________________
અધ્યયન ૧૫ બન્ધન અને મુક્તિ
બન્ધન
જ્ઞાનીને જગતની બધી વસ્તુઓ દુઃખમય પ્રતીત થાય છે. વિષયો દેખીતી રીતે સુખપ્રદ લાગે છે પરંતુ પરિણામે તો તેઓ કષ્ટદાયક છે. વિષયોના ભોગથી ઇન્દ્રિયોને કદીય સંતોષ થતો નથી. એ ભોગની તૃષ્ણા કે વાસના અતૃપ્ત રહેતાં ચિત્તમાં અશાંતિ અને દુઃખ ઉભવે છે, સુખમાં બાધક પ્રતિ વેષ જન્મે છે, દ્વેષને પરિણામે અધર્મ અથવા પાપની વૃદ્ધિ થાય છે. અને આ અધર્મ વળી દુઃખનું કારણ બને છે. ભોગની લાલસા વિચિત્ર છે, ભોગથી તે વધે જ છે. ભોગથી વિવિધ વ્યાધિ અને ઉપાધિ ઉત્પન્ન થાય છે અને હિંસા વિના ભોગ સંભવતો નથી. એટલે, ભોગથી અધર્મ જન્મે છે અને અધર્મમાંથી વળી દુઃખ જન્મે છે. આમ સુખાર્થી જીવ વિષયભોગમાં પ્રવૃત્ત થઈને ગંભીર દુઃખના કળણમાં ખૂપે છે. આ છે વિષયોની પરિણામદુઃખતા. ઉપરાંત, સુખભોગકાળે વિષયના નાશના ભયે ચિત્તમાં ભય વ્યાપે છે, તેનો નાશ કરનાર પ્રત્યે દ્વેષ થાય છે. સુખની આશામાં વિષયભોગમાં પ્રવૃત્ત થઈને જીવો કોઈને પ્રત્યે રાગ કરે છે, કોઈના પ્રત્યે દ્વેષ કરે છે. પરિણામે તે સંચિત ધર્મ અને અધર્મનો જથ્થો વધારે છે. આ છે વસ્તુઓની તાપદુઃખતા. વળી વિષયોમાં સંસ્કારદુઃખતા પણ છે, સુખાનુભવને પરિણામે સંસ્કાર જન્મે છે; સંસ્કાર સુખસ્મરણને જન્મ આપે છે; સુખસ્મરણમાંથી ભોગસ્પૃહા જાગે છે; ભોગસ્પૃહાને કારણે જીવની મન, વચન અને કાયાની પ્રવૃત્તિ ઉત્પન્ન થાય છે; તે પ્રવૃત્તિ પુણ્યપાપ યા ધર્માધર્મને જન્મ આપે છે; ધર્મઅધર્મને પરિણામે સુખદુઃખાનુભવ અને સુખદુઃખાનુભવને પરિણામે વળી સંસ્કાર ઉદ્ભવે છે. આમ અનાદિ દુઃખનું વિષચક્ર જ્ઞાનીને સુખાવસ્થામાં પીડા કરે છે. ભોગનાશકાળે સંસ્કારોત્પત્તિ થતી નથી, તેને કારણે જીવની દુઃખધારા અટકી જાય છે. પરંતુ ભોગકાળે સંસ્કારોત્પત્તિ અવશ્ય થાય છે. એટલે વિષયોની સંસ્કારદુઃખતા સ્વીકારવામાં આવી છે. ગુણવૃત્તિ વિરોધને લઈને પણ બધા વિષયો દુઃખરૂપ છે. વસ્તુમાત્ર ત્રણ ગુણોના પરિણામરૂપ છે. સુખ, દુઃખ અને મોહરૂપ વૃત્તિવિશિષ્ટ આ ત્રણ ગુણો પરસ્પર વિરોધી સ્વભાવવાળા છે. તેમની વચ્ચે ગુણપ્રધાનભાવ સદા હોય છે. તેથી વસ્તુઓ હમેશાં બધા જીવોમાં સુખ ઉત્પન્ન કરી શકતી નથી. એટલે વસ્તુઓને યોગદર્શનમાં દુઃખમય વર્ણવી છે. આવું દુઃખદર્શન કેવળ જ્ઞાનીને જ સંભવે છે. સાધારણ જનને આવું દુઃખદર્શન હોતું નથી. એટલે જ