________________
ષડ્રદર્શન
જીવ અનંત છે. તેનું લક્ષણ ચેતના છે. તેના મુખ્ય બે ભેદ છે–સંસારી અને મુક્ત. સંસારી જીવો અનાદિકાળથી પૌદ્ગલિક કર્મોથી બદ્ધ છે. તેથી સંસારી અવસ્થામાં જીવને કથંચિત્ મૂર્ત માનેલ છે. સંસારી જીવોના એકેન્દ્રિય બેઈન્દ્રિય, ત્રિઇન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય એવા ભેદો થાય છે. એકેન્દ્રિય જીવન વળી પૃથ્વીકાય, અષ્કાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય એવા ભેદો પડે છે. જીવ શરીરપરિમાણ છે. તે જે શરીર ધારણ કરે તેના જેવડો થઈને તે રહે છે.
પુલનું લક્ષણ રૂપ, રસ, ગંધ અને સ્પર્શ છે. તેના બે પ્રકાર છે–પરમાણુરૂપ અને સ્કંધરૂપ." પરમાણુઓમાં જાતિભેદ નથી. અર્થાત્ પૃથ્વી પરમાણુ જળપરમાણુ વગેરેમાં ફેરવાઈ શકે છે. પરમાણુઓના જોડાવાથી અંધ બને છે. પરમાણુઓમાં સ્નિગ્ધતા અને રુક્ષતાના ગુણો હોય છે. બે પરમાણુઓના આ ગુણો વચ્ચે અમુક માત્રાનો ભેદ હોય તો તેમનું જોડાણ થાય છે અને સ્કંધ બને છે. પરમાણુઓ નિત્ય નથી પણ પરિણમનશીલ છે. બે કે વધારે અણુઓનો બનેલો સ્કંધ આકાશના એક પ્રદેશમાં પણ સમાઈ શકે છે.
આકાશનું કાર્ય જીવ વગેરે દ્રવ્યોને સ્થાન આપવાનું છે.” આકાશના જે ભાગમાં તે દ્રવ્યો રહે છે તે લોકાકાશ કહેવાય છે અને બાકીના ખાલી આકાશને અલોકાકાશ કહેવાય છે. આમ તો આકાશ એક અને અનંત છે.
જીવ અને પુદ્ગલને ગતિ અને સ્થિતિમાં સહાયક થનાર દ્રવ્યો અનુક્રમે ધર્મ અને અધર્મ છે."
કાળને કેટલાક દ્રવ્ય માને છે અને કેટલાક નથી માનતા. જેઓ તેને દ્રવ્ય માને છે તેઓ તેને પરિણામનું સહાયક કારણ ગણે છે. જેઓ તેને દ્રવ્ય નથી માનતા તેઓ પરિણામને જ કાળ ગણે છે.
જૈનો અનેકાંતવાદી છે. વસ્તુ અનંતધર્માત્મક છે. એક જ વસ્તુમાં જુદી જુદી દૃષ્ટિએ પરસ્પર વિરોધી લાગતા ધર્મો પણ રહી શકે છે એમ અનેકાંતવાદ જણાવે છે. ઉદાહરણાર્થ, એક જ વસ્તુ દ્રવ્યદૃષ્ટિએ નિત્ય છે અને પર્યાયદૃષ્ટિએ અનિત્ય છે. અખંડ વસ્તુને જાણવી તે પ્રમાણ અને બીજી દૃષ્ટિઓનો નિષેધ કર્યા વિના એક દૃષ્ટિથી તેને જાણવી તે નય.૨૩
જૈનો પાંચ જ્ઞાનો સ્વીકારે છે-મતિ, શ્રત, અવધિ, મન:પર્યાય અને કેવળ . મતિમાં ઇન્દ્રિયજ જ્ઞાન, સ્મૃતિ, પ્રત્યભિજ્ઞા અને તર્કનો સમાવેશ થાય છે. શ્રત એ શબ્દપ્રમાણ છે. અવધિજ્ઞાન એ દેશ અને કાળની દૃષ્ટિએ દૂર રહેલી પૌલિક વસ્તુને જાણનારું જ્ઞાન છે. મનઃપર્યાયજ્ઞાન પૌલિક મનના પર્યાયોને (મનમાં ઊઠતા આકારોને) જાણે છે. કેવળજ્ઞાન એ સર્વજ્ઞનું જ્ઞાન છે.
જૈનો ઈશ્વરને માનતા નથી; વેદને માનતા નથી; વ્રત, તપ અને અહિંસા ઉપર ભાર મૂકે છે. અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આત્માના સ્વભાવભૂત છે. કર્મનાં આવરણો સંપૂર્ણ દૂર થતાં તેમનું આનન્ય પ્રગટ થાય છે.