________________
સાંખ્યદર્શન
૧૧૫
ચિંતન કરતાં કરતાં પોતાની જ શક્તિથી કે શાસ્ત્રની મદદથી કે ગુરુના ઉપદેશથી જીવને યથાર્થ જ્ઞાન ઉત્પન્ન થાય છે. ‘પ્રધાન, બુદ્ધિ, અહંકાર, પંચતન્માત્ર, ઇન્દ્રિયો તેમ જ પંચભૂત આ બધાથી હું ભિન્ન છું' એવું જ્ઞાન જ્યારે કોઈ વ્યક્તિને પોતાની જ વિચારશક્તિધઃ ઉદ્ભવે છે ત્યારે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ છે ઊહ નામની પ્રથમ સિદ્ધિ. કોઈ વ્યક્તિને આવું વિવેકજ્ઞાન શાસ્ત્ર દ્વારા થાય છે અને પરિણામે તે મુક્ત થાય છે. આ છે ‘શબ્દ’ નામની બીજી સિદ્ધિ. કોઈ વ્યક્તિને તે વિવેકજ્ઞાન ગુરુ પાસે શાંસ્ત્રનું અધ્યયન કરવાથી થાય છે અને પરિણામે તેનો મોક્ષ થાય છે. આ છે ‘અધ્યયન’ નામની ત્રીજી સિદ્ધિ. આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક દુઃખત્રય દ્વારા પીડિત વ્યક્તિ આત્મન્તિક અને ઐકાન્તિકપણે દુઃખનો નાશ કરવા માટે ઊહ, શબ્દ કે અધ્યયનરૂપ ઉપાયોને પ્રયોજીને જ્યારે મુક્ત થાય ત્યારે તે દુઃખત્રયનાશને પણ સિદ્ધિત્રયરૂપે કલ્પવામાં આવે છે. મંદબુદ્ધિ જીવ ગુરુ પાસે જ્ઞાનપ્રાપ્તિ માટે જતો નથી. બદલાની ઇચ્છા ન રાખનાર દયાળુ કલ્યાણમિત્રના પ્રકૃતિપુરુષ-વિવેક-બોધક સદુપદેશથી જ્યારે તે મંદબુદ્ધિનો મોક્ષ થાય છે ત્યારે તે સિદ્ધિને ‘સુહૃત્પ્રાપ્તિ'ને નામે ઓળખવામાં આવે છે. આવાહન, સેવા અને ભિક્ષાપાત્ર વગેરેના દાન દ્વારા ગુરુને પ્રસન્ન કરી તેમની પાસેથી સાંખ્યને સમજીને જે મુક્ત થાય છે, તેની મોક્ષપ્રાપ્તિને આઠમી દાનરૂપ સિદ્ધિ ગણવામાં આવે છે. માઠરને મતે આ આઠ સિદ્ધિઓનાં નામ યથાક્રમે આ પ્રમાણે છે—તાર, સુતાર, તારતાર, પ્રમોદ, પ્રમુદિત, મોહન, રમ્યક અને સદાપ્રમુદિત.૩૯
વિપર્યય, અશક્તિ, તુષ્ટિ અને સિદ્ધિના કુલ પચાસ ભેદનું વર્ણન કર્યું. વિપર્યય, અશક્તિ, તુષ્ટિ અને સિદ્ધિને સાંધ્યો ‘પ્રત્યયસર્ગ’ કહે છે.૪॰ આ ચારનો પ્રત્યયસર્ગમાં સમાવેશ કરવા વિશે વાચસ્પતિ કહે છે કે પ્રત્યયસર્ગનો અર્થ છે બુદ્ધિસર્ગ; પ્રત્યય એટલે બુદ્ધિ; વિપર્યય વગેરે બુદ્ધિના જ ધર્મ છે, એટલે એમનો પ્રત્યયસર્ગમાં સમાવેશ કરાયો છે. માઠર કહે છે કે બુદ્ધિમાંથી વિપર્યય વગેરે ઉત્પન્ન થાય છે; એટલે તેમનો પ્રત્યયસર્ગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. યુક્તિદીપિકાકારે ‘પ્રત્યયસર્ગ’ના વિવિધ અર્થો કર્યા છે.૪૧
૪૨
યુક્તિદીપિકામાં સર્વ જીવોના ચાર વિભાગ જણાવ્યા છે—ઊર્ધ્વસ્રોતઃસંપન્ન, અવક્સોતઃસંપન્ન, તિર્યક્મોતઃસંપન્ન અને મુખ્યસ્રોતઃસંપન્ન. પ્રથમ સત્ત્વગુણપ્રધાન, દ્વિતીય રજોગુણપ્રધાન, તૃતીય અને ચતુર્થ તમોગુણપ્રધાન છે. પ્રથમમાં દેવોનો, બીજામાં મનુષ્યોનો, ત્રીજામાં પશુ, પક્ષી અને સરીસૃપનો અને ચોથામાં ઉદ્ભિદ્ અને સ્થાવરનો સમાવેશ થાય છે. દેવોને તુષ્ટિ સહજાત, મનુષ્યમાં જ સિદ્ધિનો સંભવ, ઉદ્ભિદ્ અને સ્થાવરમાં વિપર્યય સહજાત, તિર્યંચમાં અશક્તિ સહજાત. પ્રકૃતિમાંથી સિદ્ધિનો સ્રોત અનવરત વહેતો જ હોવા છતાં વિપર્યય, અશક્તિ અને તુષ્ટિરૂપ બાકીના પ્રત્યયસર્ગ દ્વારા તેનો પ્રતિબંધ થાય છે. એટલે બધી જ જીવશ્રેણીઓમાં સિદ્ધિ ઉત્પન્ન થતી નથી. કેવળ મનુષ્યો જ સિદ્ધિ પ્રાપ્ત કરવા સમર્થ છે.
૪૩