________________
સામાન
૧૬૫
યોગભાષ્યમાં જ્ઞાનીને ‘અક્ષિપાત્રતુલ્ય' ગણ્યા છે. ચક્ષુમાં સામાન્ય ઊનનો સૂક્ષ્મ તંતુ ચક્ષુને અસહ્ય થઈ પડે છે, પરંતુ તે જ તંતુ અન્ય અંગ ઉપર પડતાં તે અંગને કંઈ જ થતું નથી. તેવી જ રીતે જ્ઞાનીને ભોગના સાધનરૂપ બધા વિષયો વિષમિશ્રિત અન્નની જેમ .દુઃખમય જ જણાય છે. તે વિષયનાં પરિણામદુઃખ, તાપદુઃખ અને સંસ્કારદુઃખનું દર્શન કરે છે. પરિણામે તે વિષયનો સંગ છોડી બધા પ્રકારના દુઃખમાંથી છૂટવાનો સંકલ્પ કરે છે. જરા જેટલુંય દુ:ખ તે સહન કરી શકતો નથી. બીજી બાજુ વિષયના કળણમાં ખૂપેલા સાધારણ જીવ ઉપર દુઃખના ઘા ઉપર ઘા પડવા છતાં તેને કંઈ અસર થતી નથી.
પુરુષ સ્વભાવથી જ સ્વચ્છ, મુક્ત, નિર્ગુણ અને દુઃખાતીત છે. પ્રકૃતિની સાથે પુરુષનો સંયોગ હોવાને કારણે જ તેને સુખ, દુઃખ, વગેરેનો અનુભવ થાય છે. સુખ, દુ:ખ, વગેરે બુદ્ધિના ધર્મ છે. બુદ્ધિતત્ત્વમાં પ્રતિબિંબિત પુરુષ ભ્રમને લઈને બુદ્ધિના ધર્મોનો આરોપ પોતાના ઉપર કરે છે. આ જ પુરુષની બંધનદશાનું કારણ છે. જ્યાં સુધી પુરુષ પોતાને પ્રકૃતિથી અભિન્ન ગણતો રહે છે ત્યાં સુધી તેની દુઃખધારા અવ્યાહત ચાલુ રહે છે. અવિવેકઘટિત પ્રકૃતિ-પુરુષનો સંયોગ એ જ પુરુષની બંધનદશા છે અને આ બંધનમાંથી છુટકારો એ જ તેનો મોક્ષ છે. અવિવેકઘટિત સંયોગ વિચ્છિન્ન થતાં પુરુષ સ્વસ્વરૂપમાં અવસ્થાન કરે છે. આમ બંધન અને મોક્ષ પુરુષમાં ઔપાધિક છે, તે નિત્યમુક્ત પુરુષનું સ્વરૂપ હોઈ શકે નહિ. જે પશુ રજ્જુબદ્ધ હોય તે જ રજ્જુમાંથી મુક્ત થઈ શકે. આવી જ રીતે પ્રકૃતિ જ સુખ, દુ:ખ વગેરેથી બદ્ધ છે અને તે જ તેમાંથી મુક્ત થાય છે. પુરુષ મારો સ્વામી છે એટલે મારે પુરુષના ભોગ અને અપવર્ગરૂપ પુરુષાર્થો સાધી આપવા જોઈએ એવા અવળા જ્ઞાનને કારણે પ્રકૃતિ પોતે જ પોતાને પોતાના ધર્મ, અધર્મ, અજ્ઞાન, વૈરાગ્ય, અવૈરાગ્ય, ઐશ્વર્ય અને અનૈશ્વર્ય આ સાત ભાવોથી બાંધે છે. પરંતુ જ્યારે પ્રકૃતિને વિવેકજ્ઞાન થાય છે કે પુરુષ તો નગુણો, નિષ્ક્રિય, ઉદાસીન, અસંગ અને કેવળ છે ત્યારે તે તેના માટે પોતાને પોતાના સાત ભાવોથી બાંધવાનું છોડી દે છે અને એ બધા પ્રપંચમાંથી પોતે મુક્ત થાય છે. આમ ખરેખર બંધ અને મોક્ષ પ્રકૃતિનો થાય છે, પુરુષનો નહિ.' નિર્ગુણ પુરુષમાં વાસ્તવ દુઃખ હોઈ શકે જ નહિ. પ્રકૃતિ અને પુરુષના સંયોગના મૂળમાં અવિદ્યા રહેલી છે. સમ્યગ્દર્શન અર્થાત્ પ્રકૃતિથી પુરુષનું ભેદજ્ઞાન તે સંયોગનાશનો અર્થાત્ મોક્ષપ્રાપ્તિનો ઉપાય છે.' પ્રકૃતિનો જ બંધ અને મોક્ષ થાય છે, પુરુષનો નહિ એમ કહેવું વિચિત્ર લાગે છે. એને બદલે એમ કહેવું જોઈએ કે પુરુષ સ્વભાવથી કેવળ હોવા છતાં તે અવિઘાને કારણે પોતાના ઉપર પ્રકૃતિના સાત ધર્મોનો આરોપ કરી તે ધર્મોથી પોતાને બાંધે છે પરંતુ જ્યારે વિવેકજ્ઞાનને કારણે તેને સાક્ષાત્કાર થાય છે ત્યારે અવિઘા દૂર થતાં અવિદ્યાકૃત આરોપ પણ દૂર થાય છે અને પુરુષનું સ્વાભાવિક કૈવલ્ય જે અવિદ્યાને કારણે અપ્રગટ હતું તે પ્રગટ થાય છે. આ જ પુરુષનો મોક્ષ છે. પુરુષનો બંધ અને મોક્ષ માનતાં તેનામાં પરિણામીપણું આવી જશે એ ભયે કેટલાક સાંખ્યાચાર્યોએ પ્રકૃતિનો જ બંધ છે અને મોક્ષ છે એવી ભાષા બોલવી શરૂ કરી લાગે છે. આવી ભાષા બોલવાથી બુદ્ધિભ્રમ થાય છે અને યોગસાધના નિરર્થક બની જાય છે.