સહિત હોવા છતાં રાગરહિત હોય છે. પતંજલિએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ચિત્તવૃત્તિઓ કાં તો ક્લેશયુક્ત હોય છે કાં તો
ક્લેશરહિત હોય છે. પતંજલિની આ વાત ઉપરથી ચિત્તશાસ્ત્રની બે મહત્ત્વની હકીકતો ફલિત થાય છે. એક, સામાન્ય માનવીનું ચિત્ત જ્યારે કોઈપણ વસ્તુને જાણે છે ત્યારે તેમાં જ્ઞાનની સાથે સુખ યા દુઃખ તેમજ રાગ યા દ્વેષનો ભાવ ઊઠે છે. આનો સ્વીકાર અન્ય દર્શનોમાં પણ થયો છે. સુખ યા દુઃખ તેમજ રાગ યા દ્વેષ વગેરે ભાવો જ્ઞાનની સાથે અવશ્ય ઊઠતા હોવાની હકીકતને આધારે બૌદ્ધો તો બધા ભાવોને જ્ઞાનની કોટિમાં જ મૂકે છે. તેઓ ભાવોને જ્ઞાનથી અભિન્ન માને છે, કારણકે જે જ્ઞાનનો હેતુ છે તે જ ભાવોનો પણ હેતુ છે. બીજું, સાધનાને પરિણામે વીતરાગ બની શકાય છે અને આવી વીતરાગ વ્યક્તિનું જ્ઞાન નિર્મળ હોય છે, રાગ-દ્વેષના ભાવથી અસંગૃક્ત હોય છે. આ વાત પણ લગભગ બધાં જ દર્શનો કહે છે. આ જ કહેવાતા વૈદિક દર્શનોની જીવન્મુક્તિ છે, જૈનોની કેવલીદશા છે અને બૌદ્ધોનો મોક્ષ છે. બૌદ્ધ શાંતરક્ષિતે તો અસંદિગ્ધ શબ્દોમાં કહ્યું છે કે જ્ઞાનની નિર્મળતા એ જ મોક્ષ છે. યોગદર્શન અનુસાર ચિત્તવૃત્તિઓ પુરુષને સદા જ્ઞાત જ હોય છે. કોઈ પણ ચિત્તવૃત્તિ પુરુષને અજ્ઞાત રહેતી નથી. આનો અર્થ એ કે જ્ઞાન કદીય પુરુષથી યા જ્ઞાતાથી અજ્ઞાત રહેતું નથી.' જ્ઞાન સંવેદ્ય નથી પણ પુરુષસંવેદ્ય છે. નિરુદ્ધ અવસ્થાવાળા ચિત્તમાં ચિત્તવૃત્તિ યા જ્ઞાન હોતું જ નથી તેમ જ તેમાં સુખ, દુઃખ, રાગ, દ્વેષ વગેરે પણ હોતાં નથી. આમ આ અવસ્થાવાળા ચિત્તમાં