________________
૧૪૧
સાંખ્યદર્શન અનુપાધિક છે. તે સ્વતઃ જ પ્રવાહિત થાય છે; એટલે તેને કુપથ ઉપરથી સુપથ ઉપર લાવવાનો પ્રશ્ન જ ઊઠતો નથી. પરંતુ બહિવૃત્તિ વિશે એવું ન કહી શકાય. તેમની બહિવૃત્તિ સુનિયંત્રિત હોતાં બુદ્ધિમાં સત્ત્વગુણનું પ્રાબલ્ય થાય છે અને પરિણામે જીવ મુક્તિમાર્ગે અટક્યા વિના આગેકૂચ કરી શકે છે. પ્રાણ”શબ્દનો અર્થ પ્રણતિ છે. પ્રતિ એટલે નમ્રતા, વશ્યતા, આસક્તિ. જો પ્રાણવાયુની બહિવૃત્તિને ધર્મ, જ્ઞાન વગેરેના માર્ગે વાળીએ તો બુદ્ધિમાં સત્ત્વગુણની વૃદ્ધિ થાય છે. અપાનની અપક્રમણ ક્રિયાને અધર્મ, અજ્ઞાન વગેરે તામસિક કાર્યમાંથી વાળી ધર્મના પથે પ્રસ્થાપિત કરવી ઉચિત છે. તેને પરિણામે તમોગુણનો હ્રાસ થાય છે. સમાન વાયુની સહાવસ્થાનરૂપ ક્રિયાને જેમ બને તેમ બુદ્ધિની સાત્ત્વિક પરિણતિના સાહચર્યમાં રાખવી ઉચિત છે. તેને પરિણામે આત્મા થોડા જ વખતમાં સત્ત્વગુણમાં પ્રતિષ્ઠિત થાય છે. ઉદાનની આત્મોત્કર્ષરૂપ ક્રિયાને “હું અક્સથી પર છું, આસક્તિથી પર છું, બંધનથી પર છું' ઇત્યાદિ ભાવનામાં વાળવી જોઈએ. વ્યાનવાયુની વ્યાપ્તિક્રિયાને જ્ઞાનવિષયક બનાવવી વાંછનીય છે, “હું જ્ઞાને પ્રતિષ્ઠિત છું, હું જ્ઞાનથી સભર છું, હું જ્ઞાનથી અભિન્ન છું' આવી ભાવના જીવે કરવી જોઈએ. આમ પ્રાણ વગેરે વાયુની બાહ્ય વૃત્તિને સુમાર્ગે વાળવી જોઈએ. આના પછી યુક્તિદીપિકાકાર કર્મયોનિઓને સુમાર્ગ ઉપર લાવવાની વાત કરે છે. અવિવિદિષા સિવાયની બીજી ચારેય કર્મયોનિ ધર્મ ઉત્પન્ન કરે છે; પરંતુ ધર્મ પણ છેવટે હેય છે, કારણ કે તે પુનર્જન્મનું કારણ છે. એટલે આ ચાર કર્મયોનિઓની બાબતમાં વૈરાગ્ય જ ધારવો જોઈએ. જો અવિવિદિષારૂપ કર્મયોનિને કુફળપ્રસવકારી કર્મોમાં જ રોકી રાખવામાં આવે અથતુ આવાં કર્મોને જ જાણવાની અસ્પૃહા હોય તો જીવને સુમાર્ગે આગળ વધવામાં સહાય થાય છે. જીવની આવી પ્રવૃત્તિને પરિણામે કર્મયોનિઓ વિશુદ્ધ થાય છે અને તેમ થતાં જીવના મુક્તિમાર્ગમાં જે બાધાઓ હોય છે તે દૂર થાય છે; જીવ બુદ્ધિની સાત્ત્વિક પરિણતિમાં આસક્ત બને છે; સત્ત્વગુણમાંથી વિશુદ્ધ આનન્દ પ્રગટે છે, જીવનો અહંકાર દૂર થાય છે, જ્ઞાનનો ઉદય થાય છે અને છેવટે મુક્તિલાભ થાય છે.'
પૂર્વોક્ત તેર કરણોને પ્રધાન અને અપ્રધાન એવા બે વિભાગમાં સાંખ્યો વહેંચે છે. એમનામાંથી બુદ્ધિ, અહંકાર અને મન પ્રધાન છે અને બાહ્ય દસ ઇન્દ્રિયો અપ્રધાન છે. બાહ્ય ઇન્દ્રિયો દ્વારા ઉપસ્થિત કરવામાં આવેલા બધા વિષયોને મન, અહંકાર અને બુદ્ધિ પ્રહણ કરે છે એટલે આ ત્રણ અન્તઃકરણોનું પ્રાધાન્ય છે. કેવળ બાહ્ય જ્ઞાનેન્દ્રિયનો વિષય સાથે સંબંધ થતાં જ્ઞાન ઉત્પન્ન થતું નથી. કેવળ બાહ્ય કર્મેન્દ્રિય વિષયની સાથે સંબંધ સ્થપવામાં સમર્થ નથી. કોઈ સુંદર દૃશ્ય જોવામાં આપણે તલ્લીન હોઈએ તે વખતે કોઈ આપણને બોલાવે તો આપણે સાંભળી શકતા નથી કારણ કે તે વખતે તે શબ્દ સાથે મનનો સંયોગ થતો નથી. બીજું, બુદ્ધિવૃત્તિ સાથે ચૈતન્યસંબંધ ન હોય ત્યારેય જ્ઞાન થતું નથી. અન્તઃકરણ ઉપર ચૈતન્યનો આરોપ થાય છે. બાહ્ય જ્ઞાનેન્દ્રિય વિષયના સંપર્કમાં આવી તેને અન્તઃકરણ સુધી આગળ પહોંચાડે છે.